|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના દાતણિયા વાસમાં પડોશમાં રહેતી અને કૌટુંબિક સંબંધી એવી પ્રેમિકા સાથે સામાજિક રીતે કદાપિ લગ્ન નહીં જ થાય તેમ માનીને પ્રેમીએ પ્રેમિકાને ઝેર પીવડાવી દીધું હોવાનો બનાવ બહાર આવ્યો છે. અંજાર પોલીસે આરોપી ૧૯ વર્ષિય સુનિલ કેશાભાઈ વડેચા (દાતણિયા) વિરુધ્ધ બીએનએસ કલમ ૧૨૩ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઝેર પી લેનારી ૧૮ વર્ષિય યુવતી હાલ ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં અત્યંત નાજૂક હાલતમાં સારવાર હેઠળ છે. અંજારના વિજયનગર પાસે આવેલા દાતણિયા વાસમાં રહેતા યુવતીના પિતાએ સુનિલ વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ શાકભાજી વેચવાનો ધંધો કરે છે. ૧૦ નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે તે ધંધો કરીને પત્ની, પુત્ર સાથે ઘરે આવ્યા ત્યારે દીકરી સતત ઊલટી કરતી હતી.
માતા દીકરીને સ્થાનિક દવાખાને લઈ ગયેલી. ડૉક્ટરે દવા ગોળી લખી આપેલી. પરંતુ, ઊલટી બંધ ના થતાં બીજા દિવસે ડૉક્ટરે રિપોર્ટ કરાવ્યા ત્યારે યુવતીએ ઝેરી દવા પીધી હોવાનું સ્પષ્ટ થયેલું.
તેની હાલત ઉત્તરોત્તર કથળી રહી હોઈ તબીબે તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરી હતી. માતા અને પિતરાઈ મામા યુવતીને કારમાં ભુજ લઈ જતા હતા ત્યારે રસ્તામાં યુવતીએ ઘટસ્ફોટ કર્યો હતો કે ‘તે પડોશમાં રહેતા સુનિલ જોડે બે વર્ષથી પ્રેમ સંબંધ ધરાવે છે. જો કે, એક જ સમાજ અને કુટુંબ હોઈ લગ્ન શક્ય ના હોઈ સુનિલ તેને અવારનવાર કહેતો હતો કે આપણે જીવીને શું કરીશું? આપણાં લગ્ન તો થવાના નથી’
યુવતીને ઘેર જઈ ઝેર આપી આવેલો
બનાવની સાંજે સુનિલ યુવતીના ઘેર આવેલો. તેણે યુવતીને ઝેર આપીને કહેલું કે આ ઘાસ મારવાની અત્યંત ઝેરી દવા છે. તું પી લેજે અને હું મારા ઘરે જઈને આ ઝેર પી લઈશ’ સુનિલના ગયા પછી યુવતીએ તરત જ ઝેર ગટગટાવી લીધું હતું.
મામલો ગંભીર બનતાં યુવકે આજે ઝેર પીધું!
બીજી તરફ, ઘરે ગયા બાદ કોઈપણ કારણોસર સુનિલે ઝેર પીધું નહોતું. યુવતીની હાલત હાલ ખૂબ નાજૂક છે. પોલીસે ફરિયાદ દાખલ કર્યાં બાદ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે સુનિલે પણ આજે ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જો કે, તેની તબિયત ભયમુક્ત છે. ઉલ્લેખનીય છે કે અઢી દાયકા અગાઉ અંજાર નજીક આ જ રીતે પ્રેમના પારખાં કરવાના નામે એક યુવકે પોતાની વાગ્દતાને કાર આગળ ઊભી રાખીને તેના પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનાએ દેશભરમાં ભારે ચકચાર સર્જી હતી. અંજાર પીઆઈ એ.આર. ગોહિલે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
Share it on
|