|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ બૂટલેગરો પાસેથી જામુન ફ્લેવરની વોડકા ખરીદીને પીવાના શોખીન પ્યાસીઓ માટે આંચકાજનક સમાચાર છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના સતાપરની સીમમાં એક વાડાની ઓરડીમાં દરોડો પાડીને નકલી વોડકાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે LCBએ ગોવર્ધન ટેકરીથી સતાપર જતાં માર્ગે આવેલા વાડામાં રેઈડ કરીને બે જણને કેમિકલ અને એસેન્સમાંથી જામુન સ્પેશિયલ ફ્લેવરનો નકલી દારૂ વોડકા બનાવતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. કેમિકલમાંથી બનતો હતો નકલી દારૂ
પોલીસે મકાનમાંથી બસ્સો બસ્સો લિટરના ૩ બેરલમાંથી ૬૦૦ લિટર પાણી જેવું કેમિકલ, ઈંગ્લિશ દારૂ જેવા રંગવાળા બસ્સો લિટરના બે બેરલ, દારૂ જેવો કલર ધરાવતું ૩૦ લિટરનું દ્રાવણ, ઘાટાં જાંબલી રંગનું બે લિટર ફ્લેવર્ડ એસેન્સ, આ કેમિકલમાંથી તૈયાર કરેલો ૩૦૦ લિટર વોડકા (દારૂ), મેજિક મોમેન્ટ્સ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની દારૂ ભરેલી પ્લાસ્ટિકની ૧૦૫૬ બાટલીઓ અને ૬૩૦૦ ખાલી બાટલીઓ, દારૂ ભરવા માટેનું ઈલેક્ટ્રિક ફિલીંગ મશિન, બોટલોના બુચને સીલ કરવાનું મશિન, બાટલીઓના બુચ ભરેલાં બે થેલાં, બાટલીઓ પર લગાડવાના સ્ટીકર અને હોલોગ્રામ સ્ટીકરના બે રોલ ટેપ, ખાખી પુંઠા અને પુંઠા પેક કરવાના રોલ ટેપ, પાંચસો લિટરની ખાલી ટાંકી વગેરે મળી ૮.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે ફોરેન્સિક લેબના નિષ્ણાતોને સાથે રાખીને કેમિકલના સેમ્પલ લેવડાવ્યાં છે.
પોલીસે નકલી દારૂની ફેક્ટરીમાંથી સતાપર ગામના સુનિલ શામજી માતા અને રમજાન હમીર કાસમ જુણેજા (બંનેના ઉ.વ. ૨૬)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અંતરજાળના કિશોર નાગજીભાઈ વ્યાસ અને રાજેશ ઊર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિ (રહે. કેસરનગર, આદિપુર)ની સંડોવણી ખૂલી છે. LCB પીઆઈ જે.એમ. વાળા અને પીએસઆઈ ડી.જી. પટેલ સહિતની ટીમે આ સફળ રેઈડ કરી છે.
જૂના જોગીઓએ જ ફરી ફેક્ટરી શરૂ કર્યાની આશંકા
પૂર્વ કચ્છમાં અગાઉ પણ આ રીતે ચાલતી દારૂની નકલી ફેક્ટરી પકડાયેલી છે. માર્ચ ૨૦૧૮માં આદિપુર પોલીસે અંતરજાળની બાલાજી સોસાયટીના એક મકાનમાં દરોડો પાડીને રોયલ સ્ટેગ બ્રાન્ડની નકલી વ્હિસ્કીના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો હતો. દરોડાની ગંધ આવી જતાં બૂટલેગર સુરેશ કરસન ચાવડા (આહીર) અને રાજુ પ્રજાપતિ નામના બે જણાં છુમંતર થઈ ગયાં હતા. એ દરોડામાં નાસી ગયેલા રાજુ પ્રજાપતિ સહિતના લોકો સતાપરમાં આજે પકડાયેલી નકલી દારૂની ફેક્ટરીના સંચાલકો હોવાનું મનાઈ રહ્યું છે.
Share it on
|