ફિલ્મ સિતારા આમિર ખાને કોટાયના ગ્રામજનો ને બાળકો સાથે જમીન પર બેસી ફિલ્મ નિહાળી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સુપરહિટ ફિલ્મ ‘લગાન’નો ૨૦૦૧માં ભુજના કુનરિયા ખાતે ગ્રામજનો સાથે પ્રીમિયર શૉ નિહાળ્યાના ૨૪ વર્ષ બાદ આજે ફિલ્મી સિતારા આમિર ખાને નજીકના કોટાય ગામે તેમની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું સ્પેશિયલ સ્ક્રિનીંગ યોજ્યું હતું.
Video :
‘લગાન’ના પ્રીમિયર શૉની જેમ જ આજે પણ આમિરે સૌ ગ્રામજનો અને બાળકો સાથે નીચે બેસીને સામાન્ય દર્શકની જેમ ફિલ્મ નિહાળી હતી.
‘લગાન’વખતની જૂની સ્મૃતિઓ વાગોળી
પોતાની કારકિર્દીના પ્રારંભિક દિવસોમાં બ્લોક બસ્ટર પૂરવાર થયેલી ઓસ્કાર નોમિનેટેડ સુપરહિટ ફિલ્મ ‘લગાન’નું મોટાભાગનું શૂટિંગ કુનરિયા ગામે થયું હતું. તે સમયે આમિર ખાનની કોટાય ગામના ધનજીભાઈ ચાડ સહિતના અનેક લોકો સાથે ગાઢ મૈત્રી થઈ હતી. આમિરે આ મૈત્રીસંબંધો આજે પણ સહજતાથી જાળવી રાખ્યા છે. ‘આમિર આમિર’ના નારા વચ્ચે આમિર ખાને આવીને લગાન સમયની જૂની સ્મૃતિઓ વાગોળી હતી. સ્પેશિયલ સ્ક્રિનીંગ બાદ લગાનના નિર્માણ સમયે સહયોગ આપનાર સૌ લોકોને મળીને આમિરે ઉષ્માભેર અઢી દાયકા જૂની સ્મૃતિઓ તાજી કરી હતી.
કોટાયમાં આમિરનું ‘જનતા કા થિએટર’
દેશમાં મનોરંજન માટે થિએટર સ્ક્રિનની સંખ્યા મર્યાદિત હોવાના અને ફિલ્મો જન-જન સુધી સરળતાથી પહોંચાડવાના આશયથી આમિર ખાને ‘જનતા કા થિએટર’ નામથી ખાસ અભિયાન શરુ કર્યું છે. આ માટે આમિર ખાને ઓટીટી પ્લેટફોર્મના બદલે યુટ્યુબ પર ‘પે પર વ્યૂ’ મોડેલ પર તેમની ફિલ્મો દર્શાવવાનું શરુ કર્યું છે.
સ્પેનિશ ફિલ્મની રીમેક યુટ્યુબ પર રિલિઝ
‘સિતારે ઝમીન પર’ ૨૦૧૮ની સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની ઑફિસિયલ હિન્દી રીમેક ફિલ્મ છે. બાસ્કેટ બૉલનો સસ્પેન્ડેડ કૉચ કેવી રીતે મનો દિવ્યાંગ બાળકોને રમતની તાલીમ આપી તેમને કુશળ ખેલાડી તરીકે તૈયાર કરે છે તેની સ્ટોરી પર આધારીત આ ફિલ્મ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ રિલિઝ થઈ હતી. આજે યુટ્યુબ પર રિલિઝ થવા સમયે આમિરે કોટાય ગામમાં સૌની સાથે બેસીને રસપૂર્વક ફિલ્મ નિહાળી હતી.