કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક સુખપર ગામે બુધવારે મધરાત્રે ગળા પર છરી રાખીને એકલાં રહેલા કાર ડ્રાઈવર જોડે જે રીતે લૂંટ આચરાયેલી તે જ રીતે ગુરુવારે મધરાત્રે માધાપરના નળવાળા સર્કલ પાસે એક ટ્રકચાલકને લૂંટી લેવાયો હતો. ફરિયાદ હવે દાખલ થઈ છે. ભુજના ભારાપર ગામે રહેતા ફારુક સલીમ રાયમાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી છે. ફારુકે જણાવ્યું કે લિગ્નાઈટ ભરેલી ટ્રક લઈને મધરાત્રે બે વાગ્યે તેણે નળવાળા સર્કલ ખાતે થોભાવી હતી. તેનો ભાઈ વસીમ ચિઠ્ઠી કઢાવવા ડબ્બા પર ગયેલો. તે સમયે બાઈક પર રહેલા ત્રણ શખ્સો પૈકી એક જણાએ ટ્રકની કેબિનમાં આવી, તેના ગળા પર છરી રાખીને પાંચ હજારનો મોબાઈલ ફોન અને પંદરસો રોકડાં રૂપિયા લૂંટી લીધા હતા.
લૂંટ બાદ ત્રણે જણ બાઈક પર જીઆઈડીસી બાજુ રફૂચક્કર થઈ ગયેલાં.
ઉલ્લેખનીય છે કે, સુખપર ગામે આ જ મોડસ ઓપરેન્ડીથી કારમાં જઈ રહેલા છાપાના ફેરિયાના ગળે છરી રાખીને બે બાઈકસવાર ૭ હજાર રોકડાં રૂપિયા અને મોબાઈલ ફોન લૂંટી બાઈક પર નાસી ગયેલાં. આ ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીધામના ખારીરોહર ગામના મુસ્તાક સોઢા નામના એક શખ્સની ધરપકડ કરી હતી.
Share it on
|