click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2025, Friday
Home -> Anjar -> Anjar: Government Subsidized 18 Lakh Loan Fraudulently Obtained by Loan Agent and Bhuj Firm
Friday, 15-Aug-2025 - Anjar 1712 views
અંજારઃ સરકારી સબ્સિડીવાળી ૧૮ લાખની લોન મેળવી લોન એજન્ટ અને ભુજની પેઢીએ ઠગાઈ કરી
કચ્છખબરડૉટકોમ, અંજારઃ કપડાંની ધોલાઈ અને ડાઈ કલર માટે નવું મશીન ખરીદવા ઈચ્છતા અંજારના કારખાનેદારને સરકારી સબ્સિડીવાળી લોન મંજૂર કરાવી આપી ૧૮ લાખનો ચૂનો ચોપડાયો છે. ભુજના મિરજાપર રોડ પર ટાઈમ્સ સ્ક્વૅરમાં આવેલી ‘કાવ્યા ટ્રેડર્સ’ નામની પેઢીના માલિક મનીષ ઠક્કર અને આદિપુરના લોન એજન્ટ ભાવેશ મોહનલાલ શાહ સામે અંજારના મુનાવર કાસમ રાયમાએ ક્રિમિનલ કોન્સ્પિરસી અને ફ્રોડની ફરિયાદ નોંધાવી છે.
લોન એજન્ટ ભાવેશ ચાની રેંકડી પર ભટકાઈ ગયેલો

અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં મુનાવરે જણાવ્યું કે તે વીડીમાં કપડાંની વૉશિંગ અને ડાઈનું કારખાનું ચલાવે છે. કારખાના માટે તેને કિંમતી મશિન ખરીદવાની ઘણી જરૂર હતી પરંતુ તે માટે પુરતાં નાણાં નહોતા. ગત વર્ષે તે મિત્ર જોડે ચાની રેંકડી પર ચા પીતાં પીતાં આ અંગે ચર્ચા કરતો હતો ત્યારે તેમની વાતો સાંભળીને ભાવેશ તેને મળ્યો હતો. ભાવેશે પોતાની ઓળખાણ આપીને પોતે સબ્સિડીવાળી લોન મંજૂર કરાવવાનું કામ કરે છે અને તમારે લોન જોઈતી હોય તો મળી જશે તેમ કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.

મકાન મોર્ગેજ કરાવી લોન મંજૂર કરાવાઈ

ત્યારપછીના ઘટનાક્રમમાં ભાવેશના કહેવાથી ફરિયાદીએ અંજારની ઈન્ડિયન બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. બેન્ક મેનેજર મુકેશ ગેહલોત, લૉન મોર્ગેજ કરવાનું કામ કરતો બેન્કનો કર્મચારી વિક્રાંત વગેરે બધા વીડીમાં તેના કારખાને આવેલા. કારખાનાના ફોટો પાડેલા. ફરિયાદીના મકાનને અંજાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોર્ગેજ કરાવ્યું હતું. ૧૬-૧૦-૨૦૨૪ના રોજ બેન્ક મેનેજરે ફરિયાદીને ફોન કરીને ૧૮ લાખની મંજૂર થયેલી લોનનો ચેક તૈયાર થઈ ગયો હોવાનું કહીને બેન્કમાં સહી કરવા બોલાવેલો.

ચેક ભુજની પેઢીના ખાતામાં ડાયરેક્ટ જમા થયો

આ ચેક મશિનનું ક્વૉટેશન આપનાર કાવ્યા ટ્રેડર્સના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જશે તેમ બેન્ક મેનેજરે જણાવેલું. કાવ્યા ટ્રેડર્સના ખાતામાં નાણાં જમા થઈ ગયા હતા પરંતુ ફરિયાદીને કોઈ મશિન કે રુપિયા મળ્યા નહોતા. ફરિયાદીને તો કઈ કંપનીનું મશિન છે, કઈ પેઢીના ખાતામાં રૂપિયા જમા થવાના છે તેની પણ જાણ સુધ્ધાં નહોતી. એ તો ઠીક, તેના ખાતામાં ભુજની સાઉથ ઈન્ડિયન બેન્ક દ્વારા માર્જિન મનીના નામે બે લાખ રૂપિયા જમા થયેલાં તે અંગે પણ તેને કશી ખબર નહોતી!

બેન્ક ખાતું ફ્રીઝ થયાનું બહાનુ કઢાયું

લાંબા સમય સુધી મશિન ના મળતાં ફરિયાદીએ ભાવેશ શાહને પૂછતાં તેણે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમના લીધે કાવ્યા ટ્રેડર્સનું બેન્ક ખાતું ફ્રીઝ થઈ ગયું છે. તે ડી-ફ્રીઝ થશે ત્યારે મશિન મળશે. ત્યાં સુધી તમારી લોનના હપ્તા મનિષ ઠક્કર ભરતો રહેશે.

બીજી તરફ, મશિન ના મળ્યું હોવા છતાં બેન્ક મેનેજર સહિતનો સ્ટાફ સબ્સિડી ક્લેઈમના નામે ફરિયાદીના કારખાનાની વિઝીટમાં પુનઃ આવેલો અને મશિન વગરના કારખાનાના ફોટા પાડીને જતો રહેલો.

છ માસથી વધુ સમય વીતી ગયો, ભાવેશ અને મનીષ ઠક્કર ગોળ ગોળ જવાબો આપ્યા કરે છે.

ફરિયાદીએ જાત તપાસ કરતાં તેને જાણવા મળ્યું કે ભુજનો મનીષ ઠક્કર તો આર્થિત રીતે તૂટી ગયેલી પાર્ટી છે!

મુનાવરે ભાવેશ શાહ અને મનીષ ઠક્કર બેઉ વિરુધ્ધ એકબીજાની મિલિભગતથી કાવતરું રચીને ૧૮ લાખની સરકારી સબ્સિડીવાળી લોનની રકમ મેળવી લઈને ઠગાઈ કર્યાનો ગુનો નોંધાવ્યો છે.

Share it on
   

Recent News  
ભુજના હોસ્પિટલ રોડ પરથી કારમાં યુવકનું અપહરણ કરી, વાડામાં લઈ જઈ ઢોર માર મરાયો
 
ઘર આગળ રસ્તા પર ચણેલી દિવાલ હટાવવી હોય, દાવો પાછો ખેંચવો હોય તો ૧૫ લાખ આપવા પડશે
 
મુંદરામાં સાયબર ક્રાઈમે સોલવન્ટના ગેરકાયદે જોખમી કારોબારનો પર્દાફાશ કર્યો