|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માતાની કૂખમાંથી બહાર આવનાર નવજાત શિશુ માટે માતાનું દૂધ જ સૌપ્રથમ અને સર્વશ્રેષ્ઠ આહાર છે. ધાત્રી માતા હોસ્પિટલમાં દાખલ હોય અને નવજાત NICUમાં હોય ત્યારે બચ્ચાંને માતાનું દૂધ કેવી રીતે આપવું તે સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજથી એક વર્ષ અગાઉ ભુજની અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલમાં ‘મિલ્ક બેન્ક’નો પ્રારંભ કરાયો હતો. મિલ્ક બેન્કની એક વર્ષની આ સફર ખૂબ પ્રેરક બની રહી છે. મિલ્ક બેન્કના હેડ સંદીપ ટીલવાણીએ એક વર્ષની સફર અંગે જણાવ્યું કે આ એક વર્ષમાં ૫૩૨ પ્રી-મેચ્યોર અને ઓછાં વજનવાળા બાળકો માટે મિલ્ક બેન્કની સેવા સંજીવની બની રહી છે. અગાઉ એવું થતું કે માતા વૉર્ડમાં દાખલ હોય અને બાળક NICUમાં હોય ત્યારે મજબૂરીમાં નવજાતને પાવડરનું દૂધ આપવું પડતું. જેના કારણે બચ્ચાઓમાં ચેપ, અપચો વગેરે તકલીફ થવાની ફરિયાદો આવતી હતી. મિલ્ક બેન્ક શરૂ થયા પછી હવે ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું છે.
આ રીતે દુગ્ધદાત્રી માતાઓનું દૂધ મેળવાય છે
પંપથી દાતા માતાઓનું દૂધ લેવામાં આવે છે. તેને વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉકાળીને જંતુમુક્ત (પાશ્વરાઈઝેશન) કરી, માઇક્રોલેબમાં તેનું પરીક્ષણ કરીને મૂળ માતાની મંજૂરી બાદ નવજાતને દુગ્ધપાન કરાવાય છે. બેન્કમાં સ્વૈચ્છિક દુગ્ધ દાત્રી માતાનું દૂધ એકત્ર કરીને સ્ટોર કરી જરૂરતમંદ બાળકોને અપાય છે. બાળરોગ નિષ્ણાત ડો. યશ્વી દત્તાણી અને ડૉ. તરલ કેશરાણીએ જણાવ્યું કે અકાળે જન્મેલાં, અલ્પવિકસિત નવજાત બાળકો માટે પાવડરના દૂધની તુલનાએ માતાનું દૂધ દસગણું ચડિયાતું હોય છે.
૧૮૦૦થી વધુ દુગ્ધ દાત્રીનું દૂધ ૫૩૨ શિશુ માટે સંજીવની
મિલ્ક બેન્ક સ્ટાફના અવિરત પ્રયત્નોથી ૧૮૦૦થી વધુ દુગ્ધ દાત્રી માતાઓ નવજાત માટે દેવદૂત બનીને આગળ આવી છે. તે પૈકી ૬૫૦ જેટલી માતાઓ એવી હતી કે જેમને વધુ પડતું ધાવણ આવતું હતું. આવી માતાઓનું ‘દુગ્ધ દાન’ના અનેક નવજાતો માટે સંજીવની બની રહ્યું છે.
ઓછાં વજનવાળા બાળકોનું વજન વધ્યું અને પરિણામે આવા બાળકોનો હોસ્પિટલમાં રાખવાનો સમયગાળો પણ ઘટ્યો.
માતાનું દૂધ એ સૌથી પોષક આહાર છે. પરંતુ, વ્યક્તિગત માન્યતાઓ, ગમા-અણગમા જેવી કેટલીક બાબતોના લીધે અમુક માતાઓ પોતાના બાળકને અન્ય માતાનું દૂધ પીવડાવવાની પરવાનગી આપતી નથી. મિલ્ક બેન્કની નર્સો દરેક માતાનું કાઉન્સેલિંગ કરીને સમજાવે છે.
Share it on
|