કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ લોકોને ધુતવા માટે સાયબર માફિયા અવનવી તરકીબ અજમાવતાં રહે છે. અંજારમાં એક વેપારીને આરટીઓ ટ્રાફિક ચલણ નામની APK ફાઈલ મોકલીને સાયબર માફિયાએ તેના બેન્ક ખાતામાંથી ઓનલાઈન ૧૦.૮૧ લાખ રૂપિયા પડાવી લીધા છે. અંજારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો ૩૧ વર્ષિય ફરિયાદી ભાર્ગવ જીતેન્દ્રભાઈ રાવલ આદિપુર અને ગાંધીધામમાં પૂજા સામગ્રી વેચવાની બે દુકાનો ધરાવે છે. ૧૨મી જૂલાઈના રોજ તેના વોટસએપ પર RTO Traffic Challan 500 Apk નામથી એક ફાઈલ આવી હતી. ભાર્ગવે મોબાઈલમાં આ ફાઈલ ડાઉનલોડ કરી ઓપન કરતાં ભારત સરકારનો RTO લોગો આવેલો. ફરિયાદીને રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેન્ક ખાતા નંબર, નેટ બેન્કીંગ આઈડી, પાસવર્ડ વગેરે માહિતી સબ્મિટ કરવા જણાવાયેલું.
ફરિયાદીએ આ માહિતી સબ્મિટ કર્યા ભેગો તેનો મોબાઈલ ફોન હેન્ગ થઈ ગયેલો.
આ સમય દરમિયાન સાયબર માફિયાએ તેના બેન્ક ખાતામાંથી ઓનલાઈન અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે ૧૦.૮૧ લાખ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું સમજાતાં ફરિયાદીએ તરત કેન્દ્ર સરકારની એન્ટી સાયબર ફ્રોડ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજે ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને અજાણ્યા સાયબર ચીટરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|