કચ્છખબરડૉટકોમ, અંજારઃ ગાંધીધામમાં રહેતા એક જમીન માલિકે જમીન માપણી વધારો નિયમિત કરવા બાબતનો કલેક્ટરના ચીટનીસની સહીવાળો બોગસ પત્ર અંજાર મામલતદાર કચેરીમાં રજૂ કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવને ગંભીરતાથી લઈ અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડાએ કિશોરભાઈ વાલજીભાઈ ભાનુશાલી (અપનાનગર, ગાંધીધામ) વિરુધ્ધ અંજાર પોલીસ મથકે બનાવટી સહીવાળા નકલી પત્રને સાચાં તરીકે રજૂ કરવા સબબ ફરિયાદ નોંધાવી છે. આરોપી કિશોર ભાનુશાલીએ તેની માલિકીની અંજાર તાલુકાના સુગારીયા ગામે આવેલી સર્વે નંબર ૨૨૮ અને ૨૨૯/૨વાળી જમીનનો માપણી વધારો નિયમિત થવા બાબતનો કલેક્ટરના ચીટનીસનો પત્ર ગત મે માસમાં અંજાર મામલતદાર કચેરીમાં રજૂ કરેલો. તેના આધારે ચલણમાં સહી સિક્કા કરી આપવા રજૂઆત કરેલી. બાદમાં બેન્કના સહી સિક્કાવાળા ચલણની નકલ રજૂ કરેલી.
આ ચલણની પેટા તિજોરી અધિકારીએ ખરાઈ કર્યા બાદ જૂન માસમાં મામલતદાર કચેરીએ ચલણ અને ચીટનીસના પત્રની નકલ સાથેનો અહેવાલ કલેક્ટર કચેરીમાં મોકલી આપેલો.
કલેક્ટર કચેરીમાં કાગળિયા પહોંચ્યા બાદ મામલતદારને જાણ કરાયેલી કે નાયબ ચીટનીસ તો નાદુરસ્ત તબિયતના લીધે રજામાં છે અને પત્રમાં કરાયેલી તેમની સહી ખોટી છે. ત્યારબાદ આ પત્ર બનાવટી હોવાનું સ્પષ્ટ થયેલું. ગ્રામ પંચાયતોની ચૂંટણી સહિતના કામગીરીના ભારણના લીધે આ મામલો પેન્ડિંગ રહી ગયેલો. જે ધ્યાને આવતા મામલતદારે આજે ફરિયાદ નોંધાવી છે.
અંજાર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬ (૨), ૩૩૭, ૩૩૯ અને ૩૪૦ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|