|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં ભેદી રીતે લાપત્તા થયેલા ૪૩ વર્ષિય શખ્સની ધારદાર હથિયારથી શરીરના બે ટૂકડાં કરીને કોથળામાં પેક કરી તળાવમાં ફેંકી દેવાયેલી લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. અંજાર પોલીસે અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અંજારના વરસામેડીની સરદાર આવાસ સોસાયટીમાં રહેતો ૪૩ વર્ષિય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલ ૩૧ ઑગસ્ટની રાત્રિ બાદ ગુમ થઈ ગયો હતો. પુત્ર આગલી રાતે ખેતરના રખોપા માટે પિતાને મૂકવા ગયેલો
લખ્ખુના યુવાન પુત્ર રવિએ પરિવારજનોને જણાવેલું કે ૩૧ ઑગસ્ટની રાત્રે દસ વાગ્યે તે વરસામેડી ટોલનાકા પાસે ગણેશ મંદિર પાછળ આવેલા ખેતરનું રખોપું કરવા માટે પિતાને ત્યાં મૂકવા ગયેલો. બીજા દિવસે બપોર સુધી પિતા ઘરે ના આવતાં શોધખોળ હાથ ધરેલી.
દરમિયાન, લાપત્તા લખ્ખુનો મોબાઈલ ફોન નર્મદા પંપીંગ સ્ટેશન નજીક બિનવારસી હાલતમાં પરિચિત હરદેભાઈને મળી આવ્યો હતો.
બનાવ અંગે ૧ સપ્ટેમ્બરની સાંજે અંજાર પોલીસ મથકે લાપત્તા લખ્ખુની ગુમનોંધ લખાવાઈ હતી.
શરીરના બે ટુકડાં કરીને કોથળાઓમાં પેક કરી તળાવમાં ફેંકાયા
લાપત્તા લખ્ખુનો કોઈ પત્તો મળતો નહોતો દરમિયાન ગઈકાલે શનિવારે સાંજે ગામના તળાવ કિનારે પ્લાસ્ટિકના બે કોથળાઓમાં પેક કરેલી લાશ પડી હોવાની જાણ થતાં લખ્ખુનો નાનો ભાઈ દેવજી સહિતના મિત્રો અને સગાં સંબંધીઓ ત્યાં દોડી ગયાં હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી.
એક કોથળામાંથી લખ્ખુના માથાંથી કમર સુધીનું શરીર મળ્યું હતું અને બીજા કોથળામાંથી બાકીનું અડધુ અંગ મળી આવ્યું હતું. અજાણ્યા શખ્સોએ લખ્ખુના માથામાં તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી હોવાનું તથા શરીરના બે કટકાં કર્યાં હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. અજાણ્યા શખ્સોએ લખ્ખુની હત્યા કરી લાશના બે ટુકડાં કરીને તળાવમાં ફેંકી દીધી હોવાની નાના ભાઈ દેવજીએ ફરિયાદ નોંધાવી છે.
એક વર્ષ અગાઉ દાંપત્યજીવનમાં ખટરાગ થયેલો
મરણ જનાર લખ્ખુના ૨૦ વર્ષ અગાઉ મહારાષ્ટ્રની અમરાવતીની વતની શીતલ જોડે લગ્ન થયેલાં. લગ્ન જીવન દરમિયાન રવિ નામનો એક દીકરો જન્મેલો જે આજે ૧૮ વર્ષનો છે. બેઉનું દાંપત્યજીવન સુખેથી વીતતું હતું પરંતુ એકાદ વર્ષ અગાઉ પતિ પત્ની વચ્ચે ખટરાગ સર્જાતાં શીતલ લખ્ખુને ત્યજીને માતા તથા પુત્ર જોડે વરસામેડીની અન્ય સોસાયટીમાં રહેવા જતી રહેલી.
પરિવારજનોની સમજાવટ બાદ એકાદ માસ અગાઉ શીતલ પુત્ર રવિને લઈ પરત પતિગૃહે રહેવા આવેલી.
થોડાંક દિવસો અગાઉ શીતલ તેની માતા અને પુત્રને લઈ અમરાવતી ગયેલી. શીતલ ત્યાં જ રોકાઈ છે પરંતુ રવિ પાંચેક દિવસ બાદ પરત વરસામેડી આવી ગયો હતો. ઘાતકી હત્યાના બનાવમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની આશંકા સાથે પીઆઈ એચ.એ. જાડેજા અને તેમની ટીમે ગહન તપાસ હાથ ધરી છે.
Share it on
|