click here to go to advertiser's link
Visitors :  
08-Oct-2026, Thursday
Home -> Anjar -> Mineral thieves escape on the highway after dumping morrum during chase
Wednesday, 07-Oct-2026 - Anjar 2394 views
ગાંધીધામ મુંદરા હાઈવે પર ચાલતાં વાહને રસ્તા પર મોરમ ઠાલવી ખનિજચોરો ફરાર
કચ્છખબરડૉટકોમ, અંજારઃ વિવિધ પ્રકારની ખનિજ સંપદાથી સમૃધ્ધ કચ્છની ધરતીને ચારેબાજુથી ખનિજ ચોરો ખોદવા બેઠાં છે. માથાભારે ખનિજ ચોરો એટલી હદે બેફામ બન્યાં છે કે સરકારી તંત્રોને ગાંઠતા નથી અને લાગ મળ્યે હુમલો કરતાં પણ અચકાતાં નથી. ગાંધીધામથી મુંદરા જતા હાઈવે પર અંજારના માથક ગામનો માથાભારે ખનિજચોર સરકારી ટીમની નજર સામે જ ફિલ્મી ઢબે હાર્ડ મોરમ ભરેલું ડમ્પર રસ્તા પર ખાલી કરાવીને ભગાડી ગયો છે.

અંજાર ખાણ ખનિજ અને ભુસ્તરશાસ્ત્રીની કચેરીના બે માઈન્સ સુપરવાઈઝર, એક રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને સિક્યોરીટી ગાર્ડ ગઈકાલે બપોરે ગળપાદર પાસે ગાંધીધામ મુંદરા હાઈવે પર ખનિજ ભરેલાં વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે નંબર પ્લેટ વગરનું હાર્ડ મોરમ ભરેલું એક ડમ્પર પસાર થયેલું.

સરકારી ટીમે ડમ્પર ચાલકને અટકાવવા ઈશારો કરેલો પરંતુ ચાલકે ડમ્પર ઊભું રાખવાના બદલે પૂરઝડપે હંકારી નાસવા પ્રયાસ કરેલો.

ખાણ ખનિજ વિભાગની ટીમે આ ડમ્પરનો પીછો કરવાનું શરૂ કરેલું ત્યાં અચાનક બાઈક લઈને આવેલા મયૂર બાબુભાઈ બવાએ સરકારી ટીમની ગાડી આગળ બાઈક લાવી દઈને રસ્તો રોકવા પ્રયાસ કરેલો.

મયૂરે મોબાઈલ ફોન પર ડમ્પર ડ્રાઈવરને સૂચના આપતાં ડ્રાઈવરે ચાલતી ગાડીએ હાઈડ્રૉલિક ટ્રૉલી ઊંચી કરી હાર્ડ મોરમ રોડ પર ઠાલવી દઈ, વાહનને રોડ પર જોખમી રીતે પૂરઝડપે આડું-અવળું હંકારીને નાસી ગયો હતો. મયૂર પણ બાઈક પર ભાગી ગયો હતો.

સમગ્ર ઘટનાની ખાણ ખનિજની ટીમે વીડિયોગ્રાફી કરી લીધી હતી. ખાલી થયેલું મોરમ ૪૦ ટન હોઈ તેના ગેરકાયદે ખનન, પરિવહન બદલ પેનલ્ટી સહિત ૩ લાખ ૫૪૯૦ની ખનિજ ચોરી કર્યા અંગેનો કેસ નોંધી મયૂર બવા અને ડમ્પરચાલક સામે સરકારી ફરજમાં રૂકાવટ, મોટર વાહન અધિનિયમ, ગુજરાત ખનિજ અધિનિયમ સહિતની વિવિધ કલમો તળે માઈન્સ સુપરવાઈઝર ગૌરાંગ પરમારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી.

મયૂર અને તેના પિતા બાબુભાઈ બવા અગાઉ ૨૪-૦૮-૨૦૨૨ના રોજ આ રીતે ખનિજ ભરેલાં વાહનો ભગાડી ગયાં હતા અને તે અંગે ફરિયાદ નોંધાવાઈ હતી.

દુર્ગાપુર પાસે બેન્ટોનાઈટ ભરેલાં ૬ ડમ્પર સીઝ

પશ્ચિમ કચ્છમાં ગેરકાયદે ખનિજ ખનન, પરિવહન સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી જારી રહી છે. LCBએ માંડવીના દુર્ગાપુર પાસેથી બેન્ટોનાઈટ ભરેલી ૬ ડમ્પર જપ્ત કર્યાં છે. પીઆઈ એ.એમ. મકવાણાએ જણાવ્યું કે લખપતથી આવેલાં બેન્ટોનાઈટ ભરેલાં આ ડમ્પરોનો માલ  રોયલ્ટી પાસ મુજબ દુર્ગાપુરની આદ્યશક્તિ માઈન કેમ ખાતે ખાલી કરવાનો હતો. તેના બદલે આ બેન્ટોનાઈટ ત્યાંથી એક કિલોમીટર દૂર સરકારી સર્વે નંબર ૧૬૬ પૈકીના સરકારી પ્લોટમાં ગેરકાયદે ઠલવાતો હતો. આરાધ્યા માઈનકેમના માલિક પીયૂષ પ્રમોદભાઈ ભાનુશાલીના કહેવાથી ડમ્પરોને અહીં ગેરકાયદે રીતે ખાલી કરવા લવાયાં હોવાનું સ્થળ પર હાજર કર્મચારી અંકિત કષ્ટાએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે તમામ ૬ ડમ્પરો માંડવી પોલીસ મથકે લઈ જઈ, સીઝ કરાવી આગળની કાર્યવાહી ખાણ ખનિજ કચેરીને સુપ્રત કરી દીધી છે.

Share it on
   

Recent News  
કચ્છનું વહીવટી તંત્ર ભાજપની ચાપલૂસીમાં મશગુલ, અધિકારીઓએ કેવળ ખેસ જ પહેર્યો નથી!
 
મા પર હુમલો કરનાર શખ્સ પર ૨૫ વર્ષ બાદ પુત્રે બોલેરો ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો
 
સહકારી સંસ્થાઓમાં તત્કાળ ચૂંટણીઓ યોજો અથવા વહીવટદાર નિમોઃ કચ્છ કોંગ્રેસ