|
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં ઘણાં વર્ષોથી આતંક મચાવી રહેલી રોહિત ગોદારા નવીન બોક્સરની ગેંગના બે ગેંગસ્ટર્સની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ રાપરમાંથી ધરપકડ કરી છે. ATSએ પૂર્વ કચ્છ પોલીસ દળના SOG અને LCBની મદદથી વિકાસ ઊર્ફે ગોલુ જસબીરસિંઘ શેરોન (રહે. મૂળ કાકરોલી, હરિયાણા) અને ડિંકેશ ઊર્ફે કાલી પરમાનંદ ગર્ગ (રહે. મૂળ કૈથલ, હરિયાણા)ની રાપરના નાગેશ્વર પાર્કના રહેણાકમાંથી ધરપકડ કરી છે. ભીવાની કૉર્ટમાં થયેલા મર્ડરમાં બેઉની સંડોવણી
ગત ૪થી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ હરિયાણાના ભીવાની શહેરના કૉર્ટ સંકુલમાં લવજીત નામના શખ્સની ગોળી મારી કરાયેલી હત્યાના ગુનામાં બેઉ જણ નાસતાં ફરતાં હતા. ATSએ જણાવ્યું કે કાલી ગેંગ લીડર નવીન બોક્સર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે. નવીન બોક્સર તેને સૂચના આપે તે મુજબ કાલી અને અન્ય ગેંગસ્ટર્સ ગુના આચરે છે. લવજીતની હત્યા બાદ કાલી રાપરમાં આવીને રહેવા માંડેલો. ત્યારબાદ, ગોદારા અને નવીનની સૂચના મુજબ ગોલુએ પણ રાપર આવી કાલીના રહેણાકમાં આશ્રય મેળવેલો. બેઉને હરિયાણા STFના હવાલે કરી દેવાયાં છે.
બિશ્નોઈ અને ગોદારા ગેંગ એકમેકના ખૂનની તરસી
રોહિત ગોદારા લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રધાર ગોલ્ડી બ્રારનો ખાસ સાગરીત છે. આ ગેંગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં શરાબના ઠેકેદારો, જાણીતી હસ્તીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મોટી મોટી હોસ્પિટલો પાસેથી ખંડણી ઉઘરાવવાનું, કોન્ટ્રાક્ટ કિલીંગ જેવા ગંભીર ગુના આચરે છે.
એક સમયે લૉરેન્સ અને ગોલ્ડીની જોડીએ ભારે આતંક મચાવેલો. જો કે, લોરેન્સ અંદર થયા બાદ લોરેન્સના ભાઈ અનમોલે ગેંગની લીડરશીપ મેળવવા પ્રયાસો કરતાં ગેંગના ભાગલાં પડી ગયેલાં અને ગોલ્ડીએ ગોદારા સાથે મળીને અલગ ગેંગ બનાવી છે.
પંજાબ હરિયાણામાં પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવા બંને ગેંગ વચ્ચે હિંસક ગેંગવૉર ચાલી રહી છે. ઈન્ટર ગેંગવૉરના પરિણામે જ લવજીતની હત્યા થઈ હોવાનું મનાય છે. રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ગોદારા ગેંગે લીધી હતી. આ ગેંગના મોટાભાગના સૂત્રધારો વિદેશ ભાગી ગયાં છે અને સ્થાનિકે ભરતી કરેલાં માણસો મારફતે ગંભીર ગુનાઓને અંજામ આપે છે.
STFનો સકંજો કસાતાં બેઉ રાપર ભાગી આવેલા
લવજીતની હત્યાના પગલે એક્શનમાં આવેલી હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ગત બીજી ડિસેમ્બરે સોનીપતમાંથી ગોલ્ડી-ગોદારા ગેંગના સાત સાગરીતોની સાત વિદેશી પિસ્તોલ અને ૧૯૭ કારતૂસ સાથે ધરપકડ કરી હતી. આ ગેંગને મળતાં ફંડીંગ, આશ્રયસ્થાનો, તેમની મૂવમેન્ટ પર હરિયાણા STFએ બરાબરનો ગાળિયો કસતાં બંને ગેંગસ્ટર્સ રાપરમાં આવીને રહેવા માંડેલાં.
Share it on
|