કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ખંડણી વસૂલવાના ઈરાદે આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરવાના પ્રયાસની ઘટના હજુ તાજી છે ત્યાં આજે ધોળા દિવસે છરીથી હુમલો કરી લૂંટ આચરવાના પ્રયાસનો બનાવ બન્યો છે. આજે સવારે સવા અગિયારના અરસામાં ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર આવેલા રાધે કોમ્પ્લેક્સ ખાતે સરાજાહેર હુમલા અને લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો. મની ટ્રાન્ફસરનું કામ કરતા રાજેશ રસિકલાલ ઠક્કર આજે સવારે થેલામાં ૧૬થી ૧૮ લાખ રોકડાં રૂપિયા લઈને તેમની દુકાને આવ્યા હતા. ગાડીમાંથી નીકળી દુકાનની બાજુમાં આવેલી શોપ તરફ જતા હતા ત્યારે અચાનક બે શખ્સોએ આવીને છરીની અણીએ તેમના હાથમાં રહેલો થેલો ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો.
પ્રતિકાર બાદ બંને લૂંટારા કારમાં બેસી નાસી ગયાં
રાજેશે થેલો મજબૂતાઈથી પકડી રાખી લૂંટારાઓનો પ્રતિકાર કરવા પ્રયાસ કરતાં બેઉ જણે તેમને છરીના આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું. જો કે, રાજેશની રાડારાડના પગલે લોકો દોડી આવશે અને પકડાઈ જશે તેમ માનીને બંને લૂંટારા તુરંત જ નાસી ગયા હતા. કેટલાંક લોકોએ બેઉનો પીછો કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ બંને રેલિંગ કૂદીને રોડ પર પાર્ક બલેનો કારમાં બેસી ગાંધીધામ તરફ રફૂચક્કર થઈ ગયાં હતા.
સદભાગ્યે વેપારીને કોઈ ગંભીર ઈજા નહીં
ઘટનાના પગલે ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી સહિતનો કાફલાએ સ્થળ પર દોડી જઈ બંને લૂંટારાને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કરી દીધાં છે. સદભાગ્યે છરી વડે થયેલા હુમલામાં રાજેશ ઠક્કરને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.
Share it on
|