click here to go to advertiser's link
Visitors :  
08-Oct-2026, Thursday
Home -> Kutch -> Son Tries to Kill Mothers Attacker with Bolero After 25 Years Read More
Wednesday, 07-Oct-2026 - Dudhai 2489 views
મા પર હુમલો કરનાર શખ્સ પર ૨૫ વર્ષ બાદ પુત્રે બોલેરો ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો
કચ્છખબરડૉટકોમ, દુધઈઃ એક અઠવાડિયા અગાઉ ગત ગુરુવારે દુધઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધમડકાથી બુઢારમોરા ગામ વચ્ચે જાહેર રોડ પર સર્જાયેલો અકસ્માતનો બનાવ હકીકતે ઈરાદાપૂર્વક ખૂનના પ્રયાસની ઘટના હોવાનો ઘટસ્ફોટ થયો છે. અકસ્માતનો ભોગ બનનાર ૪૮ વર્ષિય ગુલામ ઉમર નોડે માથામાં હેમરેજના પગલે બેહોશ હાલતમાં ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે છે. કોણે અને કયા વાહને ટક્કર મારેલી તેની પણ કોઈને ખબર નહોતી. પરંતુ, ગહન તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે.
જાણો, ગયા બુધવારે શું બન્યું હતું

ભચાઉના બાનિયારી ગામનો ગુલામ ઉમર નોડે ૩૦મી સપ્ટેમ્બરે સવારે ૧૦થી ૧૧ના અરસામાં બાઈક લઈ ધમડકાથી બુઢારમોરા ગામ તરફ જતો હતો ત્યારે ચામુંડા સિમેન્ટના કારખાના પાસે અજાણ્યા વાહનચાલકે પાછળથી તેની બાઈકને ટક્કર મારેલી. ટક્કર માર્યાં બાદ અજાણ્યો વાહનચાલક વાહન સમેત નાસી ગયેલો.

ગુલામને પગમાં ફ્રેક્ચર સાથે માથામાં ગંભીર ઈજાથી હેમરેજ થઈ જતાં બેહોશ થઈ ગયેલો. તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

બનાવ અંગે તેમના પુત્ર સિકંદરે ૦૨-૧૦-૨૦૨૬ના રોજ દુધઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે માનવ જીવન ભયમાં મૂકાય તે રીતે બેદરકારીપૂર્વક અને ભયજનક રીતે વાહન હંકારી ગંભીર ઈજા પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

ગાડીના પતરાં અને CCTVથી પગેરું દબાવાયું

પોલીસે અકસ્માતસ્થળેથી એક બોલેરો ગાડીનું તૂટેલું પતરું કબજે કરેલું. બનાવના દિવસ અને સમયે માર્ગ પરથી પસાર થયેલાં વાહનોના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં GJ-08 AY-5225 નંબરની બોલેરો કાર સુધી પગેરું પહોંચ્યું હતું. અકસ્માત સર્જનાર બોલેરો ચાલક જહાંગીર નોડે (ઉ.વ. ૩૮)ને ઝડપી પાડ્યો ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

બનાવ ૨૫ વર્ષ જૂનાં વેરની વસૂલાતનો નીકળ્યો

જહાંગીર અબ્દુલ નોડે પણ બાનિયારી વાંઢનો રહેવાસી છે. ૨૫ વર્ષ અગાઉ ૨૦૦૧માં રસ્તા બાબતે થયેલાં વિવાદના પગલે ગુલામ નોડે અને જહાંગીરના પરિવાર વચ્ચે ઝઘડો અને મારામારી થયેલી. તે સમયે ગુલામ નોડેએ જહાંગીરની માતાને માર માર્યો હતો. જહાંગીર તે સમયે માંડ ૧૨-૧૩ વર્ષનો હતો.

માતા પર હુમલો કરનાર ગુલામ નોડેની એ તસવીર કિશોર વયના જહાંગીરના મનમાં કાયમી ધોરણે અંકિત થઈ ગઈ હતી. જહાંગીર બદલો લેવાની આગમાં સળગતો હતો.

મોટો થયાં બાદ જહાંગીરે એક વખત ગુલામ નોડેના ભુંગાને આગ ચાંપી દીધી હતી. એકવાર તેની કેબિનને સળગાવી દીધી હતી. જો કે, સામાજિક આગેવાનોની મધ્યસ્થીથી બનાવ પોલીસ ચોપડે ચડ્યાં નહોતા.

છેલ્લાં ઘણાં સમયથી જહાંગીરે ગુલામને બોલેરોની ટક્કર મારી પતાવી દેવાનો મનસુબો કર્યો હતો. ઘણાં સમયથી તે ગામમાંથી બાઈક લઈને નીકળતાં ગુલામની રેકી કરતો હતો.

જો કે, દર વખતે ગુલામ જોડે કોઈને કોઈ વ્યક્તિ બાઈક પર બેઠેલું હોય તે હુમલો કરી શકતો નહોતો. બનાવના દિવસે ગુલામ બાઈક લઈને એકલો નીકળ્યો હતો. જહાંગીરે બોલેરોથી તેનો પીછો કરેલો અને લાગ મળતાં જ ટક્કર મારીને ત્યાં ફરાર થઈ ગયેલો.

દુધઈના પીઆઈ જે.એમ. જાડેજા અને તેમની ટીમે કરેલી ગહન તપાસમાં ગંભીર ગુનાનો ભેદ ખૂલ્યો છે.

પોલીસે ગુનામાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરીને જહાંગીરની ધરપકડ કરી બોલેરો જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવમાં કડક તપાસ કરવા ભોગ બનનારના સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી.

Share it on
   

Recent News  
કચ્છનું વહીવટી તંત્ર ભાજપની ચાપલૂસીમાં મશગુલ, અધિકારીઓએ કેવળ ખેસ જ પહેર્યો નથી!
 
ગાંધીધામ મુંદરા હાઈવે પર ચાલતાં વાહને રસ્તા પર મોરમ ઠાલવી ખનિજચોરો ફરાર
 
સહકારી સંસ્થાઓમાં તત્કાળ ચૂંટણીઓ યોજો અથવા વહીવટદાર નિમોઃ કચ્છ કોંગ્રેસ