કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના શિરાચા ખાતે દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે મુંદરા પોર્ટે યોજેલી શ્રીમદ ભાગવત સપ્તાહનું ધાર્મિક ભક્તિમય પરિવેશમાં સમાપન થયું છે. સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છમાં અભૂતપૂર્વ એક લાખની વધુ લોકોએ કથારસનું આચમન કર્યુ હતું. ૪ હજારથી વધુ લોકોએ કથાસ્થળે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો. નાનકડું શિરાચા એક ઐતિહાસિક ધાર્મિક આયોજન સાક્ષી બન્યું હતું. રોજ હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટતી હતી.
ભાગવતનું શ્રવણ કરવા આવનાર એકપણ શ્રોતા ભૂખ્યાં પેટે પરત ન ફરે તેની સ્વયંસેવકોએ હોંશભેર સંપૂર્ણ કાળજી રાખી હતી. વિવિધ ગામડાંમાંથી ભક્તોને કથાસ્થળે લાવવા-લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં પણ જરૂર પડે આગળની સારવાર માટે પણ અદાણી જૂથે સહાયની વ્યવસ્થા કરી છે.
સામાન્યતઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા આસપાસના ગામોમાં નિયમિત રીતે ઘાસચારો પૂરો પાડવામાં આવે છે. પરંતુ. કથા સપ્તાહ દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલાં ઘાસચારા સાથે શ્વાનોને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ રહ્યું.
કરણ અદાણીની હાજરીમાં કથા સપ્તાહનું સમાપન
કથાના અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી પધાર્યા હતા. તેમણે મુંદરા અને આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ કરણભાઈને આવા અદભૂત ધાર્મિક આયોજન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતા.
કરણભાઈ સાથે અદાણી પોર્ટ્સના ગૃપ સીઈઓ અશ્વિનીકુમાર ગુપ્તા, મુંદરા તુણા પોર્ટના સીઈઓ સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
અંતિમ દિવસે દેવેન્દ્રગીરીજી ગુરુજી (દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા), મનોહરગીરી બાપુ (મહંત, દાનેશ્વર મહાદેવ જાગીર), દેવદરબાર 1008 બળદેવનાથ જાગીર જેવા સંતો અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી ગૃપની ધાર્મિક, સાંસ્કૃતિક સદ્દભાવનાનું પ્રતીક બની કથા
અદાણી પરિવાર દ્વારા પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, જગન્નાથપુરી રથયાત્રા, ગીતા પ્રેસ ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિ પ્રાચિન દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિન્ધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન વગેરેનું આયોજન અદાણી ગૃપની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સદ્દભાવનાની પ્રતીતિ કરાવે છે.
સેવા વગરનો વિકાસ અધૂરોઃ રક્ષિત શાહ
કથા સમાપન પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે સર્વજન હિતાય અને સર્વજન સુખાયના હેતુથી આયોજીત કથામાં અદાણી પોર્ટ્સ કેવળ નિમિત્ત બન્યું હોવાનું જણાવી સૌની સહભાગીદારીથી જ આ આયોજન સફળ થયું હોવાનો ઉદગાર વ્યક્ત કર્યો હતો. શાહે ઉમેર્યું કે કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી. સેવા વગરનો વિકાસ અધૂરો છે. “અજ અસા જોકો ઐયુ આં થકી ઐયુ” તેમ કચ્છીમાં જણાવીને સૌના યોગદાનને તેમણે બિરદાવી અદાણી પરિવાર હંમેશાં સૌનો ઋણી રહેશે તેવો ભાવોચ્ચાર વ્યક્ત કર્યો હતો.
Share it on
|