કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના એરપોર્ટ રોડ પર સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં ભણતી સાક્ષી જેઠાલાલ ખાનિયા નામની ૧૯ વર્ષિય યુવતીની ગળું કાપી હત્યા કરનારા તેના બોય ફ્રેન્ડ મોહિત મુળજીભાઈ સિધ્ધપુરાને પોલીસે મીડિયા સમક્ષ રજૂ કર્યો છે.
Video :
ગત મોડી રાત્રે પશ્ચિમ કચ્છ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આરોપી ગાંધીધામમાં એસી રીપેરીંગનું કામ કરે છે. પોલીસ તેને કૉર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરશે.
ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક આર.ડી. જાડેજાએ જણાવ્યું કે મોહિત મૃતક સાક્ષીના ઘર નજીક રહે છે, બેઉ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે, સાક્ષીએ તેની સાથેનો સંબંધ તોડી નાખીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એકાદ માસ અગાઉ સાક્ષીએ ભુજની કોલેજમાં એડમિશન લઈને ભુજમાં સમાજની હોસ્ટેલમાં રહીને ભણવાનું શરૂ કર્યું હતું.
ગઈકાલે મોહિતે સાક્ષીને ફોન કરીને ભણવાનું છોડી દઈને ગાંધીધામ પાછાં આવી જવાની માંગણી કરી હતી. સાક્ષીએ ગાંધીધામ પરત ફરવા ઈન્કાર કર્યો હતો.
મોહિતે ફોન કરીને કરેલી માંગણી અંગે સાક્ષીએ માતાને વાત કરતા માતાએ તેને મોહિતનો નંબર બ્લૉક કરી દેવા જણાવતાં સાક્ષીએ તેનો નંબર બ્લોક કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલો મોહિત અંજારના તેના મિત્ર જયેશ ઠાકોર સાથે તેની બાઈક પર ભુજમાં આવ્યો હતો અને કોલેજમાંથી હોસ્ટેલ તરફ જઈ રહેલી સાક્ષી પર છરી વડે તૂટી પડ્યો હતો.