કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સ્ટેશન રોડ પર હોટેલ રાતરાણી પાસે આવેલી બંદૂકીયા શેરીમાં આવેલા જ્યોતિષ કાર્યાલયમાંથી ભરબપોરે એક કલાકની અંદર રોકડાં સાડા ત્રણ લાખ રુપિયાની ચોરી કરનારા ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ભુજના દાદુ પીર રોડ પર રહેતા હિસ્ટ્રીશીટર ઓસમાણ ગની ગગડાની ધરપકડ કરી છે. તે રીઢો આરોપી છે. ઓસમાણે અરવિંદભાઈ જોબનપુત્રા નામના જ્યોતિષીના કાર્યાલયમાં હાથફેરો કરીને, જ્યોતિષ મહારાજે છેલ્લાં છ માસ દરમિયાન ઘરાકો પાસેથી મેળવેલી ફી ચોરી ગયો હતો.
ચોરીના રૂપિયાથી ઓસમાણે ૧.૭૨ લાખ રૂપિયાની કિંમતની બજાજ પલ્સર મોટર સાયકલ ખરીદી હતી. પોલીસે આ મોટર સાયકલ અને ૧ લાખ ૨૪ હજાર ૬૦૦ રૂપિયા રોકડાં મળી ૨ લાખ ૯૬ હજાર ૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ રીકવર કર્યો છે.
બાકીના ૫૪ હજાર રુપિયા તેણે ક્યાં વાપરી ખાધા અથવા છૂપાવ્યાં છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઓસમાણ ભુજનો રીઢો ગુનેગાર છે. ૨૦૧૫થી આજ દિન સુધીમાં તેની વિરુધ્ધ ઘરફોડ ચોરીના બે, વાહનચોરીનો એક અને મારામારી, હુમલો કરવો, ધાક ધમકી આપવી વગેરે જેવા ૧૦ ગુના નોંધાઈ ચૂકેલાં છે. ગુનાના ઝડપી ડિટેક્શન માટે પીઆઈ એ.એમ. પટેલ અને તેમની ટીમે ભારે દોડધામ કરી હતી. પોલીસ મથકોમાં સમયસર ગુના નોંધાય અને તાકીદે આરોપીઓ પકડાય તો આમજનતાનો પોલીસ પરનો ભરોસો સુદ્રઢ થાય છે.
Share it on
|