|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ ગુજરાતના એક અગ્રણી અખબારનો નખત્રાણામાં કામ કરતો પત્રકાર પોતાના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડથી ૧૯.૧૬ લાખ જમા કરાવવા બદલ ઠગાઈના ગુનામાં ફીટ થયો છે. પશ્ચિમ કચ્છ LCBના સાયબર સેલે નખત્રાણાના નવુભા સવાઈસિંહ સોઢા નામના પત્રકાર સામે બીએનએસ અને આઈટી એક્ટની કલમો તળે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૩ વર્ષ દરમિયાન ખાતામાં ૪૧.૭૪ કરોડ જમા થયાં
નવુભાએ ખોલાવેલાં બેન્ક ખાતામાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કુલ ૪૧ કરોડ ૭૪ લાખ ૬૦ હજાર રૂપિયા જમા થયાં હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. થોડાંક માસ અગાઉ પણ નવુભા સામે સાયબર ચીટરોને બેન્ક ખાતું ભાડે આપવા સબબ ફરિયાદ નોંધાઈ હતી.
ખાતાં સામે બિહાર અને ગુજરાતમાંથી ૩ ફરિયાદો થયેલી
સાયબર સેલના કોન્સ્ટેબલ દિનેશ ચૌધરીએ સરકાર તરફે નવુભા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ બેન્ક ઑફ બરોડાની નખત્રાણા શાખામાં ‘આશાપુરા એસોસિએટ્સ’ નામથી ખાતું ખોલાવ્યું હતું. સમન્વય પોર્ટલ પરથી માહિતી મળેલી કે આ બેન્ક ખાતામાં સાયબર ફ્રોડથી નાણાં જમા થયાં હોવાની બિહાર અને ગુજરાતમાં કુલ ત્રણ ફરિયાદો નોંધાયેલી છે.
આ ત્રણે ફરિયાદોમાં જમા થયેલા નાણાંની રકમ ૧૯.૧૬ લાખ હતી. નવુભા આ ખાતાનો પ્રોપરાઈટર હોવાનું સ્પષ્ટ થયેલું.
પોલીસે તપાસ કરતાં બહાર આવ્યું કે ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ આ બેન્ક ખાતું ખોલાવાયું હતું. ત્યારથી લઈ ૨૬ એપ્રિલ ૨૦૨૬ના સમયગાળા દરમિયાન આ ખાતામાં કુલ ૪૧ કરોડ ૭૪ લાખ ૬૦ હજાર ૩૫૦ રૂપિયા જમા થયાં હતા.
આરોપી સામે અગાઉ ગંભીર ગુના નોંધાયેલા છે
આરોપી નવુભા ઘણાં સમયથી રાજ્યકક્ષાના એક અગ્રણી દૈનિકના બ્યૂરૉ ચીફ તરીકે કામ કરે છે. આરોપી પત્રકારોના સંગઠન, વેપારી મંડળ, હિંદુવાદી સંસ્થાનો પોતાને આગેવાન હોદ્દેદાર ગણાવે છે. જો કે, તેનો ભૂતકાળ કલંકિત રહેલો છે. ૨૦૧૮માં નવુભા અને તેના પરિવારના અન્ય લોકો પર હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો નોંધાયો હતો. ૨૦૧૯માં ભુજના સામાજિક કાર્યકર અને એડવોકેટ હેનરી જેમ્સ ચાકો પર ધોકાથી હુમલો થયો તેનું કાવતરું નવુભા અને જેન્તી જેઠાલાલ ઠક્કરે ઘડ્યું હોવાનું સપ્ટેમ્બર ૨૦૨૧માં ખૂલતાં બેઉને આરોપી બનાવી પોલીસે ધરપકડ કરેલી. આ ઉપરાંત નવુભા સામે મારામારી, ડોમેસ્ટિક વાયોલન્સ, આઈટી એક્ટ સહિતના અન્ય ગુનાઓ પણ નોંધાયેલાં છે.
Share it on
|