કચ્છખબરડૉટકોમ, માંડવીઃ પોતાને પોલીસ કોન્સ્ટેબલ ગણાવીને માંડવી પંથકમાં અવારનવાર નિર્દોષ લોકોને વિવિધ પ્રકારના કાવતરામાં ફસાવીને તોડ કરતો ત્રગડીનો ગુંડો હવે હની ટ્રેપ કરી ૬૫ હજારની ખંડણી વસૂલવાના વધુ એક ગુનામાં ફીટ થયો છે. શક્તિસિંહ ભરતસિંહ જાડેજા નામના આ ગુંડાને બુધવારે રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુંદરાના શિરાચામાંથી ૧.૧૦ લાખના શરાબના જથ્થા સાથે ઝડપ્યો હતો. દારૂના ગુનામાં ઝડપાયાં બાદ હવે ખંડણીનો કેસ નોંધાયો
શક્તિએ કાંડાગરાના હરપાલસિંહ ગોહિલ નામના બૂટલેગર પાસેથી શરાબનો જથ્થો મગાવી શિરાચાની કોલોનીની એક ઓરડીમાં રાખ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે તેને શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. દરમિયાન, પોલીસ હિરાસતમાં રહેલા શક્તિ અને તેના ચાર સાગરીતો સામે ગત રાત્રે માંડવી પોલીસ મથકે હની ટ્રેપ કરી ખંડણી વસૂલવાની વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. આ ગુનામાં પોલીસે શક્તિ અને તેના એક સાગરીત રિયાઝ ઊર્ફે હઠી સુમરા (રહે. ઢીંઢ ગામ, માંડવી)ની ધરપકડ કરી છે.
યુવકને હની ટ્રેપ કરી પોલીસના નામે બે લાખ માગેલા
માંડવીના કલવાણ રોડ પર રહેતા અને છૂટક કડિયા કામ કરતા ૩૫ વર્ષના પટેલ યુવક જોડે પરિચય કેળવીને થોડાંક દિવસો અગાઉ રિયાઝ સુમરાએ તેને હેમલતા નામની દહિંસરાની એક યુવતી સાથે મળાવ્યો હતો. ત્રણે જણ બાઈક પર ભુજ માંડવી રોડ પર એક પેટ્રોલ પંપની પછવાડે ગીચ ઝાડીઓમાં આવેલા એક ખંડેર પાસે ગયેલાં. પટેલ યુવક અને યુવતી બેઉ ખંડેરમાં જઈને વાતો કરતા હતા તે સમયે પૂર્વઆયોજીત ષડયંત્ર મુજબ શક્તિસિંહ સફેદ એક્ટિવા પર અન્ય એક સાગરીત મુનાફ રફીક સુમરા (રહે. બાગ, માંડવી) સાથે ત્યાં ધસી આવ્યો હતો.
શક્તિસિંહે ખંડેરમાં ઘૂસીને પટેલ યુવકને પોતાની પોલીસમેન તરીકેની ઓળખ આપીને મુનાફને યુવતી સાથેનો તેનો વીડિયો રેકોર્ડ કરવા જણાવી ધોકાથી માર માર્યો હતો. બાદમાં મામલાની પતાવટ કરવાના નામે બે લાખ રૂપિયા માંગ્યા હતા. જેમાંથી દસ હજાર રૂપિયા તત્કાળ મેળવ્યા હતા.
ત્યારબાદ ટુકડે ટુકડે ૪૦ હજાર અને ૧૫ હજાર પડાવ્યાં હતા. હની ટ્રેપનો ભોગ બનનાર યુવકે વધુ રૂપિયા આપવામાં અસમર્થતા દર્શાવતા શક્તિએ તેને દસ વરસ સુધી જેલમાં ફીટ રહે તેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલી અને બાદમાં આરોપીઓએ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
વાયરલ વીડિયો જોઈ મિત્રે કહ્યું કે આ તો નકલી પોલીસ છે
વાયરલ વીડિયો જોઈને ભોગ બનનારનો તેના મિત્રે સંપર્ક કરેલો અને શક્તિસિંહ અને તેની ગેંગે નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવા તેને ફસાવ્યો હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવતાં ભોગ બનનાર યુવકે ગત રાત્રે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શક્તિ અને રિયાઝની ધરપકડ કરી છે,
કાવતરામાં સામેલ હેમલતા નામની કથિત યુવતી અને મુનાફ હજુ હાથ લાગ્યા નથી.
એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પીએસઆઈ જે.બી. જાદવ, એએસઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મુળરાજ ગઢવી, લીલાભાઈ દેસાઈની ટીમ યુવતી સહિતના બે અન્ય આરોપીને પકડવા તપાસ કરી રહ્યાં છે.
અગાઉ પણ નકલી પોલીસ બનીને બે ગુના આચરેલાં છે
શક્તિ પોલીસના નામે તોડ કરવાના અન્ય બે ગુનાઓમાં અગાઉ પણ ઝડપાઈ ચૂકેલો છે. એપ્રિલ ૨૦૨૪માં માંડવીના શિરવા ગામના ૬૩ વર્ષિય વૃધ્ધને દારૂના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી છ મહિના દરમિયાન ટુકડે ટુકડે ૧.૪૨ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ વૃધ્ધને પણ પોતાના સાગરીતની મદદથી યુક્તિપૂર્વક એક રૂમમાં લઈ જઈને દારૂની બાટલી સાથે પકડવાનું કાવતરું ઘડ્યું હતું.
૨૮-૧૦-૨૦૨૩ના રોજ શક્તિએ તેના ચાર સાગરીતો જોડે મળીને માંડવીના નાગલપરના પટેલ યુવકને દારૂના કેસમાં ફીટ કરવાનું કાવતરું ઘડેલું. જો કે, ખરા ટાણે અસલી પોલીસ આવી જતાં શક્તિ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયેલો.
પોલીસ ચોપડે ના ચઢ્યાં હોય તેવા અનેક કિસ્સા લોકમુખે ચર્ચાય છે.
નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોના તોડ કરતો શક્તિ પોલીસ ખાતા માટે નાસૂર સમાન બની ગયો છે ત્યારે પોલીસ આ નાસૂરનો કાયદેસર રીતે કાયમી ધોરણે ઈલાજ કરે તે આવશ્યક છે.
Share it on
|