click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Anjar -> Relentless Pathani extortion despite 100% interest and loan payout in Anjar
Tuesday, 24-Feb-2026 - Anjar 31907 views
૧૦% વ્યાજે મેળવેલા ૫ લાખ સામે ૧૦ માસમાં ૧૦ લાખ ચૂકવ્યાં છતાં પઠાણી ઉઘરાણી જારી
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર તાલુકાના નિંગાળ ગામે રહેતા ૪૩ વર્ષિય ખેડૂતે અંજારના ગુરુકુળ- ૦૧માં રહેતા મોદીશા શેખ નામના વ્યાજ માફિયા અને તેના ત્રણ સાગરીત સામે ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અઝીમ કારાભાઈ બાફણે ખેતીકામ માટે જરૂર ઊભી થતાં બે વર્ષ અગાઉ મોદીશા શેખ પાસેથી માસિક દસ ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયા મેળવ્યાં હતા. આરોપીએ એડવાન્સમાં પચાસ હજાર રૂપિયા વ્યાજ કાપીને સાડા ચાર લાખ રૂપિયા આપેલાં.

રૂપિયા આપવા સાથે સિક્યોરીટી પેટે સહી કરેલાં બે કોરાં ચેક મેળવી લીધા હતા.

અઝીમે દસ મહિનાની અંદર જ માસિક પચાસ હજાર રૂપિયા વ્યાજ અને પચાસ હજાર રૂપિયા મુદ્દલ પેટે દસ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા.

વ્યાજ સહિત મુદ્દલ ચૂકવી દીધા છતાં મોદીશાએ ફરિયાદીને કોરાં ચેક પરત કર્યાં નથી. એટલું જ નહીં, હજુ પણ ઉઘરાણી બાકી નીકળે છે કહીને ચેક બાઉન્સ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાં કરે છે. તેના ડરના લીધે અઝીમ અંજારમાં પગ મૂકવાનું ટાળતો થઈ ગયેલો.

અડધી રાતે ઘેર આવી ઉત્પાત મચાવી ધમકીઓ આપી

મોદીશા અવારનવાર તેને વોટસએપ કૉલ કરતો પરંતુ અઝીમ તેનો ફોન ઉપાડતો નહોતો. ગઈ ૧૭ ફેબ્રુઆરીની બપોરે આરોપીએ ફરિયાદીને વોટસએપ કૉલ કરીને ભૂંડી ગાળો ભાંડી ‘તું એકવાર રૂબરૂ ભેગો થા, તને જાનથી મારી નાખીશ’ કહીને ધમકી આપેલી. બેફામ બનેલા મોદીશાએ ત્યારબાદ મધરાત સુધી તેને વારંવાર કૉલ કરેલાં અને વોઈસ ક્લિપ મોકલીને ધાક ધમકી કર્યાં કરેલી.

કોઈ પ્રતિભાવ ના મળતાં ઉશ્કેરાયેલો મોદીશા બે કારમાં તેના ત્રણ સાગરીતો જોડે અડધી રાતે અઝીમના ઘરે ધસી આવેલો. તેના ડરથી ફરિયાદીએ ઘરનો દરવાજો ના ખોલતાં આ લુખ્ખાઓએ ઘરના દરવાજા જોરજોરથી પછાડેલાં અને પથ્થરો મારીને તેમાં નુકસાન કરેલું. ત્યારબાદ મોદીશાએ ફરી વોઈસ ક્લિપ મોકલીને મારી નાખવાની ધમકી આપેલી.

વ્યાજખોરો વિરુધ્ધ પોલીસ અને ગૃહ વિભાગ અવારનવાર ઝુંબેશનું આયોજન કરે છે. પૂર્વ કચ્છમાં અગાઉ ઘણાં વ્યાજખોરો સામે ગુજસીટોક સહિતના કડક એક્શન પણ લેવાયેલાં છે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક આવા બેફામ વ્યાજ માફિયાઓને કાયદાનો ડર કે ખાખીનો ખૌફ હજુ સ્પર્શી શક્યો નથી તે આ ઘટના પરથી વર્તાઈ આવે છે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો