|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દવાની આડમાં મુંદરા પોર્ટથી આફ્રિકન દેશોમાં પ્રતિબંધિત માદક ડ્રગ્ઝ ટ્રામાડોલ ટેબ્લેટ્સ એક્સપોર્ટ કરવાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલાં રાજકોટના નિકાસકારે ચાર્જશીટ બાદ કરેલી ત્રીજી જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. ૨૮ જૂલાઈ ૨૦૨૪ના રોજ મુંદરા કસ્ટમની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ ઈન્વેસ્ટીગેશન બ્રાન્ચે મુંદરાથી આફ્રિકાના સીએરા લીઓન અને નાઈજર દેશમાં મોકલાઈ રહેલી ૫,૧૫૪ કિલોગ્રામની ૯૪.૧૯ લાખ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો હતો. ૧૧૦ કરોડથી અધિક મૂલ્યની આ પ્રતિબંધિત દવા રાજકોટની રેઈન ફાર્મા ઈમ્પેક્સ નામની પેઢી દ્વારા એક્સપોર્ટ કરાતી હતી. કસ્ટમના ચોપડે ડાઈક્લોફેનેક અને જેબેડોલ ટેબ્લેટ એક્સપોર્ટ કરાતી હોવાનું દર્શાવાયું હતું. બનાવ અંગે કસ્ટમે NDPS Actની વિવિધ ધારા તળે ગુનો નોંધ્યો હતો.
રેઈન ફાર્મા કે તેની સહયોગી કંપની દ્વારા ગુજરાતમાં ટ્રામાડોલની ફેક્ટરી ચલાવાતી હોવાની આશંકા સાથે કસ્ટમે ગુજરાત ATSને જાણ કરેલી. જેના પગલે ગુજરાત ATSએ દરોડા પાડીને ૫ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ ATS પોલીસ સ્ટેશનમાં NDPS Act તળે ગુનો રજિસ્ટર કરેલો.
ટ્રામાડોલનો જથ્થો જપ્ત થયો ત્યારે રેઈન ફાર્માનો માલિક ભાવિક જયેશભાઈ વોરા (ઉ.વ. ૨૭, રહે. ગાંધીગ્રામ, રાજકોટ) દુબઈમાં હતો. દુબઈથી પરત ફર્યાં બાદ તે કસ્ટમ સમક્ષ હાજર નહોતો થતો.
૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કસ્ટમે ભાવિકને મુખ્ય સૂત્રધાર ગણાવીને ‘અંદર’ કરી દીધો હતો, બીજી તરફ, ગુજરાત ATSએ દાખલ કરેલા NDPS Actના ગુનામાં ભાવિકને સાક્ષી ગણ્યો હતો! એક જ પ્રકારના ગુનામાં બબ્બે એજન્સી ગુનો દાખલ કરે, કસ્ટમ જેને સૂત્રધાર ગણાવે, ATS તેને સાક્ષી ગણે!
ગંભીર ગુનામાં બે મહત્વની એજન્સીઓની તપાસમાં રહેલી વિસંગતતાનો આધાર લઈને ભાવિકે કૉર્ટ સમક્ષ એક જ ગુનામાં બે જુદાં જુદાં કેસ હેઠળ પોતાને ડબલ સજા થવાનું સંકટ સર્જાયું હોવાની (Double Jeopardy) દલીલ કરેલી. આ જ ગુનામાં ATSએ પોતાને સાક્ષી ગણ્યો હોવાનું કહીને ATSએ દાખલ કરેલી ચાર્જશીટને પુરાવારૂપે કૉર્ટ સમક્ષ રજૂ કરી હતી. પોતાની ફાર્મા કંપનીના લાયસન્સ પર સહઆરોપી હર્ષિત પટેલ અને ચિંતન ગોંડલિયાએ પોતાની જાણબહાર ટ્રામાડોલ એક્સપોર્ટ કરવાની પેરવી કરી હોવાનું જણાવીને પોતે તો સાવ નિર્દોષ અને સમગ્ર ષડયંત્રથી અજાણ હોવાની ભાવિકે દલીલ કરેલી.
કસ્ટમ વતી કૉર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ જામીન અરજી ફગાવી દેવાની રજૂઆત સાથે દલીલ કરેલી કે ભાવિકની કંપનીના પૂર્વ પાર્ટનરો અને કર્મચારીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે એક્સપોર્ટ થનારો દરેક માલ ભાવિકની દેખરેખમાં જ નીકળતો હતો.
ટ્રામાડોલની ખરીદી, ટ્રાન્સપોર્ટ, એક્સપોર્ટમાં તેણે જ ભૂમિકા ભજવેલી છે.
કસ્ટમના દરોડા બાદ ભાવિકે જ તેની કંપનીના કર્મચારી રાજગિરિ મહેશગિરિ ગોસ્વામીને અંડરગ્રાઉન્ડ થઈ જવા સૂચના આપેલી.
બનાવ સમયે ભાવિક અને સહઆરોપીઓ ટેલિફોનથી સતત એકમેકના સંપર્કમાં હતા. ટ્રામાડોલને એક્સપોર્ટ કરવાના ઓર્ડર પેટે ભાવિકને સહઆરોપી હર્ષિત પટેલ અને ચિંતન ગોંડલિયા પાસેથી ૧.૮૦ કરોડ રોકડાં રૂપિયા મળ્યાં હતા. જે પૈકી ૧ કરોડ બે લાખ રૂપિયા ભાવિકે તેની પત્ની અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં હતા. ૨૫ લાખ રૂપિયા કમિશન પેટે મળ્યાં હોવાનું જાહેર કરેલું. ૧૭.૮૦ લાખ રોકડાં રૂપિયા કંપનીના ખાતામાં જમા કરાવેલાં. જ્યારે, શેષ ૩૫.૨૦ લાખ રૂપિયા લેણદારોને ચૂકવ્યાં હતા.
ભાવિકે હર્ષિત પટેલ અને કાનજી (કેવલ) પાસેથી થયેલી નાણાંના વહેવારની વિગતો કસ્ટમથી છૂપાવેલી. ગુનામાં તેની સંડોવણી એકદમ સ્પષ્ટ છે. NDPS Act અંતર્ગત જપ્ત થયેલું ડ્રગ્ઝ કૉમર્સિયલ ક્વૉન્ટિટીની કક્ષામાં આવે છે.
ચાર્જશીટ બાદ અગાઉ બે વખત ભાવિકની નિયમિત જામીન અરજી કૉર્ટ ફગાવી ચૂકેલી છે. ગુજરાત હાઈકૉર્ટમાં કરેલી અરજી પણ પરત ખેંચેલી છે. ચાર્જશીટ બાદ કેસના સંજોગોમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન નથી થયું. ભુજના નવમા અધિક સેશન્સ જજ અને વિશેષ NDPS કૉર્ટના ખાસ જજ બાબુભાઈ એમ. પ્રજાપતિએ આરોપીની સંડોવણી, ગુનાની ગંભીરતા, NDPS Actની કલમ ૩૭નો નડતો બાધ, કાયદા મુજબ અઢીસો ગ્રામ ટ્રામાડોલનો જથ્થો કૉમર્સિયલ ક્વૉન્ટિટીમાં ગણાતો હોઈ ઝડપાયેલો જથ્થો કૉમર્સિયલ ક્વૉન્ટિટીથી પણ પાર હોવાનું જણાવી જામીન અરજી રીજેક્ટ કરી દીધી છે.
ડ્રગ્સના દૂષણ સામે મોદી સરકારે લડાઈ છેડી હોવાના દાવા વચ્ચે આ કિસ્સો જવાબદાર એજન્સીઓ વચ્ચે રહેલા સંકલનના અભાવ અને જશ ખાટવાની વૃત્તિના લીધે સર્જાતી વિસંગતતા તરફ પણ પરોક્ષ રીતે આંગળી ચીંધી રહ્યો છે.
Share it on
|