click here to go to advertiser's link
Visitors :  
26-Jun-2026, Friday
Home -> Gandhidham -> Adipur police caught two thieves with foreign made pistol and firearm cartridge
Thursday, 25-Jun-2026 - Aadipur 1373 views
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુર પોલીસે પકડેલાં બે ચોર પાસેથી કિંમતી ચીજવસ્તુઓ સાથે ૯ MMની વિદેશી પિસ્ટલ સાથે પોઈન્ટ ૨૨ અને પોઈન્ટ ૩૨ બોરની ગનના ૨૬ જીવતાં કારતૂસ મળી આવતા પોલીસ ચોંકી ગઈ છે. કારણ કે જે પિસ્ટલ અને કારતૂસ મળ્યાં છે તે તેમણે એક બંગ્લોમાંથી ચોર્યાં હતા અને તે ચોરી અંગે આજ સુધી કોઈ પોલીસ ફરિયાદ જ નોંધાઈ નથી!
સપ્તાહ અગાઉ કૃષ્ણાનગરમાં ૬.૪૦ લાખની ચોરી કરેલી

૧૭ અને ૧૮ જૂનની રાત્રે આદિપુરના આહીર કૃષ્ણાનગરમાં મકાન ધરાવતા અને દુબઈ સ્થાયી થયેલાં મનીષાબેન આસરના બંધ રહેણાકમાંથી ૬.૪૦ લાખની ચીજવસ્તુઓની ચોરી થયેલી. અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરાને ઉપર કરીને, તાળાં તોડીને ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં, ચાંદીના ૧૨ સિક્કા, બે લેપટોપ, બે મોબાઈલ ફોન, જુદી જુદી કંપનીની મોંઘીદાટ બ્રાન્ડેડ ૧૩ કાંડા ઘડિયાળ, ૧.૨૦ લાખની કિંમતના વિદેશી બ્રાન્ડના બે પર્સ વગેરે ચોરી ગયેલાં.

પોલીસે બે ચોરને પકડી ૮.૬૨ લાખનો માલ જપ્ત કર્યો

આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તસ્કરોનું પગેરું દબાવીને, બાતમીના આધારે બે થેલામાં ચોરીનો માલ વેચવા પલ્સર બાઈક પર જઈ રહેલાં બે ચોરને જુમા પીર ફાટક પાસેથી ઝડપી પાડ્યાં છે. પોલીસે પકડેલાં જગદીશ જીવાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૩, મૂળ રહે. માનપુરા ગામ, સાંતલપુર, પાટણ) અને વસંત રમેશભાઈ વારૈયા (દેવીપૂજક) (ઉ.વ. ૨૦, મૂળ રહે. રાધનપુર, પાટણ) પાસે રહેલાં બે થેલાઓની તલાશી લેતાં તેમાંથી વિવિધ કંપનીના ૧૧ મોબાઈલ ફોન, દેશી વિદેશી કંપનીની ૩૧ કાંડા ઘડિયાળો, ૩ લેપટોપ, ૨ આઈ પેડ, સોના ચાંદીના ઘરેણાં, સિક્કા, ચાંદીની વિવિધ ચીજવસ્તુ વગેરે મળી સવા ૮ લાખનો કિંમતી માલ સામાન મળી આવ્યો છે. બેઉ જણ અંજારના વરસામેડીના શાંતિધામમાં રહીને મજૂરી કરી લાગ મળ્યે ચોરીઓ કરે છે.

વિદેશી પિસ્ટલ અને ૨૬ કારતૂસ પણ મળ્યાં

થેલામાંથી પોલીસને તુર્કીયે દેશની ATAK Arms કંપનીની ૯ MMની પિસ્ટલ સાથે પોઈન્ટ ૨૨ બોરની ગનના ૧૫ જીવતાં કારતૂસ તથા પોઈન્ટ ૩૨ બોરની ગનના ૧૧ જીવતાં કારતૂસ મળી ૨૬ કારતૂસ મળી આવ્યાં છે. પોલીસે ૩૦ હજારની પિસ્ટલ અને ૪૪૫૦ના કારતૂસ જપ્ત કરી બેઉ સામે આર્મ્સ એક્ટ તળે અલાયદો ગુનો નોંધ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં બેઉ જણે કબૂલ્યું કે એક માસ અગાઉ તેમણે રામબાગ હોસ્પિટલથી અંજાર જતા રોડ પર આવેલા એક બંધ બંગ્લૉમાં ચોરી કરેલી ત્યારે આ પિસ્ટલ અને કારતૂસ મળી આવેલાં.

આ પિસ્ટલ અસલી છે કે એરગન અથવા સિગ્નલ આપવા માટે યા ડરાવવા માટે વપરાતી બ્લેન્ક ફાયરીંગ ગન છે તે જાણવા પોલીસે એફએસએલ પરીક્ષણ કરાવવાનું નક્કી કર્યું છે.

પિસ્ટલ-કારતૂસની ચોરીની ફરિયાદ જ નથી નોંધાઈ

આદિપુર પોલીસે બેઉને કૉર્ટમાં રજૂ કરીને સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. પોલીસે જણાવ્યું કે બેઉ જણ બંધ બંગ્લાઓમાં ચોરી કરવાની ટેવ ધરાવે છે. જે બંગ્લૉમાં ચોરી દરમિયાન પિસ્ટલ મળેલી તે અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. કૃષ્ણાનગરની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પરંતુ તેમની પાસેથી મળેલો મુદ્દામાલ સૂચવે છે કે તેમણે એકથી વધુ સ્થળે ચોરી કરેલી છે. પીઆઈ એમ.સી. વાળાએ તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ખનિજ ચોરી નાથવા SDM અને LCBનું ખાવડા પંથક પર ફોકસઃ ૯ ડમ્પર જપ્ત કરાયાં
 
અંજારના સતાપર નજીક કેમિકલમાંથી બનતા ઈંગ્લિશ દારૂ વોડકાની મીની ફેક્ટરીનો પર્દાફાશ
 
ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ સામે જામનગરમાં ૨૦.૫૬ કરોડના ચીટીંગની ફરિયાદ