click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Anjar -> Notorious Bootlegger and Gangs Deadly Attack on Neighbors in Anjar
Monday, 22-Jun-2026 - Anjar 27821 views
રીઢા બૂટલેગર અને તેની ગેંગનો પિસ્તોલ સહિતના હથિયારોથી પડોશી પરિવાર પર ઘાતક હુમલો
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં આવેલા ઓમનગર (બાગેશ્રીનગર- ૧)માં રહેતા નામિચા બૂટલેગરે તેની પત્ની, ભાઈ અને ટોળકી સાથે મળીને પડોશી પરિવાર પર પિસ્તોલ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે બૂટલેગર કાના વેલા બઢિયા સહિત આઠ લોકો પર હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફાટીને ધુમાડે ગયેલા કાના અને તેની ગેંગને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ કાયદો વ્યવસ્થાના ચીંથરા ઉડાડ્યાં છે.
જૂની અદાવત અને કેમેરા એક્સેસ મુદ્દે હુમલો

ઓમનગરમાં રહેતી એક મહિલાએ થોડાં સમય અગાઉ કાનાના સાગરીત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી. તેને લઈને બંને પક્ષે ઝઘડા થયેલાં. ઘટના બાદ સોસાયટીના મેઈન્ટેનન્સનું કામ સંભાળતા સલમાન મહમદ સિંધી અને તેના પરિવારે સોસાયટીના સદસ્યોની ભાગીદારીથી સોસાયટીમાં સીસીટીવી કેમેરા નખાવ્યાં હતા. જેનો એક્સેસ સલમાન પાસે હતો.

ધારિયાનો ઘા ચૂકી જતા પિસ્તોલ કાઢી ફાયરીંગનો પ્રયાસ 

જૂની અદાવત અને કેમેરા એક્સેસને લઈને કાના બઢિયા અને તેની ટોળકીએ ગઈકાલે બપોરે ભારે ઉત્પાત મચાવ્યો હતો. કાનાએ ધારિયા વડે સલમાનની માતા રોશનબેન અને રોશનની પડોશમાં રહેતી તેની બહેન સલમા પર હુમલાનો પ્રયાસ કરેલો. તેઓ ખસી જતાં કાનાએ ભેઠમાં રહેલી પિસ્તોલ કાઢીને રોશનના માથામાં ફાયરીંગ કરેલું. જો કે, કોઈક કારણોસર ગોળી વછૂટી નહોતી. જેથી તેણે રોશનબેનને લાફા માર્યાં હતા.

સીસીટીવી બંધ કરી હુમલો, બસમાં તોડફોડ

થોડીકવાર બાદ કાનાની પત્ની સેજલ, નાના ભાઈ હિતેશ તથા તેની ગેંગના સાગરીતો વિજયસિંહ, સોનુ, લાલો, અનુડો કકલ, વિજય સંઘાર વગેરેએ લાકડી, ધારિયા, છરીથી રોશનબેન, તેમના પતિ, દીકરી પર હુમલો કરેલો. રોશનબેનને હાથમાં છરી વાગતાં ઈજા પહોંચેલી. આ ટોળકીએ સીસીટીવી કેમેરા બંધ કરી દઈને હુમલો કરેલો. એટલું જ નહી, સલમાન જે બસનું ડ્રાઈવીંગ કરે છે તે બસના કાચ તોડી નાખેલાં.

એક ગુંડાએ હાથમાં ખુલ્લી છરી સાથે ઉત્પાત મચાવ્યો

અનુડા કકલ નામનો ગુંડો કે જે અગાઉ લૂંટના ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે તેણે હાથમાં ખુલ્લી છરી સાથે સોસાયટીમાં ફરીને અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલાને પણ ગાળાગાળી કરીને ધમકીઓ આપી રોશનબેનના પરિવાર પર લાકડીઓથી હુમલો કરેલો.

કાનાએ મોપેડમાં રખાવેલો શરાબ જપ્ત

ઘટના બાદ અંજાર પોલીસે ઓમનગર સામે આવેલા કલ્યાણ કોમ્પ્લેક્સમાં પાર્ક થયેલી નંબર પ્લેટ વગરની જ્યુપિટર મોપેડમાંથી ઈંગ્લિશ દારૂના ૬ ક્વાર્ટરિયા કબજે કર્યાં છે. આ ગાડીમાં કાના બઢિયાએ માલ રખાવ્યો હતો.

પોલીસની મહેરબાનીથી બૂટલેગરો બન્યાં બેફામ

ઉલ્લેખનીય છે કે કાનો બઢિયા મૂળ ભચાઉના મોટી ચીરઈનો રીઢો બૂટલેગર છે અને તેની સામે ઈંગ્લિશ દારૂના વેચાણના અગણિત ગુનાઓ નોંધાયેલાં છે. મે ૨૦૨૧માં ચીરઈમાં ‘ધંધાની અદાવત’માં કાના અને તેના ભાઈ દીપક પર ગામના અન્ય બૂટલેગર યુવરાજસિંહ જાડેજા તથા રામદેવસિંહ ઊર્ફે ડકુ જાડેજા સહિતના ૨૫થી ૩૦ જણે ઘાતક હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસીને, તોડફોડ, લૂંટ કરીને જીવલેણ હુમલો કરેલો. 

પોલીસની મહેરબાની વગર આવા લિસ્ટેડ બૂટલેગરો બેરોકટોકપણે ઈચ્છે ત્યાં ધંધો કરી જ ના શકે તે વાત નાનું બાળક પણ સમજે છે. અંજાર પીઆઈ હકુમતસિંહ જાડેજાએ આ ગેંગને હવે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો સંકલ્પ કર્યો છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!