|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગણેશનગરમાં રહેતા બૂટલેગરના ઘરમાં ધોકા છરી સાથે ઘૂસી જઈને ઉત્પાત મચાવીને લૂંટ ધાડ કરનારા ૧૦ ગુંડાઓમાંથી પોલીસે ૭ ગુંડાને દબોચી લીધા છે. ૭માંથી ૫ ગુંડા માળિયા (મોરબી)ના રહેવાસી છે. અન્ય બે જણાં મૂળ યુપીના વતની છે અને ઘણાં સમયથી કંડલા રેલવે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે. ઈકો કાર અને બે બાઈક પર દસે જણની ટોળકીએ શનિવારે બપોરે ગણેશનગરમાં રહેતા બૂટલેગર ગોવિંદ ઊર્ફે ગવલો ડાયાભાઈ ચંદે (મહેશ્વરી)ના ઘરમાં ઘૂસીને ઉત્પાત મચાવેલો. ગવલો છેલ્લાં દોઢેક માસથી દારૂના ગુનામાં જેલમાં કેદ છે. ‘ગવલો ક્યાં, ગવલો ક્યાં છે’ કહેતી ટોળકીએ ઘરમાં ઘૂસી જઈને ધોકાથી કાચની ટીપૉઈ તોડી નાખીને મંદિરના ખાનામાં રહેલા ૧૨ હજાર રોકડાં રૂપિયા લઈ લીધા હતા. ઘરમાં હાજર ભાવનાબેન નામની કામવાળી બાઈને પગમાં ધોકો મારેલો.
જતાં જતાં આ ગેંગે પ્લાસ્ટિકની બોટલથી ઘરના આંગણામાં પેટ્રોલ છાંટેલું અને ઘર બહાર પાર્ક ૮૦ હજારની કિંમતનું જ્યુપિટર મોપેડ હંકારી ગયેલી.
યુપી બિહારની જેમ ધોળા દિવસે પોલીસની ધાકના ધજાગરા ઊડાડતી આ ઘટનાને ગંભીરતાથી લઈ બી ડિવિઝન પોલીસે એક્શનમાં આવીને સીસીટીવી તથા અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે બનાવની રાત્રે જ ત્રણ ટપોરીને દબોચી લીધાં હતા. બાદમાં અન્ય ચાર ગુંડાને ઝડપી પાડ્યાં છે.
પાંચ ગુંડા માળિયાના રહેવાસી, ત્રણ હજુ ફરાર
પકડાયેલા ગુંડાઓમાં ફારુક દિલાવર ઝેડા, સાહિલ અબ્દુલ મોવર, ઈબ્રાહિમ મુસ્તાક કાજડીયા, હુસેન ઈકબાલ ભટ્ટી (રહે. તમામ માળિયા, મોરબી), નિઝામુદ્દીન અન્સારી અને મેરાજઅલી રમજાનઅલી (બંને રહે. કંડલા રેલવે ઝૂંપડા, મૂળ રહે. યુપી)નો સમાવેશ થાય છે. આદમ, સદ્દામ અને કિશોર વયના એક આરોપી સહિત ત્રણ ગુંડા હજુ પોલીસના હાથ લાગ્યા નથી. અંગત અદાવતમાં તેમણે ગુંડાગીરી આચરી હોવાનું પોલીસ માની રહી છે.
ચાર જણાં ગંભીર કેસના રીઢા આરોપીઓ
ફારૂક ઝેડા સામે મોરબી, માળિયા અને સામખિયાળીમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન સહિતના ૨૦થી વધુ ગુના નોંધાયેલાં છે. સાહિલ મોવર સામે મોરબીમાં બે વર્ષ અગાઉ લૂટ વીથ મર્ડરનો ગુનો નોંધાયેલો છે. હુસેન ભટ્ટી સામે માળિયા અને લાકડીયા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, જુગારધારા, દારૂબંધીને લગતાં ચાર ગુના નોંધાયેલાં છે.
લંગડાતી ચાલ જોવા પબ્લિક ઉમટી
ઓળખ પરેડ બાદ ઘટનાસ્થળે લઈ જઈને પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢિયા, એસ.જે. પઢાર, કે.જે. વાઢેર સહિતના સર્વેલન્સ સ્ટાફે બનાવનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. તે સમયે લંગડાતા ચાલતાં ગુંડાઓને જોવા લોકો એકત્ર થઈ ગયા હતા. પોલીસે લૂંટાયેલી મોપેડ, સાડા ૪ હજાર રોકડાં રૂપિયા, ૬ ધોકા, ગુનામાં વપરાયેલી ઈકો કાર, એક બાઈક વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે.
Share it on
|