કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગુજરાતીમાં કહેવત છે કે ‘ભરોસાની ભેંસ પાડો જણે’ અર્થાત્ જેના પર બહુ વિશ્વાસ હોય તે જ વિશ્વાસઘાત કરે. આ કહેવતને સાર્થક કરતી બે ઘટના ફોજદારી ફરિયાદ સ્વરૂપે આદિપુર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. આદિપુરની ઘટનામાં વિશ્વાસુ ડ્રાઈવર શેઠને ૬.૯૩ લાખનો ચૂનો ચોપડી ગયો છે તો ગાંધીધામમાં બહાર આવેલી બીજી ઘટનામાં પ્રેમિકાને પ્રેમજાળમાં ફસાવી, સગાઈ કરનારો યુવક પાંચ લાખ રૂપિયાની ઠગાઈ કરી ગયો છે. વિશ્વાસુ ડ્રાઈવર શેઠને ચૂનો ચોપડી ગાયબ
આદિપુરના વૉર્ડ નંબર 3-એમાં રાધેક્રિષ્ના બિલ્ડર્સ અને રાધેક્રિષ્ના એન્જિનિયરીંગ એન્ડ કન્સ્ટ્રક્શન નામથી પેઢી ધરાવતા ૩૫ વર્ષિય કન્સ્ટ્રક્શન વ્યવસાયી સુનીલ મોહનભાઈ હડીયાએ તેમનો વિશ્વાસુ ડ્રાઈવર ૬.૯૩ લાખ રૂપિયા હજમ કરી ગયો હોવાની આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાંચ વર્ષ અગાઉ સુનીલે રામસિંગ શૈતાનસિંગ ભાટી નામના જૈસલમેર, રાજસ્થાનના યુવકને ડ્રાઈવર તરીકે નોકરી રાખ્યો હતો. રામસિંગ ખૂબ વફાદારી સાથે નોકરી કરતો હતો.
ગત ફેબ્રુઆરીમાં રામસિંગે પોતાના લગ્ન નિરધાર્યા હોઈ શેઠ પાસે ઉછીના ૭ લાખ રૂપિયા માગ્યા હતા.
સુનીલે તેને ૧૮-૦૨-૨૦૨૫ના રોજ RTGSથી બે લાખ રૂપિયા અને ૦૩-૦૪-૨૦૨૫ના રોજ થી RTGSથી ૪.૯૩ લાખ રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. નાણાં ટ્રાન્સફર થયા બાદ રામસિંગ ફરી નોકરી પર હાજર થઈ ગયેલો. એક મહિનો નોકરી કરેલી અને પછી ગાયબ થઈ ગયો છે. ના તે શેઠનો ફોન ઉપાડે છે ના ઉછીના લીધેલા રૂપિયા પાછાં આપે છે.
ફિયાન્સનો ના પ્રેમ મળ્યો ના પૈસા પરત મળ્યા
ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતી ઉર્મિલા આચાર્યાભાઈ સંજોટ નામની ૨૯ વર્ષિય યુવતીએ તેના પૂર્વ ફિયાન્સ રાહુલ નારણભાઈ પાતારીયા (વેલાણી) વિરુધ્ધ પાંચ લાખની ઠગાઈ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ઉર્મિલાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને જણાવ્યું કે અગાઉ તે કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં નોકરી કરતી હતી ત્યારે નજીકમાં રહેતા રાહુલના સંપર્કમાં આવેલી. પરિચય પ્રેમમાં પરિણમેલો.
રાહુલ તેને ફેક્ટરી પર લેવા મૂકવા આવતો. ફેક્ટરીમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ હોઈ તે રાહુલને ફોન સોંપીને જતી. ફોનનો પાસવર્ડ રાહુલ જાણતો હતો.
રાહુલે આગ્રહ કરીને ફોનમાં ગૂગલ પેની એપ શરૂ કરાવેલી. બાદમાં, પોતાને અંધારામાં રાખીને રાહુલે તેના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયે રૂપિયા ઉપાડી લીધેલા અને ઓનલાઈન એપ પરથી નાની મોટી રકમની લોનો મેળવેલી. નાણાંકીય ટ્રાન્ઝેક્શનના મેસેજ રાહુલ ડિલિટ કરી દેતો. તેના એટીએમ કાર્ડથી પણ રૂપિયા કઢાવતો હતો.
માતા પિતાની મરજી નહોતી છતાં તેમને મનાવીને ઉર્મિલાએ રાહુલ સાથે સગાઈ કરેલી.
સગાઈ બાદ એક દિવસ રાહુલે તેના ઘેર આવીને પોતાને ઘણું દેવું થઈ ગયું હોવાનું જણાવીને, તેના ઘરમાં આપઘાત કરી લેવાની વાતો કરીને ઘરમાં રહેલા દોઢ લાખ રોકડા રૂપિયા, સોનાની બે ચેઈન તથા માતાના ઘરેણાં લઈ ગયો હતો. માવતરને આ બાબતે ખબર પડતાં તેમણે રાહુલ અને તેના પરિવાર પાસે દાગીના અને રૂપિયા પાછાં માગવાનું શરૂ કરેલું.
વારંવાર ઉઘરાણીથી રોષે ભરાઈને રાહુલે ઘરે આવીને ઉર્મિલાની માતાને લાત મારતાં તેણે સગાઈ તોડી નાખેલી.
સગાઈ તોડી નાખી છતાં રાહુલે વાયદા મુજબ પાંચ લાખના મૂલ્યના દાગીના અને રૂપિયા દાગીના પાછાં આપ્યા નથી.
Share it on
|