કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના તેરા ગામે રહેતા યુવકનું ભુજમાં સરાજાહેર અપહરણ કરી, પોતાના વાડે લઈ જઈને બે જણે ઢોર માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં બેહોશ હાલતમાં સારવાર તળે છે. તબીબો તેની તબિયતને નાજૂક ગણાવી રહ્યાં છે. હુમલો કરનાર ભુજનો આરોપી પણ યુવકનો સંબંધી હોવાનું પોલીસે જણાવ્યું છે. તેરા ગામે રહેતો જયેન્દ્રસિંહ જાડેજા નામનો યુવક ગઈકાલે ભુજ આવ્યો હતો. જયેન્દ્ર ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલી ICICI લાઈફ ઈન્સ્યોરન્સની બ્રાન્ચ ખાતે હાજર હોવાનું જાણીને ભુજના લાયન્સનગરમાં રહેતો મયૂરસિંહ દેવુભા જાડેજા અને તેનો અજાણ્યો સાગરીત ગુનાહિત કાવતરું રચીને વેગન આર કારમાં અહીં ધસી આવ્યા હતા.
બેઉ જણે જયેન્દ્રને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરીને મિરજાપર રોડ પર આવેલા મયૂરના વાડા પર લઈ ગયા હતા.
વાડામાં લઈ જઈને મયૂરે લોખંડના પાઈપ અને તેના સાગરીતે લાકડીથી જયેન્દ્રસિંહને ઢોર માર માર્યો હતો. જેમાં જયેન્દ્રના જમણા હાથે ફ્રેક્ચર, માથા, ચહેરા, બેઉ પગ અને કમરમાં મુઢ ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ મયૂરે જયેન્દ્ર પાસે રહેલો મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધો હતો. ગત સાંજે સાડા પાંચના અરસામાં બનાવ બન્યો હતો.
ઘાયલ યુવક હાલ બેહોશ હાલતમાં સારવાર તળે છે. બનાવ અંગે યુવકના સંબંધી પ્રવિણસિંહ આસુભા જાડેજાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હુમલો કરનાર મયૂર જયેન્દ્રનો મોટા બાપાનો દીકરો થતો હોવાનું પોલીસે જણાવ્યું છે. અપહરણ અને હુમલાનું કારણ નાણાંની લેતી દેતીનું મનદુઃખ હોવાની શક્યતા છે. યુવક ભાનમાં આવે ત્યારપછી જ સાચું કારણ સામે આવશે. લાયન્સનગરમાં રહેતો મયૂર અગાઉ ભુજના એક કુખ્યાત નગરસેવકની ઑફિસમાં થયેલી તોડફોડના ગુનામાં પણ પોલીસ ચોપડે ચઢી ચૂક્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.
Share it on
|