|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉથી સામખિયાળી જતા નેશનલ હાઈવે પર ભચાઉના કેસરીગઢ રીસોર્ટ પાસે ગત મધરાતે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ માતા-પિતાની નજર સમક્ષ કારમાં રહેલાં અઢી ત્રણ વર્ષનું બાળક જીવતું ભુંજાઈ ગયું છે. અકસ્માત જોઈને બ્રેક મારનાર અન્ય એક ટ્રક પાછળ લોખંડના પાઈપ ભરેલું ટ્રેલર ટકરાતાં ટ્રેલરના ડ્રાઈવરનું પાઈપો નીચે દબાઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. ભચાઉ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.જે. ત્રિવેદી અને ભચાઉ ફાયર બ્રિગેડે આપેલી માહિતી મુજબ ગાંધીધામના ભારતનગરમાં રહેતા કેતનભાઈ શ્રીમાળી તેમના પત્ની નેહાબેન અને અઢી-ત્રણ વર્ષના સંતાન વીરાજને ટાટા ટિયાગો કારમાં લઈ મોરબી તરફ જતા હતા.
મધરાતે કેસરીગઢ રીસોર્ટ સામે અકસ્માત
મધરાત્રે સાડા બારના અરસામાં કેસરીગઢ રીસોર્ટ સામે પાછળથી પ્લાય ભરીને આવેલી ટ્રકે કારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં દંપતિ અને બાળકને ઈજાઓ થયેલી. થોડીકવાર બાદ સીએનજી કારમાં આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના અંગે જાણ થતાં સ્થળ પર દોડી આવેલી ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સળગતી કારમાં ફસાયેલાં ગંભીર રીતે ઘાયલ કેતનભાઈ અને નેહાબેનને જીવના જોખમે બહાર કાઢી દીધાં હતા.
ફાયર ઑફિસર પ્રવિણ દાફડાએ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત કારમાં ફસાયેલાં રડી રહેલાં બાળકને અમે બહાર કાઢીએ તે પહેલાં ધડાકાભેર આગની પ્રચંડ જ્વાળાઓએ કાર અને બાજુમાં ઊભેલી ટ્રકને લપેટી લીધા હતા. આગ બૂઝાવવા અમે પાણીનો મારો શરૂ કરી દીધેલો પરંતુ જોત-જોતામાં બાળક જીવતું ભડથું થઈ ગયું હતું.
કેતનભાઈ અને નેહાબેનની હાલત ગંભીર છે અને તેમને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે.
અકસ્માત જોઈ બ્રેક મારનાર ટ્રક પાછળ ટ્રેલર ઘૂસ્યું
ટિયાગો કાર અને પ્લાય ભરેલી ટ્રકનો અકસ્માત જોઈને પાછળ આવતી એક ટ્રકના ચાલકે બ્રેક મારીને તેની ટ્રક થોભાવી દીધી હતી. આગળ જતી ટ્રક અચાનક ઊભી રહેતાં પાછળ લોખંડના પાઈપ લઈને આવી રહેલા ટ્રેલરના ચાલકે તેનું વાહન ટ્રક પાછળ ઘૂસાડી દીધું હતું. જેમાં લોખંડના પાઈપો કેબિન પર પડતાં કેબિનમાં રહેલા ડ્રાઈવર અજય વિન્દેશ્વર રાય (ઉ.વ. ૪૭, રહે. મુંદરા)નું મૃત્યુ નીપજ્યું હતું.
Share it on
|