|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા તાલુકાના ઝરપરા ગામે શંકાશીલ અને ઝનૂની પતિએ પત્નીની છરીથી હત્યા કરીને પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. ઝરપરા ગામના લૈયારા વાડી વિસ્તારમાં ગત રાત્રિથી આજે સવારના અરસામાં આ કરુણાંતિકા ઘટી હતી. મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ સવરાજ જખા સેડા (ગઢવી)એ મધરાત્રે છરીના ઘા ઝીંકી ૬૫ વર્ષિય પત્ની હીરબાઈની ઘાતકી હત્યા કરી નાખી હતી. પરોઢે સાડા ચાર વાગ્યે બનાવ અંગે જાણ થયેલી. હત્યા કર્યા બાદ સવરાજ ઘરેથી નાસી છૂટ્યો હતો.
મા-દીકરા એક થઈ ઘરમાંથી હાંકી કાઢશે તેવી શંકા હતી
બનાવ અંગે સવરાજના પુત્ર વાલજીએ મુંદરા પોલીસ મથકે પિતા સામે સવારે હત્યાની કલમ તળે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે બે દીકરા અને તેની મા ત્રણે એકસંપ થઈને પોતાનું નામ જમીનમાંથી કઢાવી નાખી પોતાને ઘરની બહાર હાંકી કાઢશે તેવી સવરાજને દ્રઢ શંકા હતી. જેથી શંકાશીલ અને ઝનૂની સ્વભાવના પિતા માતા અને પુત્રો જોડે ઝઘડો કર્યા કરતા હતા. પોલીસે હીરબાઈના મૃતદેહને મુંદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
વાડીથી થોડેક દૂર સવરાજની ઝાડમાં લટકતી લાશ મળી
આરોપી સવરાજનો અતોપત્તો ના હોઈ પોલીસે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં સવરાજનો બનાવ સ્થળથી થોડેક દૂર નદીના પટના વગડામાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં લાશ મળી આવી છે. આમ, એક વયોવૃધ્ધ પતિએ ખોટી શંકા રાખીને પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી છે. આ બનાવે ભારે અરેરાટી અને ચકચાર સર્જી છે. બનાવ અંગે મુંદરાના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ઠુમરે તપાસ હાથ ધરી છે.
Share it on
|