કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં રહેતાં એક જમીન દલાલે આદિપુરના વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જીવતર દોહ્યલું કરી નાખ્યું હોવાની ફોજદારી ફરિયાદ નોંધાવી છે. વરસામેડીના ઓધવપાર્ક લેન્ડમાં રહેતા ૪૦ વર્ષિય મનોજ શામજી આહીરે જણાવ્યું કે અગાઉ તે આદિપુરમાં રહેતો હતો અને જમીન લે-વેચનું કામ કરતો હતો. ધંધામાં નાણાંની જરૂર પડતાં તેણે છેલ્લાં ચાર વર્ષ દરમિયાન આદિપુર રહેતા તેના સમાજના શખ્સ અને મિત્ર એવા માવજી દેવાભાઈ આહીર પાસેથી ટૂકડે ટૂકડે ૬૫ લાખ રૂપિયા મેળવ્યાં હતાં.
પ્રારંભે માવજીએ તેને માસિક ત્રણ ટકાના વ્યાજે નાણાં આપવાની વાત કરેલી પરંતુ ઉઘરાણી વખતે તેણે માસિક દસ ટકા લેખે વ્યાજ વસૂલવાનું શરૂ કરેલું. માવજીને ટૂકડે ટૂકડે પોતે અત્યારસુધીમાં વ્યાજ અને મૂડી પેટે ૯૮ લાખ રૂપિયા ચૂકવી આપ્યાં છે.
છતાં, માવજીના વ્યાજનું ચકરડું હજું ચાલું ને ચાલું છે. માવજી મૂડી પેટે વીસ લાખ જમા થયાનું સ્વીકારીને હજુ તેની પાસે વધુ ૪૮ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કર્યાં કરે છે.
પોતે આદિપુરમાં આવેલું મકાન અને પ્લોટ વેચીને માવજીને રૂપિયા ચૂકવી આપ્યાં છતાં ઉઘરાણીનો અંત આવ્યો નથી.
માવજી ઝનૂની અને માથાભારે છે તેમ જણાવી ફરિયાદીએ તે અવારનવાર ઘરે આવીને મારી નાખવાની તથા ખોટાં કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને ફરિયાદી સાથે તેના પિતા તથા ભાઈઓને ત્રાસ આપી રહ્યો છે. અંજાર પોલીસે માવજી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગૃહમંત્રીના દાવા વચ્ચે આ જ છે વરવી વાસ્તવિક્તા
અંજારમાં વ્યાજખોર બહેનો અને બંધુની ત્રિપુટી પર ‘ગુજસીટોક’ અને ‘પાસા’ના શસ્ત્ર ઉગામાયાં બાદ પોલીસે તેમની ૬૩.૪૪ લાખની ચલ અચલ સંપત્તિઓ જપ્ત કરી છે. પોલીસની આ કાર્યવાહીને અભૂતપૂર્વ ગણાવતાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેને સંભવતઃ દેશમાં પહેલીવાર કરાયેલી કડક કાર્યવાહી ગણાવી છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાત પોલીસે વ્યાજખોરો પર સ્ટ્રાઈક કરી હોવાનું જણાવી સંઘવીએ તેને બિરદાવી છે.
સંઘવીનો દાવો સાચો પરંતુ માવજી સામે નોંધાયેલી ફરિયાદ જોતાં વ્યાજખોરો હજુ બેફામ રહ્યાં છે તે હકીકત પણ સ્વયંસિધ્ધ થઈ જાય છે.
આવી એકલ-દોકલ કાર્યવાહીથી વ્યાજખોરો તો શું અન્ય કોઈ ગુનાના રીઢા આરોપી યા ગુનેગારોને કશો ડર બેસતો નથી. સતત કડક ઝુંબેશ અવિરતપણે જારી રહે તો અને તો જ તે અસરકારક નીવડે છે.
Share it on
|