click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Anjar -> Good Samaritan Scam Man loses 5.41 lakh in quest to return accidental 1 lakh deposit
Saturday, 21-Mar-2026 - Dudhai 51007 views
ભૂલથી ૧ લાખ જમા થયાનો મેસેજ જોઈ નાણાં પરત કરવા જતાં ૫.૪૧ લાખ ગુમાવાનો વારો આવ્યો
કચ્છખબરડૉટકોમ, અંજારઃ જો તમે મોબાઈલ ફોનમાં UPIથી નાણાંની લેતી-દેતી કરતાં હો તો ચીટીંગની આ વધુ એક નવી ફોર્મ્યુલાથી સાવધ રહેજો. કારણ કે ભ્રામક સંદેશાથી ભરમાઈને ધરમ કરવા જતા ધાડ પડી શકે છે. અંજાર તાલુકાના બુઢારમોરા ગામે વિસલપરમાં રહેતા ૫૪ વર્ષિય કાન્તિભાઈ રામજીભાઈ સથવારા ખેતી પર નભે છે. ખેતીની આવકના રૂપિયા તેમના બેન્ક ખાતામાં જમા કરાવે છે.
અચાનક એક લાખ જમા થયાનો સંદેશ મળ્યો

ગત ૨૬-૧૦-૨૦૨૫ના રોજ કાન્તિભાઈને મોબાઈલ ફોનમાં એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો કે તેમના ખાતામાં એક લાખ રૂપિયા જમા થયાં છે. એક લાખ રૂપિયાની લૉટરી અચાનક કેવી રીતે લાગી ગઈ તે અંગે કાન્તિભાઈ સુખદ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં હતા.

ભૂલથી રૂપિયા જમા થયાં છે, મને પરત મોકલો

નાણાં જમા થયાનો મેસેજ મળ્યાં બાદ તેમને બે જુદાં જુદાં નંબર પરથી ફોન આવેલાં. ફોન કરનાર મહેન્દ્ર રામપ્રકાશ શર્મા નામનો ઉત્તરપ્રદેશનો અજાણ્યો શખ્સ હતો. શર્માએ કાન્તિભાઈને જણાવ્યું કે ભૂલથી તમારા ખાતામાં મારાં એક લાખ રૂપિયા જમા થઈ ગયાં છે, તે મને તાત્કાલિક પાછાં આપો. મારી પત્નીને એક્સિડેન્ટ થયો છે, ખૂબ સિરિયસ છે અને હોસ્પિટલમાં દાખલ છે. મને તાત્કાલિક મારાં રૂપિયા આ નંબરના જી-પે પરત મોકલી આપો.

કાન્તિભાઈએ મહેન્દ્રની વાત પર વિશ્વાસ રાખીને તાત્કાલિક તેમના જી-પે પરથી બે જુદાં જુદાં નંબર પર અલગ અલગ ચાર ટ્રાન્ઝેક્શન મારફતે મહેન્દ્રને એક લાખ રૂપિયા પરત મોકલી આપ્યાં હતા.

બીજા દિવસે મહેન્દ્રએ ફોન કરીને કાન્તિભાઈને જણાવેલું કે તમે કાલે જે રૂપિયા જમા કરાવેલાં તે મને મળ્યાં નથી, એ રૂપિયા હજુ તમારા જી-પેમાં જ પડ્યાં છે. મને તાત્કાલિક રૂપિયા મોકલો. તેની વાતો પર ભરોસો કરીને કાન્તિભાઈએ ફરી એક લાખ રૂપિયા મોકલી આપ્યાં હતા.

૬ દિવસ સુધી ટુકડે ટુકડે ૫.૪૧ લાખ મોકલ્યાં

૩૧ તારીખ સુધી દરરોજ આ સિલસિલો ચાલું રહેલો. કાન્તિભાઈએ ટુકડે ટુકડે ૫ લાખ ૪૧ હજાર ૫૩૫ રૂપિયા મોકલી આપ્યાં હતા. મહેન્દ્ર શર્મા વખતોવખત કહેતો કે તમારા રૂપિયા ક્યાંય નહીં જાય. કદાચ તમારા વધારાના રૂપિયા મારા ખાતામાં આવી જશે તો હું પાછાં મોકલી આપીશ.

તપાસ માં ખબર પડી કે એક લાખ કદી આવ્યાં જ નહોતા

૫.૪૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં બાદ કાન્તિભાઈએ તપાસ કરતાં તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. તેમના બેન્ક ખાતામાં એક લાખ રૂપિયા જમા થયાં જ નહોતાં! ભ્રામક મેસેજથી ભરમાઈ ગયેલાં. તેમણે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવતાં ગયેલાં રૂપિયામાંથી સામેવાળાના ખાતામાં રહેલા ૩૩,૭૯૬ રૂપિયા હોલ્ડ થઈ ગયાં છે. બાકીના બધા રૂપિયા સાયબર માફિયાઓની પથરાયેલી જાળમાં ગાયબ થઈ ગયાં છે. બનાવ અંગે દુધઈ પીઆઈ આર.આર. વસાવાએ અજાણ્યા સાયબર ચીટરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?