click here to go to advertiser's link
Visitors :  
09-May-2025, Friday
Home -> Anjar -> How LCB East catches IMFL worth Rs 9.24 L and Key accused in Anjar Read more
Saturday, 15-Feb-2025 - Anjar 38355 views
અંજારમાં ભૂગર્ભ ટાંકામાંથી ૯.૨૪ લાખનો શરાબ જપ્તઃ સૂત્રધાર આ રીતે સામેથી ઝડપાયો!
કચ્છખબરડૉટકોમ, અંજારઃ સામાન્ય રીતે, પોલીસ દરોડામાં મોટાપાયે પકડાતાં વિદેશી શરાબના જથ્થાના કિસ્સાઓમાં મોટાભાગે મુખ્ય આરોપી સ્થળ પર હાજર નથી હોતા અથવા પોલીસને થાપ આપી ફરાર થઈ જતાં હોય છે. જો કે, અંજારમાં આજે સવારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલાં દારૂના એક ક્વૉલિટી કેસમાં રેઈડથી અજાણ મુખ્ય આરોપી માલ લેવા સામેથી સ્થળ પર આવતાં ઝડપાઈ ગયો છે!
ટાંકામાંથી ૯.૨૪ લાખનો શરાબ ઝડપાયો

અંજારના મેઘપર બોરીચીની જીનસ કંપની પાછળ ગુરુકૃપા ટ્રેડર્સ પાસે આવેલા એક પ્લોટને ભાડે રાખીને હિંગળાજદાન ગોરૂદાસ ગઢવી (૩૦, રહે. ભાનુદર્શન, ઓસ્લો સર્કલ પાસે, ગાંધીધામ મૂળ વતનીઃ સોનલનગર, પાન્ધ્રો, લખપત) નામનો શખ્સ પ્લોટના મોટા અંડરગ્રાઉન્ડ ટાંકામાં ઈંગ્લિશ દારૂની પેટીઓ સંઘરતો હોવાની એલસીબીને બાતમી મળેલી. જેના પગલે એલસીબીએ સવારે સાત વાગ્યે આ પ્લોટ પર દરોડો પાડ્યો હતો. પ્લોટમાં આવેલી પતરાવાળી ઓરડીમાં રહીને હિંગળાજ પાસે નોકરી કરતાં સ્વરૂપસિંહ નારાયણસિંહ ચૌહાણ અને સવાઈસિંહ જોગસિંહ ચૌહાણ નામના બે રાજસ્થાની છોકરાને ઝડપી અંડરગ્રાઉન્ડ ટાંકો ખોલવામાં આવતાં તેમાંથી વોડકા અને અન્ય ૯ બ્રાન્ડની જુદી જુદી વ્હિસ્કી મળી કુલ ૯ લાખ ૨૪ હજાર રૂપિયાના મૂલ્યની ૧૨૮૪ બાટલીઓ મળી આવી હતી. વ્હિસ્કીની બાટલીઓ રાજસ્થાનની વિવિધ ડિસ્ટલરીઝની છે.

દરોડાથી અજાણ સૂત્રધાર આ રીતે સામેથી ઝડપાયો!

પોલીસે બેઉ છોકરાની અટક કરી પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે બેઉ જણ માલની ચોકી કરે છે અને રોજ સવારે હિંગળાજ કાર લઈને આવે ત્યારે તેની ગાડીમાં તેના કહેવા મુજબ દારૂની પેટીઓ ભરી આપે છે. પોલીસનું પંચનામું ચાલતું હતું ત્યાં હિંગળાજે તેના માણસ સ્વરૂપસિંહને ફોન કરીને પોતે ગાડી લઈને આવતો હોઈ દારૂની પેટીઓ ટાંકામાંથી બહાર કાઢી રાખવા સૂચના આપી હતી.

પોલીસ રેઈડથી અજાણ હિંગળાજ જેવો ગાડી લઈને માલ ભરવા આવ્યો કે પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં હિંગળાજે ગુમાનસિંહ સોઢા નામનો શખ્સ દારૂનો જથ્થો આપી ગયો હોવાનું કબૂલ્યું છે.

પોલીસે ૯.૨૪ લાખના શરાબ ઉપરાંત ૫ લાખની નિશાન ટેરેનો કાર, આરોપીઓના કબજામાંથી ૪ મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧૪.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ચારે સામે અંજાર પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારા તળે ગુનો નોંધાવ્યો છે. દરોડાની કામગીરીમાં એલસીબી પીઆઈ નારણભાઈ એન. ચુડાસમા, પીએસઆઈ એમ.વી. જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
ભુજના ગામડાઓમાં કેબલ સહિત ચાર ચોરીઓ કરનારી કુકમાની ગેંગને પધ્ધર પોલીસે ઝડપી
 
ભચાઉના તોરણિયામાં ઘેરબેઠાં ગાંજાની ખેતી! ૪.૨૧ લાખનો ૪૨ કિલો ગાંજો જપ્ત
 
કચ્છ સહિત ૧૫ સૈન્ય થાણાં પર ડ્રોન/ મિસાઈલ્સથી પાક.નો હુમલાનો પ્રયાસ નિષ્ફળ