|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પડોશી મહિલા કોન્સ્ટેબલને સંબંધ રાખવા દબાણ કરનારા અને મહિલાના ઈન્કાર બાદ ભુજોડી બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારા સસ્પેન્ડેડ ફાયર ઑફિસર અનિલ બેચરભાઈ મારુની જામીન અરજી સેશન્સ જજે ફગાવી દીધી છે. ૧૭ ઓક્ટોબરના બપોરે બે વાગ્યે બનાવ બન્યો હતો જે અંગે માધાપર પોલીસે કુકમા ગામે રહેતા ૩૮ વર્ષિય અનિલ સામે વિવિધ ગંભીર કલમો તળે ફરિયાદ નોંધી હતી. થોડાંક દિવસો બાદ અનિલે પણ મહિલા કોન્સ્ટેબલે રૂપિયા પડાવવાના હેતુથી પોતાને બ્લેકમેઈલ કરીને તેના ભાઈ અને પિતા સાથે પોતાના પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી.
૧૪ નવેમ્બરની રાત્રે અમદાવાદથી પકડાયેલો
આ કેસમાં અનિલે આગોતરા જામીન અરજી દાખલ કરેલી જેને કૉર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ ૧૪મી નવેમ્બરની રાત્રે માધાપર પોલીસ અમદાવાદથી અનિલને પકડી લાવેલી અને બીજા દિવસે તેની સત્તાવાર ધરપકડ કરેલી. કૉર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીને પાલારા જેલમાં મોકલી અપાયેલો.
અનિલના ભાઈએ માધાપર PI પર ગંભીર આરોપ કરેલો
આ ઘટનાક્રમ વચ્ચે અનિલના મોટા ભાઈ અમરતે માધાપરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. ઝાલા પર આરોપ કરેલો કે ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ હોઈ અંગત રસ લઈ ઝાલા તેની ફેવરમાં કામ કરે છે. તેના ભાઈને ગંભીર ઈજાઓ હોઈ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયેલો.
ઝાલાના ઈશારે અમદાવાદના બોડકદેવની પોલીસ અનિલ પર સતત નજર રાખતી હતી. અનિલને ગંભીર ઈજા હોવા છતાં બળજબરીથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાવી માધાપર પોલીસ ખાનગી બલેનો કારમાં માધાપર લઈ આવી હતી.
ઝાલાને આ કેસમાં અંગત રસ હોઈ ન્યાય ના મળે તેવી ચિંતા વ્યક્ત કરીને અમરતે ઝાલા સામે ખાતાકીય તપાસ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખીત રજૂઆત કરેલી.
અગાઉ અનિલ રાજકોટમાં લાંચ લેતા ઝડપાયો હતો
ભુજ ફાયરબ્રિગેડના ફાયર ઑફિસર અનિલ મારૂની રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગનકાંડ બાદ રાજકોટના ઈન્ચાર્જ ફાયર ઑફિસર તરીકે નિમણૂક થયેલી. જો કે, નોકરીના થોડાંક દિવસો બાદ ફાયર એનઓસી આપવા પેટે ઑગસ્ટ ૨૦૨૪માં ૧.૮૦ લાખની લાંચના ગુનામાં તે સંડોવાયો હતો અને સસ્પેન્ડ થયો હતો.
જાણો, સેશન્સ જજે અરજી ફગાવતી વખતે શું કહ્યું
ઈન્ચાર્જ સેશન્સ જજ એન.પી. રાડિઆએ આજે અનિલ મારૂની જામીન અરજી ફગાવતાં જણાવ્યું કે અનિલ મારુ મહિલા પોલીસ કર્મીની શારીરિક છેડતી, હત્યાના પ્રયાસના સ્ત્રીવિરોધી ગંભીર ગુનાનો આરોપી છે. તપાસકર્તા પોલીસ અધિકારીનો તપાસ અહેવાલ જોતાં તેની સામે પ્રથમદર્શનીય રીતે મજબૂત કેસ છે.
આરોપીને કોઈ ગંભીર ઈજા જણાતી નથી અને પોતે સ્વેચ્છાએ વિવિધ હોસ્પિટલોમાં દાખલ થયેલો છે તેથી તે રજૂઆત ટકવાપાત્ર નથી.
તપાસ નાજૂક તબક્કે છે. તેના પર અગાઉ રાજકોટ એસીબી પોલીસ મથકમાં ગુનો દાખલ થયેલો છે. ફરિયાદીની પડોશમાં રહે છે તેથી જો તેને જામીન પર છોડાય તો ફરિયાદી, સાક્ષીઓ કે પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે અથવા તેમને ધાક ધમકી આપી પ્રભાવિત કરી શકે છે. આમ, કેસને ભારે અસર કરી શકે તેમ છે. કૉર્ટે અગાઉ તેની આગોતરા જામીન અરજી ગુણદોષ (મેરિટ) પર ફગાવી દીધી હતી. આ તથ્યો જોતાં તેને નિયમિત જામીન પર છોડવો યોગ્ય જણાતો નથી.
Share it on
|