click here to go to advertiser's link
Visitors :  
27-Jul-2026, Monday
Home -> Gandhidham -> SMC catches IMFL worth Rs 48.35 Lakh near Gagodar Read more
Monday, 27-Jul-2026 - Gandhidham 953 views
કચ્છમાં વધુ એકવાર SMC ત્રાટકીઃ ગાગોદર નજીક ૪૮.૩૫ લાખનો દારૂ ભરેલું ટ્રેલર પકડાયુ
કચ્છખબરડૉટકોમ, ગાગોદરઃ પૂર્વ કચ્છ પોલીસને ઊંઘતી રાખીને રાજ્ય સ્તરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વધુ એકવાર કાર્યવાહી કરી ગાગોદર પાસેથી ૪૮.૩૫ લાખનો શરાબ ભરેલું પકડેલું ટ્રેલર પકડી પાડ્યું છે. ગાંધીધામમાં બી ડિવિઝન પોલીસે ૫૧ લાખનો દારૂ ભરેલું ટેન્કર પકડ્યાના ગણતરીના કલાકો બાદ દારૂ ભરેલું વધુ એક ટ્રેલર પકડાતાં પૂર્વ કચ્છમાં બૂટલેગરો કેટલી હદે બેફામ બન્યાં છે તે સ્વયંસ્પષ્ટ થઈ રહ્યું છે.

બાતમીના આધારે SMCએ ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં સામખિયાળી તરફ જતા હાઈવે પર આવેલી જય ગોગા રાજસ્થાન હોટેલના પાર્કિંગમાં પડેલા ઈંગ્લિશ દારૂ ભરેલાં ટ્રેલર અને તેના ડ્રાઈવર ક્લિનરને ઝડપી પાડ્યાં હતા. મધરાતે આ ટ્રેલરને પોલીસ સ્ટેશને લઈ જઈ તેમાં રહેલી શરાબની પેટીઓ બહાર કઢાઈ ગણતરી કરાઈ હતી.

ટ્રેલરમાંથી વિવિધ બ્રાન્ડની વ્હિસ્કીની ૪૮ લાખ ૩૫ હજાર ૬૬૬ રૂપિયાની કિંમતની ૧૩ હજાર ૫૦૦ નંગ બાટલીઓ મળી આવી હતી.

પોલીસે પકડેલાં ડ્રાઈવર શ્રવણકુમાર પુરારામ મેઘવાલ (રહે. ચૌહટન, બાડમેર, રાજસ્થાન)એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે સાંચોરના નારાયણ દિપારામ જાટે તેના માણસ મારફતે તેને બાડમેરમાં દારૂ ભરેલું ટ્રેલર મોકલાવીને સામખિયાળી લઈ જવા જણાવેલું. 

મહેનતાણાં પેટે તેને ૩૦ હજાર રૂપિયા મળવાના હતા.

શ્રવણે પાંચ હજાર રૂપિયા મહેનતાણું આપવાનું કહીને પોતાની સાથે ક્લિનર તરીકે ચેનારામ ડોલુરામ જાટને સાથે લીધો હતો.

૧૯ જૂલાઈએ આ જ રીતે સફળ ખેપ મારી ગયેલો

ડ્રાઈવર શ્રવણકુમારે કબૂલ્યું કે અગાઉ ૧૯ જૂલાઈના રોજ નારાયણ જાટના કહેવાથી આ જ રીતે દારૂ ભરેલી ગાડી લઈને કચ્છ આવેલો. સામખિયાળી ટોલ નાકું પસાર કરીને બસ્સો મીટર આગળ જઈને ગાડી ઊભી રાખેલી. ત્યારબાદ નારાયણ જાટના કહેવાથી અજાણ્યો માણસ આવેલો.

જય માતાજી કોડવર્ડ બોલ્યાં બાદ તેને દારૂ ભરેલું ટ્રેલર આપી દીધેલું.

માલ ખાલી કરીને અજાણ્યો માણસ બીજા દિવસે તેને ટ્રેલર પાછું આપી ગયેલો.

ટ્રેલર પર લાગેલી નંબર પ્લેટ ખોટી નીકળી

પોલીસે ટ્રેલરની તલાશી લેતાં તેમાંથી ડીઝલ ભરાવવા માટે અપાયેલાં ૧૦ હજાર રોકડાં રૂપિયા, આરસી બૂક, ઈન્સ્યોરન્સ પૉલિસી વગેરે દસ્તાવેજો મળી આવ્યાં હતા. આ દસ્તાવેજો મુજબ પકડાયેલા ટ્રેલરનો નંબર RJ-19 GJ-3940 છે પરંતુ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રેલર પર GJ-08 Y-7835 નંબરની ખોટી નંબર પ્લેટ લગાડાઈ હતી.

જપ્ત થયેલો દારૂ રાજસ્થાનની વિવિધ ડિસ્ટલરીઝમાં ઉત્પાદિત થયેલો છે. આરોપીઓ સાંચોર, નેનાવા બોર્ડરથી ધાનેરા, ડીસા, રાધનપુર, સાંતલપુર થઈને સામખિયાળી તરફ જતા હતા.

રસ્તામાં ગાગોદર પાસેની હોટેલ પર કુદરતી હાજત કરવા માટે રોકાયાં હતા ત્યારે બાતમીના આધારે SMCએ ત્રાટકી હતી. શરાબ ઉપરાંત ૩૦ લાખનું ટ્રેલર, ૧૧ હજાર ૯૩૦ રોકડાં રૂપિયા, ૧૦ હજારના બે મોબાઈલ ફોન વગેરે મળીને કુલ ૭૮.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Share it on
   

Recent News  
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો
 
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ