|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ સેશન્સ કૉર્ટમાં ધોળા દિવસે યુવકના પેટમાં ચાકુ ભોંકી ખૂન કરવાના પ્રયાસના બનાવથી ચોંકી ઉઠેલાં જિલ્લાના મુખ્ય જજે આજે તાકીદે બેઠક યોજી આરોપી સામે એક જ અઠવાડિયામાં તપાસ પૂરી કરી ચાર્જશીટ રજૂ કરવા સૂચના આપી છે. ગઈકાલે સવારે વકીલો-અસીલોની હાજરી વચ્ચે પધ્ધર પોલીસ સ્ટેશનના ખૂન કેસના એક આરોપી રાહુલ ઊર્ફે માસાડો મારવાડાએ અંગત અદાવતમાં મયૂર ગુંસાઈ નામના યુવક પર ખૂની હુમલો કરેલો. ન્યાયની દેવડીએ જ આ પ્રકારનો ખૂની હુમલો થતાં ચોંકી ઉઠેલાં જિલ્લા કૉર્ટના મુખ્ય જજ દિલીપ પી. મહિડાએ આજે સવારે તેમની ચેમ્બરમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા, ઈન્ચાર્જ એસપી એમ.જે. ક્રિશ્ચિયન, કચ્છ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોર સહિતના અધિકારી પદાધિકારી સાથે બેઠક યોજી હતી.
સેશન્સ જજે ખૂની હુમલો કરનાર આરોપીને તત્કાળ અટકાવીને દબોચી લેનાર એમ.જે. ક્રિશ્ચિયનની પ્રશંસા કરી તેમને આ બનાવને સામાન્ય કેસ તરીકે નહીં પરંતુ સ્પેશિયલ કેસ તરીકે ગણીને તેની સંપૂર્ણ તપાસ એક જ અઠવાડિયામાં પૂરી કરી ચાર્જશીટ કરવા સૂચના આપી છે.
ફોરેન્સિક સાયન્સ લેબના તજજ્ઞોને બ્લડ સેમ્પલના પુરાવાને પ્રાયોરિટી આપી તાકીદે તેનો મેચિંગ રિપોર્ટ મોકલી આપવા સૂચન કર્યું હતું.
૩ પૈકીનો વચલો દરવાજો બાર વાગ્યા પછી થશે બંધ
સેશન્સ જજ મહિડાએ કૉર્ટના ત્રણ પ્રવેશદ્વાર પૈકીનો વચ્ચે આવેલો મુખ્ય પ્રવેશદ્વાર સવારે ૧૦થી ૧૨ બારના બે કલાક સુધી ખુલ્લો રાખ્યા બાદ બંધ કરી દેવા જણાવીને એસપી કચેરી તરફનો અને ટાઉનહોલ તરફનો પ્રવેશદ્વાર જ ચાલુ રાખવા સૂચન કર્યું છે. એટલું જ નહીં, બંને પ્રવેશદ્વાર પર સિક્યોરીટી માટે બબ્બે પોલીસ કર્મચારી તૈનાત કરવા જણાવ્યું છે. ભુજ ઉપરાંત જિલ્લાના તમામ કૉર્ટ સંકુલમાં સિક્યોરીટી માટે યથાયોગ્ય પગલાં લેવા પણ પોલીસને સલાહ આપી છે.
Share it on
|