કચ્છખબરડૉટકોમ, દુધઈઃ અંજાર તાલુકાના બુઢારમોરા ગામે આવેલી બ્રાન્ચ પોસ્ટ ઑફિસના પૂર્વ પોસ્ટ માસ્ટરે ૧૯ ખાતાધારકોના ૯૨ હજાર રૂપિયાની અંગત હેતુ ઉચાપત કરી હોવાની પોસ્ટ વિભાગે દુધઈ પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. ઈસ્ટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા પોસ્ટલ ઈન્સ્પેક્ટર બી.એચ. જાડેજાએ નીલ કમલેશભાઈ લેઉઆ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ૧૮-૦૮-૨૦૨૨થી લેઉઆની બુઢારમોરા બ્રાન્ચ પોસ્ટ ઑફિસમાં નિમણૂક થઈ હતી. ૨૬-૦૭-૨૦૨૪ના રોજ હાથ ધરાયેલા ઑડિટ સમયે બહાર આવ્યું હતું કે ૧૯ જેટલા ગ્રાહકો કે જેમણે પોસ્ટલ વીમાના પ્રિમિયમ પેટે રોકડમાં માસિક હપ્તા ચૂકવેલા તેમના ૯૨ હજાર રૂપિયાની હેરફેર થયેલી. આરોપીએ કેટલાંક ગ્રાહકો પાસેથી રોકડ પેમેન્ટ લઈ તેમની પાસબૂકમાં પ્રિમિયમની નોંધ કરેલી પરંતુ પોસ્ટ ઑફિસમાં રકમ જમા કરાવી નહોતી. આ રીતે ૨૪ હજાર ૭૦૦ રૂપિયા મેળવેલા અને અંગત હેતુ માટે હજમ કરેલાં. બાદમાં તે રકમ અલગ અલગ તારીખોમાં જમા કરાવેલી.
એ જ રીતે, ૬૭ હજાર ૩૮૪ રૂપિયાનો તો કોઈ હિસાબ જ મળ્યો નહોતો અને તે રકમ હજમ થઈ ગઈ હતી. પોસ્ટ વિભાગની તપાસ શરૂ થતાં આરોપીએ ગયા સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ સાથે ૬૭ હજાર ૩૮૪ રુપિયા પોસ્ટ વિભાગમાં જમા કરાવી દીધા હતા.
પોસ્ટ તંત્રએ ૨૯-૦૭-૨૦૨૪થી આરોપીને સસ્પેન્ડ કરી દીધો હતો અને આંતરિક તપાસમાં દોષી પુરવાર થતાં ૦૮-૦૮-૨૦૨૫થી ફરજમાંથી બરતરફ કરી દઈ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|