|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના શિપીંગ બિઝનેસમેનને કપટપૂર્વક એક ઘરમાં લઈ જઈ, દોરડાથી બેઉ હાથ બાંધી ઢોર માર મારીને છરીની અણીએ ૨૦ લાખની ખંડણીનો હવાલો મેળવવાના ગુનામાં નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ દુબઈ રહેતા બિઝનેસમેનના ભાઈને વીડિયો કૉલ કરી, ભાઈને મારી નાખવાની ધમકી આપીને ૫ લાખ ૮૪ હજાર ૫૦૦ US ડોલર કે જેનું મૂલ્ય ભારતીય રૂપિયામાં ૫ કરોડ ૫૫ લાખ ૨૭ હજાર ૫૦૦ રૂપિયા થાય છે તે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવીને પડાવી લીધા હતા! બિઝનેસમેનને માર મારીને ખંડણી વસૂલનારી ત્રિપુટી હજુ ફરાર છે પરંતુ પૂર્વ કચ્છની બાહોશ પોલીસે સઘન તપાસ હાથ ધરીને ફક્ત એક જ અઠવાડિયાની અંદર ખંડણીકાંડના કાવતરાંના માસ્ટર માઈન્ડ સહિત ગુનામાં સામેલ સાત રીઢા શખ્સોની ગેંગની ધરપકડ કરી લીધી છે.
અઠવાડિયા અગાઉ બિઝનેસમેન સાથે આ બનાવ બનેલો
અંજાર વરસામેડીમાં રિવેરા એલિગેન્સ-3માં રહેતા ૪૪ વર્ષિય દિલીપભાઈ ગોકળભાઈ મજેઠીયા (ઠક્કર) શિપીંગ કન્ટેઈનર લાઈનના બિઝનેસ સાથે સંકળાયેલાં છે. ગત ૨૧ જૂલાઈએ નિત્યક્રમ મુજબ તેઓ ગાંધીધામના ટાગોર રોડ પર આસોપાલવ આર્કેડની ઑફિસે પહોંચ્યા ત્યારે ત્યાં પાર્કિંગમાં સ્વિફ્ટ કારની અંદર જાવેદ અભુ સાયચા તેમની રાહ જોતો બેઠો હતો. જાવેદ દિલીપભાઈના ખાસ મિત્ર હર્ષ કિશોરભાઈ તુલસીદાસ સદાદપુરી (ઉ.વ. ૩૯, રહે. મેઘપર બોરીચી, અંજાર હાલ રહે. બિકાનેર)નો મિત્ર છે. એકવાર હર્ષે દિલીપ જોડે જાવેદની મુલાકાત કરાવી હોઈ તે જાવેદને ઓળખતાં હતા.
કપટપૂર્વક મકાનમાં લઈ જઈ બંધક બનાવાયો
દિલીપને હર્ષ જોડેથી રૂપિયા લેવાના નીકળતાં હોવાનું જાણતાં જાવેદે ‘મારે પણ તમારી જેમ હર્ષ પાસેથી રૂપિયા લેવાના નીકળે છે, હાલ તે સપનાનગરમાં છે, ચાલો તેને મળતાં આવીએ’ કહીને દિલીપભાઈને પોતાની જોડે કારમાં બેસાડેલાં. થોડેક આગળ રસ્તામાં ઊભેલાં રીઝવાન હુસેન ખીચા (સપનાનગર, ગાંધીધામ) અને સોહિલ જુસબ બુચડ (તુણા વંડી, અંજાર)ને પણ ગાડીમાં બેસાડી દીધેલાં. દિલીપભાઈને સપનાનગરમાં આવેલા પોતાના ઘરે કપટપૂર્વક લઈ જઈને જાવેદ અને તેના બે સાગરીતોએ તેમના હાથ બારી સાથે બાંધી દઈને માર મારીને, ગળા પર છરી રાખીને તાત્કાલિક ૨૦ લાખ રૂપિયા આપવા માગ કરેલી.
૨૦ લાખનો હવાલો મેળવ્યો પણ રૂપિયા ના લઈ શક્યા
દિલીપભાઈએ પોતાના ઓળખીતા પીએમ આંગડિયામાં ફોન કરીને ૨૦ લાખનો હવાલો પડાવેલો. દરમિયાન, પતિને ટિફિન આપવા આવેલી પત્નીએ પતિને ના જોતાં તેણે પોલીસને જાણ કરતાં તે દિવસે બપોરથી જ પોલીસ એક્ટિવ થઈ ગયેલી. નાણાં લેવા જતી વખતે દિલીપભાઈની ઓફિસ આસપાસ પોલીસની હાજરી જોઈને આરોપીઓ દિલીપભાઈને ઓસ્લો સર્કલ પાસે ઉતારીને નાસી ગયેલાં.
FIR નોંધાઈ ગયા બાદ થયો મોટો ધડાકો
મોડી સાંજે દિલીપભાઈએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને જઈ જાવેદ અને તેના અન્ય બે સાગરીતોએ ૨૦ લાખની ખંડણીનો હવાલો મેળવ્યો હોવાની ફરિયાદ નોંધાવેલી. આરોપીઓ ૨૦ લાખ રૂપિયા લીધા વગર નાસી ગયાં હોઈ સૌને થોડીક હાશ હતી. જો કે, પોલીસ સમક્ષ વિશેષ નિવેદન આપતી વખતે દિલીપભાઈએ ધડાકો કરેલો કે ‘સાહેબ, મારા ૨૦ લાખ ભલે બચી ગયાં પરંતુ આ ત્રિપુટીએ તે સમયે દુબઈ રહેતા મારા ભાઈ નરેશ ઊર્ફે લાલોને વીડિયો કૉલ કરીને મને મારી નાખવાની ધમકી આપીને તેની પાસેથી ૫.૫૫ કરોડની ખંડણી પડાવી લીધી છે. હું ગભરાટમાં હતો અને ભાઈ જોડે વાત થઈ નહોતી એટલે મને આ વાતની ખબર નહોતી’
ચોંકી ઉઠેલાં SPએ ખુદ તપાસનું સુપરવિઝન શરૂ કર્યું
દિલીપ મજેઠીયાના ઘટસ્ફોટના પગલે રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર જેવા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. એસપી સાગર બાગમારે જાતે ગુનાના ડિટેક્શનનું સુપરવિઝન રાખવાનું શરૂ કરી, અંજારના DySP મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં એ ડિવિઝન પોલીસ, SOG, LCB, નેત્રમ કમાન્ડ સેન્ટરના પોલીસ અધિકારી કર્મચારીઓની ૧૦ ટીમ બનાવીને દરેકને અલગ અલગ ટાસ્ક સોંપીને યુધ્ધના ધોરણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
મિત્ર જ નીકળ્યો માસ્ટર માઈન્ડ
પોલીસના ગહન ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સમાં બહાર આવ્યું કે આ ગુનાનો માસ્ટર માઈન્ડ ફરિયાદી દિલીપ મજેઠીયાનો ખાસ મિત્ર હર્ષ સદાદપુરી છે. લોકોને બાટલીઓમાં ઉતારવામાં માહેર હર્ષ ઘણાં સમયથી દેવામાં ડૂબી ગયેલો. તે દિલીપના ધંધા, ઘર પરિવારના સદસ્યો અને આવકથી સુપેરે વાકેફ હતો. જેથી તેણે દિલીપને ઉઠાવી, તેની અને તેના ભાઈ પાસેથી ખંડણી વસૂલવા માટેનું કાવતરું ઘડેલું. દિલીપને ઉપાડીને બંધક બનાવવાનું કામ હર્ષે જાવેદને સોંપેલું. જાવેદે આ કાવતરામાં તેના ભાઈ શબ્બિર, રીઝવાન ખીચા, સોહિલ બુચડ વગેરેને સામેલ કરેલાં. કામ પતી ગયાં બાદ નવા સીમ કાર્ડ મેળવી આપવાનું કામ જાવેદે હુસેન જુસબ બુચડને સોંપેલું.
દુબઈથી ઓનલાઈન ખંડણી વસૂલવા અન્યોની મદદ મેળવી
દુબઈ રહેતા દિલીપના ભાઈ નરેશ પાસેથી કેવી રીતે ઓનલાઈન માધ્યમથી ખંડણીના નાણાં વસૂલવા તે માટે હર્ષે આદિપુરની ચોંસઠ બજારમાં રહેતા રાજ દીપક ધનવાણીનું મદદ મેળવેલી. ડોલરને ક્રિપ્ટોમાં ફેરવીને જમા કરાવવા માટે વૉલેટ બનાવવામાં રાજ ધનવાણી ઉપરાંત લક્ષ્મણ ઊર્ફે લચ્છુ લીલારામ હેમનાણી (રહે. આદિપુર), સચિન વિકાસ આનંદાની (રહે. આદિપુર), ઈબ્રાહિમ જુસબ બુચડ (રહે. ખારીરોહર) વગેરેની મદદ મેળવાયેલી.
ગાંધીધામ પોલીસે દિલ્હીમાંથી માસ્ટર માઈન્ડ હર્ષને ઉપાડી લઈને સઘન પૂછપરછ કરી એક પછી એક કડીઓ મેળવીને રાજ ધનવાણી સહિતના તમામ સાતે ખંડણીખોરોની ધરપકડ કરી લીધી છે.
જાવેદ અને તેના બે સાગરીતો હજુ ફરાર છે. આરોપીઓ પાસેથી પોલીસે ૯.૬૮ લાખ રોકડાં રૂપિયા અને ૨.૭૫ લાખના ૧૧ મોબાઈલ ફોન કબજે કર્યાં છે.
કરોડોના ફ્રોડનો આરોપી રાજ ધનવાણી ફરી ચોપડે ચઢ્યો
રાજ ધનવાણી મ્યૂલ એકાઉન્ટ્સ ખોલાવીને ક્રિકેટ સટ્ટા બેટીંગ અને સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવવાના બે ગંભીર ગુનાઓનો મુખ્ય આરોપી છે. દુબઈથી ટ્રાન્સફર થયેલી ખંડણીની રકમમાંથી ગણતરીના દિવસોમાં જ લાખ્ખો રૂપિયા રાજે સટ્ટામાં ઉડાવી દીધા હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.
ઓઈલ લાઈનોમાંથી ચોરી કરતી ગેંગ-બૂટલેગરો સામેલ
ફરાર જાવેદ સાયચા ઓઈલ અને પેટ્રોલિયમ પાઈપ લાઈનોમાં પંક્ચર કરીને ઓઈલ ચોરી કરતો રીઢો ચોર છે. અગાઉ તેની સામે આ અંગે આડેસર, કંડલા મરીન અને ગાંધીધામ બી ડિવિઝનમાં ત્રણ ગુના નોંધાયેલાં છે. ગાંધીધામ એ ડિવિઝનમાં નોંધાયેલા મારામારી, હુમલાના કેસનો પણ તે આરોપી છે. સોહિલ અને હુસેન બુચડ પણ આડેસર ઓઈલ પાઈપલાઈન ચોરીના ગુનામાં સામેલ હતા. સોહિલ કંડલામાં દાખલ થયેલાં હત્યાના પ્રયાસ, રાયોટીંગના ગુનાનો પણ આરોપી છે. સચિન આનંદાની રીઢો બૂટલેગર છે અને તેની સામે પાંચ ગુના નોંધાયેલાં છે. લચ્છુ પણ દારૂના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચીતરાયેલો છે.
એક સપ્તાહની અંદર આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં LCB પીઆઈ જે.એમ. વાળા, એ ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડ, પીએસઆઈ જે.ડી. પરમાર, ડી.જી. પટેલ, જે.જી. રાજ સહિતના સ્ટાફે ભારે દોડધામ કરી હતી.
Share it on
|