|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જૂના ઝઘડાની અદાવતમાં અબડાસાના ડુમરા ગામના બસ સ્ટેન્ડે ૨૭ વર્ષના ઈરફાન મામદ સુમરા નામના યુવક પર પાઈપથી હુમલો કરી તેની હત્યા નીપજાવવાના ગુનામાં ભુજ સેશન્સ કૉર્ટે ચાર્જશીટ બાદ આરોપીએ કરેલી બીજી જામીન અરજી ફગાવી દીધી છે. હુમલાનો બનાવ ૧૧-૦૭-૨૦૨૪ની સાંજે બનેલો. જે અંગે ઈરફાને આપેલી ફરિયાદના આધારે કોઠારા પોલીસે બીજા દિવસે ૬ યુવકો વિરુધ્ધ ગેરકાયદે મંડળી બનાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાની કલમો હેઠળ ગુનો નોંધેલો. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૭-૦૭-૨૦૨૪ના રોજ ઈરફાનનું મૃત્યુ નીપજતાં હત્યાની કલમનો ઉમેરો થયેલો.
આ ગુનામાં ૧૬-૦૭-૨૦૨૪થી જેલમાં રહેલા યુવરાજસિંહ ઊર્ફે ઈલુ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. ડુમરા)એ ચાર્જશીટ બાદ સેશન્સ કૉર્ટમાં બીજી વખત રેગ્યુલર બેઈલ એપ્લિકેશન દાખલ કરી હતી.
બચાવ પક્ષે કહ્યું કે ટ્રાયલ સ્થગિત થયેલી છે
કેસમાં પકડાયેલાં બે સહ આરોપીઓને જામીન મળી ચૂક્યાં છે, અરજદાર યુવરાજના પિતાને હાર્ટ એટેક આવેલો છે, કૉર્ટમાં ફરિયાદ પક્ષે વધુ આરોપીની સંડોવણીની શંકાએ વધુ તપાસ કરવા અરજી કરેલી હોઈ ટ્રાયલ આગળ ચાલતી નથી. તેને સંજોગોમાં પરિવર્તન ગણી અરજી મંજૂર કરવા રજૂઆત થયેલી.
જામીન મળે તો સાક્ષી પુરાવાને અસર થવાની આશંકા
અધિક જિલ્લા સરકારી વકીલ એસ.એ. મહેશ્વરી અને મૂળ ફરિયાદીના વકીલ જે.એચ. બારોટે જામીન ના આપવા માટે દલીલ કરેલી કે આરોપીએ બબ્બે વખત હાઈકૉર્ટમાં જામીન અરજી કરેલી જે પરત ખેંચવી પડેલી છે. જો તેને જામીન પર છોડાય તો પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ બંને પક્ષની દલીલો અને રેકર્ડને જોઈ આરોપીની અરજી ફગાવી દીધી છે.
Share it on
|