click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Anjar -> Money wll be double by black magic Farmer duped of 35 Lakh in Budharmora
Friday, 22-May-2026 - Dudhai 26331 views
તાંત્રિક વિધિથી ડબલ રૂપિયા કરવાની લાલચમાં બુઢારમોરાના ખેડૂતે ૩૫ લાખ ખોયાં
કચ્છખબરડૉટકોમ, દુધઈઃ અંજારના બુઢારમોરા ગામના ખેડૂતે તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ થવાની લાલચમાં ૩૫ લાખ રૂપિયા ગુમાવ્યાં છે. દુધઈ પોલીસે વચેટિયા અને બે તાંત્રિક સહિત ત્રણ સામે ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાબુ નામના વચેટિયાએ વિશ્વાસમાં લીધેલા

૫૦ વર્ષિય ફરિયાદી લક્ષ્મણ પુંજાભાઈ સથવારા ખેતી અને જમીન દલાલીનું કામ કરે છે. એકાદ વરસ અગાઉ તેમને પરિચિત બાબુ કરસન છાંગા (રહે. કોટડા, અંજાર) મળેલો. બાબુએ ‘ખેતી અને જમીન દલાલીમાં કંઈ વળશે નહીં’ કહીને ‘પોતે મસ્તાન બાપુ અને તેમના ગુરુ ઝાકીર હુસેન ઈન્દોરવાળાને ઓળખે છે, તેઓ વિધિ કરીને રૂપિયા ડબલ કરી આપે છે’ તેવી લાલચ આપેલી. મસ્તાન બાપુ ભચાઉ આવવાના છે અને જો રૂપિયા ડબલ કરવા હોય તો તેમની સાધના માટે રહેવાની સગવડ કરી આપવા બાબુએ કહેલું.

તાંત્રિકોના રોકાણ-સાધના માટે વાડીમાં વ્યવસ્થા કરેલી

બાબુની વાતોથી ભોળવાઈને ફરિયાદીએ પોતાના ભાઈ પચાણની વાડીએ મસ્તાન બાપુના રહેવા તથા સાધના માટે ઓરડીની વ્યવસ્થા કરી આપેલી. બાબુ મસ્તાન બાપુને ત્યાં રોકાવા માટે લઈ આવેલો. થોડાંક દિવસો બાદ મસ્તાન બાપુનો કહેવાતો ગુરુ ઝાકીર હુસેન ઈન્દોરવાળા ત્યાં રોકાવા આવેલો. ઝાકીરે પોતે મસ્તાન બાપુ સાથે મળીને વિધિ શરૂ કરશે તેમ કહી વિધિ શરૂ કરવા માટે ૧.૫૫ લાખ રૂપિયા માગેલાં. ફરિયાદીએ ઝાકીરને રોકડાં રૂપિયા આપેલાં. બે ત્રણ દિવસ રોકાઈને ઝાકીર હુસેન ત્યાંથી નીકળી ગયેલો. જતા જતા ફરિયાદીને જણાવેલું કે ‘મસ્તાન બાપુ જે રૂપિયા માંગે તે આપતો રહેજે, અમે તેને વિધિથી ડબલ કરી આપશું’

ટુકડે ટુકડે ૩૫ લાખ મેળવી મસ્તાન બાપુ સરકી ગયો

મસ્તાન બાપુ અને બાબુ વાડીમાં જ રોકાઈ ગયેલાં. જુદા જુદા સમયે ટુકડે ટુકડે બાપુએ ફરિયાદી પાસેથી કુલ ૩૫ લાખ રૂપિયા મેળવેલાં. જેમાંથી ૩૦ લાખ ફરિયાદીના પોતાના અને પાંચ લાખ તેના ભાઈના હતા. અલગ અલગ લોકોની હાજરીમાં બાપુને આ રૂપિયા આપ્યા હતા. રૂપિયા ખાલી થવા આવતા ફરિયાદીએ મસ્તાન બાપુ જોડે ડબલ રૂપિયા પરત આપવાનો આગ્રહ શરૂ કરેલો. ‘બાબુ અહીં જ છે, હું ઝાકીર બાપુ જઈ આવીને તારી વિધિ પૂરી કરાવી આવું’ કહીને મસ્તાન બાપુ સરકી ગયેલો.

બાબુએ બંધ ખાતાનો ચેક પધરાવેલો

લાંબા સમય બાદ મસ્તાન બાપુ પરત ના ફરતાં ફરિયાદીએ વચેટિયા બાબુને પકડીને રૂપિયા પરત આપવાની માંગણી કરેલી. બાબુએ પીછો છોડાવવા માટે ફરિયાદીને અંજાર SBI બેન્કનો ૩૫ લાખનો ચેક આપેલો. ફરિયાદી બેન્કમાં ચેક વટાવવા જતા બેન્કે જણાવેલું કે આ ખાતું વર્ષો પહેલાં બંધ થઈ ગયું છે! મસ્તાને એક લાખ અને ૭૦ હજારની રકમ લખેલાં બીજા બે ચેક આપેલાં. આ બેઉ ચેક પણ બાઉન્સ થયેલાં. ત્રિપુટી પોતાને ઠગી ગઈ હોવાનું સ્પષ્ટ થયાં બાદ લક્ષ્મણભાઈએ હવે પોલીસનું શરણ મેળવ્યું છે.

પીએસઆઈ આર.એચ. ઝાલાએ હવે કાયદાની વિધિથી ગાયબ થઈ ગયેલાં ત્રણે ઠગને હાજર કરવા કામગીરી હાથ ધરી છે.
Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત