કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ અંજાર તાલુકાના માથક પાસે સાવકા પિતાએ ૬ વર્ષના પુત્રને પાણી ભરેલાં ખાડામાં ફેંકી, ડૂબાડી દઈને હત્યા કરી નાખી છે. ખાનગી એકમમાં બનેલા બનાવ અંગે સીસીટીવી કેમેરાના આધારે ગત મોડી સાંજે હત્યાનો બનાવ બહાર આવ્યો હતો. બનાવ અંગે આદિપુર પોલીસે મૃતકની માતાએ પતિ સામે આપેલી ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (૧) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. ૪ માસ અગાઉ માસૂમ આંગળિયાત તરીકે મા જોડે આવેલો
મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ગામડાની વતની ૩૫ વર્ષિય પૂજા અહીરવાલે ફરિયાદમાં જણાવ્યું કે તે છેલ્લાં દોઢ માસથી માથકમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ બેગ પેકેજીંગ કંપનીમાં પતિ ખેતસીંગ જોડે બેગ ફોલ્ડીંગ કરવાની મજૂરી કરે છે અને કંપનીએ મજૂરોને આપેલી ઓરડીમાં રહે છે. પૂજાએ ચાર મહિના અગાઉ ખેતસીંગ સાથે સાદાઈથી બીજા લગ્ન કરેલા. ૨૦ વર્ષ અગાઉ તેના દયારામ કુશ્વાહા સાથે લગ્ન થયેલાં અને સંતાનમાં તેને ત્રણ પુત્રો થયેલાં. પ્રથમ પતિના મૃત્યુ બાદ તેણે ખેતસીંગ સાથે બીજા લગ્ન કર્યાં છે. ૧૬ અને ૧૮ વર્ષના બે પુત્રો દિલ્હીમાં રહીને શેરડીની ફેક્ટરીમાં કામ કરે છે જ્યારે ૬ વર્ષનો રાહુલ તેની જોડે રહે છે. ખેતસીંગની પહેલી પત્ની નાસી જતાં તેણે પૂજા જોડે બીજા લગ્ન કર્યાં છે. પહેલી પત્નીથી સંતાનમાં તેને ૧૦ અને ૪ વર્ષના બે પુત્રો છે જે બેઉ વતનમાં રહે છે.
બહાનુ કરીને પત્નીને મજૂરીએ મોકલી ઘરે રહ્યો
દરરોજ સવારે આઠ વાગ્યે દંપતી કામે જાય ત્યારે રાહુલને બાજુમાં રહેતા દિયરના ઘેર સાર સંભાળ માટે મૂકી જતું. શુક્રવારે સવારે પોતાની તબિયત સારી ના હોવાનું બહાનુ કરીને ખેતસીંગ ફેક્ટરીમાં ગયો નહોતો. પૂજા રાહુલને પતિ જોડે રાખીને એકલી મજૂરીએ ગઈ હતી. સવારે દસેક વાગ્યે ખેતસીંગ ફેક્ટરીમાં આવ્યો હતો અને પૂજાને ‘રાહુલ ક્યાંક ખોવાઈ ગયો છે, મળતો નથી’ તેમ જણાવ્યું હતું. માસૂમ દીકરો ગુમ થતાં પૂજાના પેટમાં ફાળ હતી અને તે ફેક્ટરી પરથી ઘરે દોડી આવી હતી. રાહુલ ગુમ થયો હોવાનું જાણીને કંપનીના સિક્યોરીટી ગાર્ડો અને અન્ય મજૂરો પણ રાહુલની શોધખોળમાં જોડાયાં હતાં. રાહુલનો ક્યાંય પત્તો મળ્યો નહોતો.
ફેક્ટરીના CCTV ફૂટેજ પરથી શંકા પ્રબળ થઈ
સાંજે છએક વાગ્યે કંપનીના જવાબદારોએ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ખેતસીંગના પાપનો ભાંડો ફૂટ્યો હતો. પત્ની મજૂરીએ ગયાના અડધો કલાક બાદ ખેતસીંગ રાહુલને લઈને ઘરની બહાર જતો જોવા મળ્યો હતો અને થોડીકવાર બાદ ઘરે એકલો પાછો આવતો જોવા મળ્યો હતો. કંપનીના જવાબદારો અને લોકોએ ખેતસીંગને સવાલો પૂછવાનું શરૂ કરતાં આખરે તેણે કબૂલતા કરતાં કહ્યું હતું કે રાહુલને તેણે પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો છે. સૌ લોકો તે સ્થળે દોડી જતાં ખાડાના પાણી ઉપર રાહુલની લાશ તરતી જોવા મળી હતી. ઘટના અંગે જાણ થયાં બાદ આદિપુરના પીઆઈ એમ.સી. વાળા અને તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.
સાહેબ, મને ખબર નહોતી કે તે આ હદે જશે
પૂજાએ પોલીસને જણાવ્યું કે પંદર દિવસ અગાઉ જ પતિએ તેની જોડે ઝઘડો કરેલો કે ‘તું રાહુલને કેમ સાથે લઈને આવી છો? તે મને ગમતો નથી, તેને દાદા દાદી પાસે મૂકી આવ નહીં તો હું તેને જીવતો નહીં મૂકું’ પૂજાએ જણાવ્યું કે સાહેબ મને કલ્પના પણ ન્હોતી કે ખેતસીંગ માસૂમ દીકરાની હત્યા કરવા સુધીની હદે પહોંચશે. પોલીસે ખેતસીંગની ધરપકડ કરી લીધી છે.
Share it on
|