કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં અંગત માલિકીના પ્લોટ પર બની રહેલા મકાન આડે અંતરાય સર્જવા જાહેર માર્ગ પર દિવાલ ચણી લઈ, કૉર્ટમાં દિવાની દાવો દાખલ કરીને મામલાની પતાવટ માટે ૧૫ લાખ રૂપિયાની ખંડણી માગતી ત્રિપુટી સામે ગુનો દાખલ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગહન તપાસ કરીને અરજદાર પાસે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદી આમદ અલીમામદ મેમણ (ઉ.વ. ૫૭, રહે. કમલાણી ફળિયું, ભીડ બજાર પાસે, ભુજ)એ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અંજલિનગર વિકાસ સમિતિના નામે ખંડણી માગતા ગુલામહુસેન સિધિક દરાડ, રફીક ઊર્ફે મુસો સાલેમામદ કુંભાર અને શૌકત શેખ (તમામ રહે. અંજલિનગર-2, ભુજ) વિરુધ્ધ તેમણે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી આમદભાઈ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે.
સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમણે અંજલિનગર-2 નજીક આવેલા શાહિન પાર્કમાં ભાભી રુબિના સત્તારભાઈ મેમણના પ્લોટ પર સરકારી મંજૂરી લઈને મકાન નિર્માણનું કામ હાથ ધર્યું હતું.
જે-તે સમયે ખાલી પ્લોટમાં નજીકમા રહેતા મૌલાના ગુલામ હુસેન તેમની ગાય અને વાછરડું પ્લોટની આગળના ભાગમાં બાંધતા હતા. પ્લોટ ખાલી કરવા કહેતા ગુલામ હુસેને ઉશ્કેરાઈને માથાકૂટ કરી પ્લોટ ખાલી કરી આપ્યો હતો.
મકાન બાંધકામ શરૂ કર્યા બાદ ત્રણે આરોપીએ પોતે અંજલિનગર વિકાસ સમિતિના સભ્યો હોવાનું કહીને ‘તમે અમારી મંજૂરી વગર બાંધકામ શરૂ કર્યું છે, રૂબરુ મળી લ્યો’ તેવી મોઘમ વોઈસ ક્લિપ મોકલીને બાંધકામમાં અવરોધ સર્જી હેરાન કરવા યેનકેન રીતે પ્રયાસો શરૂ કરેલાં.
ફરિયાદી કોઈને મળ્યા નહોતા. ત્યારબાદ આરોપીઓએ તેમના મકાન આગળ જાહેર રોડ પર દિવાલ ચણી લીધી હતી. એટલું જ નહીં, ભુજ કૉર્ટમાં દિવાની દાવો દાખલ કર્યો હતો. ફરિયાદીના ભાભીએ દિવાલ હટાવવા માટે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અરજી કરેલી ત્યારે આરોપીઓએ દિવાની દાવાની નકલ રજૂ કરી હતી.
આરોપીઓ પતાવટ માટે પંદર લાખ માગતા હતા
દિવાલનો અવરોધ હટાવવા માટે ફરિયાદીએ આરોપીઓને ઓળખતાં મિત્રો પરિચિતોને વાત કરીને ભલામણો શરુ કરાવી હતી. ફરિયાદીએ તેના મિત્ર મામદ માંજોઠીને આ અંગે વાત કરતા મામદ માંજોઠી આરોપી રફીક ઊર્ફે મુસો કુંભારને મળેલ. રફીકે મામદને મેટર પતાવવી હોય તો પંદર વીસ લાખ થશે તેમ જણાવેલું.
થોડાં દિવસ બાદ ફરિયાદીએ રફીકને રુબરૂ મળી દિવાલ હટાવવા કહેલું ત્યારે રફીકે તેને તથા ગુલામ હુસેન દરાડ અને શૌકત શેખને પંદર લાખ રૂપિયા આપશો તો જ આ દિવાલ હટશે અને અમે કેસ પાછો ખેંચીશું કહીને રૂપિયા માગ્યા હતા.
ફરિયાદી પાસે રહેલી વાતચીતના રેકોર્ડીંગની ક્લિપ અને અન્ય આધાર પુરાવાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠીએ તપાસ કરીને આજે બી ડિવિઝનમાં તેમની રૂબરૂ ફરિયાદ નોંધાવડાવી છે.
Share it on
|