કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના મેઘપર કુંભારડીમાં ઘરના આંતરિક કંકાસમાં ૪૫ વર્ષિય યુવકનું ચાકુ વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરી દેવાઈ છે. આજે બપોરે એક વાગ્યાના અરસામાં બનેલી ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી હત્યારાને દબોચી લીધો છે. મરણ જનાર રાજુ રેવાભાઈ દેવીપૂજક આદિપુરમાં ઓમમંદિર સામે શિવશક્તિ મિલ પાછળના ઝૂંપડામાં મોટાભાઈ પ્રેમજી સાથે રહેતો હતો. બેઉ ભાઈ રેંકડીમાં શાક-બકાલાની ફેરી કરી ગુજરાન ચલાવે છે. આજે બપોરે રાજુ ફેરી કરીને ઘેર આવ્યો હતો અને મોટા ભાઈ પ્રેમજીને એમ કહીને નીકળ્યો હતો કે ‘હું તારી સાળી ચંપાબેનના ઘેર રામજી સાથે જાઉં છું’ થોડીકવાર બાદ ચંપા દોડતી દોડતી પ્રેમજીના ઘેર આવી હતી અને જણાવ્યું હતું કે ‘તારો ભાઈ રાજુ મારા ઘરે આવ્યો છે અને મારો દીકરો રામજી રાજુને ફાવે તેમ ગાળો બોલી ધોકાથી મારી રહ્યો છે, તેને છોડાવો’ સાળીની વાત જાણીને પ્રેમજી તુરંત તેની પત્ની અને પુત્ર સાથે મેઘપર કુંભારડીમાં શનિદેવ મંદિરથી થોડેક આગળ પેટ્રોલ પંપ સામે આવેલા ઝૂંપડાએ દોડી ગયો હતો.
પ્રેમજી ઘરે પહોંચ્યો ત્યારે રામજી રાજુને ગળેથી પકડીને બેઠો હતો. પ્રેમજી અને પરિવારજનોએ રાડારાડ કરતાં રામજીએ તેના હાથમાં રહેલું ચાકુ રાજુના ગળા પર મારી દીધું હતું અને માથામાં પણ આડેધડ મારવા માંડ્યો હતો. રાજુનું ગળું કપાઈ જતાં તે બેહોશ થઈ ગયો હતો.
રામજી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. મોટોભાઈ રાજુને તત્કાળ ખાનગી વાહનમાં સરકારી દવાખાને લઈ ગયો હતો પરંતુ તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. પ્રેમજીની ફરિયાદના આધારે અંજાર પોલીસે રામજી જીવાભાઈ દેવીપૂજક વિરુધ્ધ હત્યાની કલમો તળે ગુનો દાખલ કરી તેને દબોચી લઈને પીઆઈ એસ.ડી. સિસોદીયાએ ગહન પૂછપરછ તપાસ હાથ ધરી છે.
Share it on
|