કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં રહેતી ૧૭ વર્ષ ૧૦ માસની તરુણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને મહારાષ્ટ્રમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધો બાંધનાર યુવકને કૉર્ટે સાત વર્ષનો કારાવાસ ફટકાર્યો છે. શાંતિધામ-3માં રહેતો મૂળ ભચાઉના જડસા ગામનો વતની જગદીશ રવિલાલ પરસોડ (કોલી) ૩ મે ૨૦૨૧ના રોજ કિશોરીને ભગાડી ગયો હતો. અંજાર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને થોડાંક દિવસો બાદ મહારાષ્ટ્રમાંથી ભોગ બનનાર તરુણી અને જગદીશને શોધી કાઢ્યા હતા. આ ગુનામાં અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ કે. શુક્લએ આરોપીને ઈપીકો કલમ ૩૭૬ (૨) (એન) હેઠળ ૭ વર્ષની સાદી કેદ સાથે બે હજારનો દંડ તથા ઈપીકો કલમ ૩૬૬ હેઠળ ૧ વર્ષની સાદી કેદ સાથે એક હજારનો દંડ ફટકાર્યો છે. કૉર્ટે ઈપીકો કલમ ૩૬૩ અને પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ આરોપીને નિર્દોષ ઠેરવ્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે મદદનીશ સરકારી વકીલ આશિષ પંડ્યાએ દલીલો કરી હતી.
Share it on
|