click here to go to advertiser's link
Visitors :  
08-Oct-2026, Thursday
Home -> Bhuj -> Kutch Congress Accuses Administration of BJP Appeasement Over Modi Celebrations
Wednesday, 07-Oct-2026 - Bhuj 1821 views
કચ્છનું વહીવટી તંત્ર ભાજપની ચાપલૂસીમાં મશગુલ, અધિકારીઓએ કેવળ ખેસ જ પહેર્યો નથી!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન સુધીના જાહેર કાર્યકાળના ૨૫ વર્ષની ઉજવણી માટે તેમના જન્મદિવસથી લઈ ભાજપ સંગઠન અને કચ્છના વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસે આ ઉજવણીઓને તાયફો ગણાવી આકરી ટીકા કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું કે જો મોદીએ પ્રજા માટે સારા કામો કર્યાં હોય તો આવી એક મહિના સુધી ઉજવણી શા માટે કરવી પડે?
દેશના પ્રધાનમંત્રી નહીં પણ ‘પ્રચારમંત્રી’ની છેલ્લાં એક માસથી ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહેલી ઉજવણી આઝાદ ભારતથી આજ દિવસ સુધીની શરમજનક ઘટના છે.

ગુજરાતમાં ક્યાંક અછત તો ક્યાંક અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીના કારણે માલધારીઓ અને ખેડૂતો પરેશાન છે. બિસ્માર રસ્તાઓ, મોંઘવારી, બેરોજગારી, વકરતો જતો રોગચાળો, શિક્ષણ, આરોગ્ય જેવી કેટલીય સમસ્યાઓથી કચ્છની જનતા પીડાઈ રહી છે.

આ કપરાં સમયે પ્રજાની વહારે આવવાના બદલે કચ્છનું આખું વહીવટી તંત્ર અને કચ્છ ભાજપ માત્ર વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીઓ અને ચમક-દમક પાછળ મશગુલ છે.

હુંબલે આક્રોશ સાથે જણાવ્યું કે પ્રજાના લોહી અને પરસેવાના ટેક્સના કરોડો રૂપિયા ભવ્ય લાઈટીંગ, દિપોત્સવ, બાઈક રેલીઓ, તાયફાઓ પાછળ વેડફવામાં આવી રહ્યાં છે. આ સરકારી નાણાંનો ઉપયોગ ખેડૂતોને વળતર આપવામાં, માલધારીઓને પશુદીઠ સહાય આપવા, યુવાનોને રોજગારી આપવા માટે કરવો જરૂરી હતો.

ચોમાસું વીત્યાં બાદ કચ્છના નાનાં મોટાં ગામડાઓ અને શહેરોના રસ્તાઓ ખાડા રાજમાં ફેરવાઈ રહ્યાં છે. વધતાં રોગચાળાના લીધે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ સરકાર પાસે આ મુદ્દે નક્કર આયોજન કે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી અને ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરાઈ રહી છે.

પ્રજાને સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે છેતરી પ્રચાર કરી રહ્યાં છે જે ખૂબ દુઃખદ છે. છેલ્લાં એક મહિનાથી ચાલી રહેલી ઉજવણીના કારણે સરકારી અધિકારીઓ અને વહીવટી સ્ટાફ પોતાની મૂળભૂત ફરજો ભૂલી, રોજબરોજના પ્રજાલક્ષી કામો બાજુ પર મૂકીને પ્રોટોકોલ તેમજ નેતાઓની સરભરા કરવામાં વ્યસ્ત છે.

કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો અને અંતરિયાળ જિલ્લો છે. વહીવટી અધિકારીઓ કચેરીમાં ના હોવાના કારણે પ્રજા ધક્કા ખાઈ રહી છે.

ભાજપને સારું લગાડવા માટે શિક્ષણ જગતને પણ સંડોવી દીધું છે. ભીડ ભેગી કરવા તાલુકા વિકાસ અધિકારીઓ એસટી બસો ગામડે ગામડે મૂકી પોતાની સહી કરી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ફરમાન કરે છે, જે લોકશાહીમાં ખૂબ શરમજનક ઘટના છે.

કચ્છના અમુક ચોક્કસ અધિકારીઓએ કેવળ ભાજપનો ખેસ ધારણ કરવાનું જ બાકી રાખ્યું હોય તેમ ભાજપ કાર્યકરોની જેમ કામ કરી રહ્યાં છે.

આવા તાયફાઓમાં વિદ્યાર્થીઓને પણ ફરજિયાત હાજરી આપવા આદેશ કરાતો હોઈ વિદ્યાર્થીઓનું પણ શિક્ષણ બગડે છે. કચ્છનું વહીવટી તંત્ર આટલી હદે ભાજપની ચાપલૂસી કરી રહ્યું હોવાનો હુંબલે પ્રહાર કર્યો છે.

Share it on
   

Recent News  
મા પર હુમલો કરનાર શખ્સ પર ૨૫ વર્ષ બાદ પુત્રે બોલેરો ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો
 
ગાંધીધામ મુંદરા હાઈવે પર ચાલતાં વાહને રસ્તા પર મોરમ ઠાલવી ખનિજચોરો ફરાર
 
સહકારી સંસ્થાઓમાં તત્કાળ ચૂંટણીઓ યોજો અથવા વહીવટદાર નિમોઃ કચ્છ કોંગ્રેસ