કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં પડોશી પરિવારની ૧૩ વર્ષની દીકરીનું અપહરણ કરી, નખત્રાણાની વાડીમાં લઈ જઈ શારીરિક યાતનાઓ આપવા સાથે વારંવાર દુષ્કર્મ આચરવા બદલ મૂળ મધ્યપ્રદેશના યુગલને કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જો કે, આરોપી યુગલ જામીન પર છૂટી ગયાં બાદ લાંબા સમયથી ગાયબ થઈ ગયું છે. અંજાર સેશન્સ કૉર્ટે આ યુગલને શોધી સજા ભોગવવા માટે પકડીને જેલહવાલે કરવા સૂચના આપી છે. અપહરણ, દુષ્કર્મનો બનાવ ૧૭-૧૧-૨૦૧૯ની સાંજે બન્યો હતો. ૧૩ વર્ષની બાળા પડોશમાં રહેતા નંદુ ભુવન ભીલ (ઉ.વ. ૩૫) અને તેની પત્ની નીતુ ઊર્ફે સુધાના ઘેર રમવા જતી હતી. ૧૭ નવેમ્બર ૨૦૧૯ની સાંજે સાડા ૬ કલાકે નંદુ અને નીતુ આ બાળાને ફોસલાવી ધમકાવીને પોતાની સાથે લઈ નખત્રાણા વાડી વિસ્તારમાં લઈ ગયાં હતા. એક વાડીમાં બેઉ જણ મજૂરીએ રહેલાં.
બેઉ જણ બાળા પાસે ખેતમજૂરી કરાવતાં. નીતુ ગુસ્સે ભરાઈને ઘણીવાર તેને અંગારાના ડામ દેતી. નંદુ આ બાળાનું શારીરિક શોષણ કરતો.
ઘટના અંગે તે જ દિવસે બાળાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવેલી પરંતુ પોલીસને બાળાને શોધતાં શોધતાં ૨૪ દિવસ વીતી ગયાં હતા. આ ગુનામાં ફરિયાદ પક્ષે ૯૪ સાક્ષીઓ અને ૨૮ દસ્તાવેજી આધારો રજૂ કરેલાં. જે-તે સમયે પોલીસે યુગલની ધરપકડ કરેલી બાદમાં જામીન પર છૂટીને મૂળ એમપીનું યુગલ ગાયબ થઈ ગયેલું.
આજે આ કેસમાં અંજારના બીજા અધિક સેશન્સ જજ કે.કે. શુક્લએ આ દંપતીને ઈપીકો અને પોક્સો એક્ટની તમામ કલમો તળે દોષી ઠેરવી બંનેને ૨૦ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી કુલ ૨૮ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ભોગ બનનાર બાળાને બે લાખનું વળતર આપવા હુકમ કરી નાસતાં ફરતાં યુગલને ઝડપીને સજાનો અમલ કરાવવા પોલીસને સૂચના આપી છે. કેસમાં એજીપી એ.પી. પંડ્યા હાજર રહ્યા હતા.
Share it on
|