કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા પાકિસ્તાને ગત રાત્રે કચ્છ અને રાજસ્થાન સાથે પંજાબ અને જમ્મુ કાશ્મિરની સરહદે ડ્રોન તથા મિસાઈલ્સથી ૧૫ જેટલાં સૈન્ય થાણાંને લક્ષ્યાંક બનાવવા પ્રયાસ કર્યો છે પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાને ભુજ ઉપરાંત રાજસ્થાનના ફલોદી, પંજાબના અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટીંડા, ચંદીગઢ, નલ, અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ અને ઉત્તરલાઈ એમ પશ્ચિમ અને ઉત્તર ભારતના ૧૫ સૈન્ય થાણાંને લક્ષ્યાંક બનાવવા પ્રયાસ કર્યો હતો. ઈન્ટીગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી ભારતીય સૈન્ય દળોએ પાક.ના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સૈન્ય દળો દ્વારા તોડી પડાયેલાં ડ્રોન અને મિસાઈલ્સના કાટમાળને એકત્ર કરાઈ રહ્યો છે, જે પાકિસ્તાને હુમલો કર્યો હોવાનું સાબિત કરે છે.
ઉલ્લેખનીય છે કે આજે પરોઢે ખાવડા નજીક કોટડા ગામ પાસે એક ભેદી ડ્રોન આગનો ગોળો બનીને તૂટી પડ્યું હતું.
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરૉ દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી મુજબ પાકિસ્તાનના અડપલાંનો જવાબ આપવા આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પણ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી તેને નષ્ટ કરી દીધી છે. ભારતીય સૈન્યએ લાહોરની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી નાખી છે. પાકિસ્તાને કરેલાં હુમલા જેટલી જ તીવ્રતાનો આ જવાબી હુમલો હોવાનું ભારતે જણાવ્યું છે.
એલઓસી પર પાક.નો અંધાધૂંધ તોપમારો જારી
‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મિરમાં એલઓસી નજીક આવેલા કૂપવાડા, બારામુલ્લા, ઉરી, પુંચ, મેંઢર, રાજૌરી વગેરે વિસ્તારોમાં વિનાકારણ અંધાધૂંધ તોપમારો શરૂ કરતાં ૩ મહિલા અને ૫ બાળકો સહિત ૧૬ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયાં છે. ભારતીય સૈન્ય પણ પાક.નો મજબૂતાઈથી પ્રતિકાર કરી રહ્યું છે.
Share it on
|