|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અઢી કરોડથી વધુ રકમ મેળવીને ઠગાઈ અને નકલી દસ્તાવેજ બનાવવાના ગુનામાં કચ્છ ભાજપના આઈટી સેલના પૂર્વ પ્રમુખ અને ભુજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલાં કહેવાતા અગ્રણી જીતેન ભૂપેન્દ્ર ઠક્કર સામે કાનૂની ગાળિયો કસાયો છે. આદિપુર પોલીસ સ્ટેશનમાં ૧૩ મહિના અગાઉ નોંધાયેલા ગુનામાં જીતેન ઠક્કરે પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી ગાંધીધામ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ૪ જણ સાથે આ રીતે ઠગાઈ આચરવામાં આવેલી
૩૦ જૂલાઈ ૨૦૨૫ના રોજ આદિપુર પોલીસ મથકે વિનાયક આનંદાની નામના ૬૧ વર્ષિય બુઝુર્ગે જગદીશ હરીલાલ બારમેડા (રહે. મૂળ ઓધવબાગ-2, માધાપર જૂનાવાસ, ભુજ હાલ રહે. મુંબઈ) સામે છેતરપિંડી વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આદિપુરના વૉર્ડ નંબર- ૨માં ૭૭૮ ચોરસ મીટરના ભવ્ય ડુપ્લેક્સના નિર્માણ-વેચાણ અંગેની જગદીશ બારમેડાએ છાપામાં જાહેરાત આપેલી. આ જાહેરાતની જાળમાં વિનાયક આનંદાની સહિત પ્રવિણસિંહ ગજુભા જાડેજા, રોહતાઝ સૈની અને અમિત સુગવાની એમ ચાર જણાં ફસાઈ ગયેલાં. જગાએ ડુપ્લેક્સની કિંમત પોણા એકથી એક કરોડની જણાવેલી. બુકિંગ કરાવનારાઓનું જૂનું વર્તમાન રહેણાક મકાન જમા લેવાની પણ ઑફર આપેલી.
કરોડો રૂપિયા પડાવ્યાં બાદ ધમકી અપાયેલી
જગાની જાળમાં ફસાઈને વિનાયક આનંદાનીએ ૯૮.૦૬ લાખ, રોહતાઝ સૈનીએ ૭૦.૧૧ લાખ, પ્રવિણે ૪૨ લાખ અને અમિતે ૪૦.૫૧ લાખ રૂપિયા બુકિંગ પેટે આપ્યાં હતા. જગાએ રોહતાઝ સૈનીનું જૂનું મકાન ૭૦ લાખમાં જમા કરીને તે મકાન બીજાને બારોબાર વેચી મારેલું. તો, અમિત સુગવાનીના પ્લોટને જમા લઈ, એસઆરસીની મોર્ગેજ ફીની બોગસ રસીદ બનાવીને તેના આધાર પર એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સમાંથી ૭૮.૭૫ લાખની લોન લઈને તે ભરી નહોતી અને પ્લોટ બારોબાર બીજાને વેચી ખાધો હતો. આરોપીઓને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો ત્યારે જગો બારમેડા ધમકી આપવા માંડેલો કે ‘મારો તો આ જ ધંધો છે, અગાઉ આવા ઘણાં કાંડ કરી ચૂક્યો છું. ફરિયાદ નોંધાવી તો બધાને પૂરાં કરી દઈશ’
જગા અને જીતેને સાથે મળીને જાહેરખબર આપેલી
પોલીસ તપાસમાં બહાર આવેલું કે જગદીશ બારમેડા અને જીતેન ઠક્કરે સાથે મળીને છાપામાં જાહેરખબર આપેલી. જેમાં જીતેન ઠક્કરનો મોબાઈલ નંબર લખવામાં આવ્યો હતો. રોહતાઝ સૈનીએ જગદીશ અને જીતેન જોડે નવા મકાન માટે સાટા કરાર કરેલો. અમિતે જગાના કહેવાથી તેની હાજરીમાં સુરેશ નેહલાણી નામના કહેવાતા આગેવાનને રૂપિયા આપ્યા હતા.
જાણો, જીતેન ઠક્કરની અરજી કેમ થઈ રીજેક્ટ?
પોતાની ધરપકડ નિશ્ચિત જણાતાં જીતેન ઠક્કરે ગાંધીધામ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી. જેમાં સહઆરોપી અશોક હોતચંદ અડવાણી અને સુરેશ રામચંદ્ર નેહલાણીને અગાઉ કૉર્ટે આગોતરા જામીન આપ્યાં હોઈ સમાનતાના સિધ્ધાંત પર તેને પણ આગોતરાનો લાભ આપવા સહિત વિવિધ દલીલો કરેલી. જો કે, અશોક હોતચંદાણી અને સુરેશ નેહલાણીની ભૂમિકા તથા જીતેનની ભૂમિકા જુદી જુદી હોવા સહિતના આધારે જામીન અરજી રીજેક્ટ કરવા પોલીસે રજૂઆત કરેલી.
આરોપીની ધરપકડ કરી કસ્ટોડિયલ ઈન્ટરોગેશન પણ જરૂરી હોવાનું જણાવીને ગાંધીધામના પાંચમા અધિક સેશન્સ જજ રાકેશ જે. પટેલે જીતેન ઠક્કરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
ભુજની વીડી હાઈસ્કુલ સામે આવેલી ઓરિએન્ટ કોલોનીમાં રહેતો ૫૫ વર્ષિય જીતેન બી. ઠક્કર વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે.
કચ્છ જિલ્લા ભાજપ આઈટી સેલમાં અગાઉ તે પ્રમુખપદે સેવા આપી ચૂક્યો છે. ભાજપના વિવિધ મંડળોના શક્તિ કેન્દ્રો દ્વારા આયોજીત પ્રશિક્ષણ વર્ગોમાં તે વક્તા તરીકે ભાષણ આપતો હોય તેવા અનેક ફોટો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં છે.
હાલ તે ભુજ એસ્ટેટ બ્રોકર એસોસિએશનનો પ્રમુખ છે. ટ્રાફિકથી ધમધમતાં ભુજના જાહેર રસ્તાઓ પર અવરોધ સર્જીને કાર્યક્રમોનું આયોજન કરતી રાહગિરિ નામની સંસ્થા તથા લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલો છે. ૧૩ મહિના વીતી ગયાં હવે પોલીસ જીતેન ઠક્કરની ક્યારે ધરપકડ કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. આ ગુનામાં પાછળથી પોલીસે ફોર્જરીની વિવિધ ગંભીર કલમોનો પણ ઉમેરો કરેલો. સૂત્રધાર જગદીશ બારમેડાની ફેબ્રુઆરી ૨૦૨૬માં પોલીસે ધરપકડ કરેલી. ૧૬-૦૨-૨૦૨૬થી જેલમાં કેદ છે. ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી સેશન્સ કૉર્ટ ફગાવી ચૂકેલી છે. હાઈકૉર્ટમાંથી પણ તેણે જામીન અરજી પરત ખેંચેલી છે.
Share it on
|