|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના લોરીયા ગામના સીમાડે રવિવારે મધરાતે વન વિભાગ અને બે સ્થાનિક યુવકો વચ્ચે થયેલી મારામારીનો બનાવ અંતે ત્રણ દિવસે સામસામી ફરિયાદના સ્વરૂપે પોલીસ ચોપડે ચડ્યો છે. લોરીયાની સીમમાં બાઈક પર જઈ રહેલા બે યુવકો શિકારી હોવાની શંકામાં બોલાચાલી બાદ બંને પક્ષે કથિતપણે મારામારી થઈ હતી. વન તંત્રના લોરીયા રાઉન્ડમાં આવતા નોખાણિયા બીટના વન રક્ષક મહિપાલસિંહ વાઢેર અને ચોકીદાર અજુભા જાડેજાએ માધાપર પોલીસને જણાવ્યું કે રવિવારની રાતે આઠ વાગ્યાથી બેઉ જણ બાઈક પર પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. રસ્તામાં અન્ય બીટના બે સહકર્મી મિત્રો મળી ગયેલાં.
ચારે જણ વાતો કરતા હતા ત્યારે રાતે ૧૧ વાગ્યે લોરીયા ગામનો સીમાડો શિકારીઓની બંદૂકના ભડાકાથી ગાજી ઉઠ્યો હતો.
ચારે જણ તરત બે મોટર સાયકલ પર જે દિશામાંથી બંદૂકના ભડાકા સંભળાતાં હતા ત્યાં જવા નીકળેલાં. રસ્તામાં તેમને સામેથી બાઈક પર આવતા બે યુવકો જોવા મળેલાં. તેમણે બેઉ યુવકોને અટકાવીને પૂછપરછ કરતાં બેઉ જણ ઉશ્કેરાઈ ગયેલાં. ‘અમારી પાસે ક્યાં બંદૂક છે?’ કહી ફરીદ હાજી મેર અને ઈબ્રાહિમ અધાભા નાગીયા નામના બેઉ યુવકે ઉશ્કેરાઈ ઝપાઝપી કરી, મહિપાલ અને અજુભા જાડેજાને ગડદા પાટુ મારી બાઈક પર નાસી ગયેલાં.
વન તંત્રની ટીમ સામે વળતી ફરિયાદ દાખલ
વન વિભાગના કર્મચારીઓની ફરિયાદ સામે જેમની પર આરોપ થયો છે તે ઈબ્રાહિમ નાગીયા (રહે. લોરીયા)એ મહિપાલ અને અજુભા તથા ત્રણ અજાણ્યા માણસો સામે વળતી ફરિયાદ નોંધાવતાં લખાવ્યું છે કે તે અને તેનો મિત્ર ફરીદ હાજી મેર બેઉ જણ લોરીયા સીમમાં હસન ધોધાની વાડીએ ખેતમજૂરી કરે છે. રવિવારે રાતે તેઓ બાઈકથી વાડીએ આંટો મારીને પાછાં ફરતાં હતા ત્યારે બેઉ વન કર્મચારીએ તેમને અટકાવેલાં.
મહિપાલે ઉશ્કેરાઈને તેમની બાઈકની ચાવી કાઢી લઈ ‘તમે અહીં શું કરો છો? બંદૂક ક્યાં છે?’ તેવી પૂછપરછ કરીને માર મારવાનું શરુ કરેલું. મહિપાલે તેની પાસે રહેલી કુહાડી ફરીદના મોંઢા પર ઊંધી હાલતમાં મારેલી.
અજુભાએ તેને ધોકા મારેલાં. દરમિયાન અજુભાએ ફોન કરતાં થોડીકવાર બાદ ત્રણ અજાણ્યા માણસો ત્યાં આવેલા અને બધાએ ભેગાં મળીને બેઉને કૂટી નાખેલાં. ત્યારબાદ એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં ત્રણ અજાણ્યા માણસો સ્થળ પર આવેલાં. તેમણે બેઉ જણની પૂછપરછ કરીને બંનેને જવા દેવાનું કહેતાં તેમને છોડી મૂકાયેલાં.
ફરીદને મોંઢા પર થયેલી ઈજાના અસહ્ય બનતાં સોમવારે સવારે તેના માસાએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ફરીદને હોસ્પિટલમાં દાખલ કરાતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ફરિયાદ ના નોંધાવવા માટે દબાણ કરાયું હતું.
Share it on
|