કચ્છખબરડૉટકોમ, ભુજઃ પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડાઓમાં વાડીઓ અને વીજ લાઈનોના કેબલોની ચોરીઓ કરતી કુકમા ગામના સાત જણની ટોળકીને પોલીસે ઝડપી પાડી ચોરીના જુદાં જુદાં ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીનો માલ ખરીદતાં ભુજના ભંગારવાડાના સંચાલકને પણ ગુનામાં ફીટ કર્યો છે. કુકમામાં રહેતી આ ટોળકી ચોરીઓ કરતી હોવાની બાતમીના પગલે પધ્ધર પોલીસે વારાફરતી આ ટોળકીના સાત સાગરીતોને ઝડપીને વિશિષ્ટ ઢબે પૂછપરછ હાથ ધરી હતી. જેના પગલે પધ્ધર પોલીસ મથકમાં થોડાંક સમય અગાઉ નોંધાયેલાં કેબલ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસની પૂછપરછમાં પાંચ જણાંએ અજરખપુર ગામે કલરને ગરમ કરવા વપરાતી જંગી કડાઈ ચોરી હોવાનું પણ ખૂલ્યું છે. આ અંગે ત્રણ દિવસ અગાઉ પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પોલીસે ઝડપેલાં આરોપીઓમાં ઈકબાલ ઉમર સુમરા, સમીર ઈસ્માઈલ ખલીફા, ગની સુલેમાન અભડા, સાહિલ સાલેમામદ બાફણ, સાહિલ સિધિક કકલ, અસગર ઊર્ફે એઝાઝ લતીફ બાફણ અને અબ્દુલ ઊર્ફે ભીયો આદમ કકલનો સમાવેશ થાય છે.
આ ટોળકી પાસેથી ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે રહેતો અલ્તાફ ઊર્ફે કારો જુણસ કુંભાર ચોરીનો માલ ખરીદતો હતો.
પોલીસે ૨૨ કિલો કોપર કેબલ, ૨૭ કિલો તાંબાની કડાઈ, એક વર્ના કાર, બે મોટર સાયકલ, એક એક્ટિવા સહિત ૪ વાહનો, ૬ મોબાઈલ ફોન વગેરે મળી લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં પધ્ધર પીઆઈ એ.જી. પરમાર, એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણા, વીરેન્દ્રસિંહ પરમાર, નિલેશ ચૌધરી, ભાર્ગવ ચૌધરી, વિનોદ વસાવા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Share it on
|