click here to go to advertiser's link
Visitors :  
22-Sep-2026, Tuesday
Home -> Nakhatrana -> West Kutch LCB Captures IMFL worth Rs 48.12 Lakh from Vadva Kanya Nakhtrana
Tuesday, 22-Sep-2026 - Nakhtrana 691 views
નખત્રાણાના વડવા કાંયાની સીમમાં LCBએ કટિંગ ટાણે ત્રાટકીને ૪૮.૧૨ લાખનો શરાબ ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે નખત્રાણાના વડવા કાંયા ગામની સીમમાં કટિંગ ટાણે ત્રાટકીને ૪૮.૧૨ લાખનો ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. બે દિવસ અગાઉ અબડાસાના ખાનાયની વાડીમાં રેઈડ પાડીને LCBએ જેનો ૧૮.૭૧ લાખનો શરાબ ઝડપેલો તે જીતીયા સોઢાએ માલ મગાવ્યો હોવાનું ખૂલ્યું છે.

બાતમીના આધારે આજે પરોઢે પાંચ વાગ્યે LCBએ નખત્રાણા તાલુકાના મંગવાણાથી ગઢશીશા તરફ જતા રોડ પર વડવા કાંયા ગામની સીમમાં બાવળોની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો.

પોલીસના વાહનોને જોઈ બૂટલેગર જીતીયો સોઢા અને તેના સાગરીતો સફેદ ક્રેટા કાર તથા વ્હાઈટ સ્વિફ્ટ કારમાં સ્થળ પરથી નાસી છૂટ્યાં હતા.

પોલીસે  સ્થળ પર પડેલી એક મોટર સાયકલ જપ્ત કરીને GJ-18 AX-6186 નંબરની ટ્રક પાસે જઈને કેબિનમાં જોયું તો અંદર ડ્રાઈવર સૂતો હતો! પોલીસે તેને ઉઠાડીને પૂછતાં તેણે ટ્રકમાં દારૂ ભરેલો હોવાનું જણાવ્યું હતું. ડ્રાઈવર સત્તારખાન રમજાનખાન પઠાણ (ઉ.વ. ૨૯, બાડમેર, રાજસ્થાન)એ પોલીસ સમક્ષ કબૂલ્યું કે ટ્રકના માલિક શકુરખાન નવાબખાને તેના મિત્ર અકબરખાન સમેજા (બંને રહે. બાડમેર) સાથે ફોન પર વાત કરેલી અને બેઉ જણે પંજાબથી ટ્રકમાં શરાબનો જથ્થો લોડ કર્યો હતો.

કચ્છમાં જીતીયા સોઢાને માલ સપ્લાય કરવાનો હતો. નખત્રાણા આવ્યા બાદ જીતીયો જ તેની ક્રેટા કારથી પાયલોટીંગ કરીને ટ્રકને વડવા કાંયાની સીમમાં દારૂના કટિંગ માટે લઈ આવ્યો હતો.

વરસાદી ઝાપટાંના કારણે ગામડાનો કાચો રસ્તો કાદવ કીચડવાળો થઈ ગયો હતો. રસ્તામાં એક જગ્યાએ ટ્રકનું પૈડું ફસાઈ જતાં JCBની મદદથી ટ્રકને બહાર કઢાઈ નખત્રાણા પોલીસ મથકે લઈ અવાઈ હતી.

ટ્રકમાં જવના ભૂંસા અને પ્લાસ્ટિક દાણાંના વેસ્ટના ૫૦ કોથળાંની આડમાં દારૂ સંતાડાયો હતો.

પોલીસે ગણતરી કરતાં ૩૮.૫૨ લાખની શરાબની નાની મોટી ૭૭૪૦ નંગ બાટલીઓ અને ૯.૬૦ લાખની કિંમતના ૭૬૮૦ નંગ બિયર ટીન મળી આવ્યાં હતા.

સ્થળ પરથી મળેલી મોટર સાયકલ નંબર GJ-12 EG-0679 રોહા સુમરીના ધવલકુમારના નામે નોંધાયેલી છે.

પોલીસે ૪૮.૧૨ લાખના શરાબ સાથે ૧૦ લાખની ટ્રક, ૨૦ હજારની બાઈક, એક મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૫૮.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૂ મોકલનાર બાડમેરના બેઉ શખ્સો અને ટ્રકના ડ્રાઈવર, મગાવનાર જીતીયો સોઢા, ક્રેટા, સ્વિફ્ટ કાર અને બાઈકના ચાલકો-માલિકો વિરુધ્ધ નખત્રાણા પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો દાખલ કર્યો છે.

પાલનપુર- અમદાવાદ- કચ્છના રૂટ પરથી ટ્રક આવી 

ગુજરાતમાં પ્રવેશ્યાં બાદ બૂટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા ટ્રકને સીધા રસ્તે લાવવાના બદલે વાયા અમદાવાદનો રૂટ પસંદ કર્યો હતો. ભટીંડાથી ગુજરાતના થરાદ, ડીસા, પાલનપુર, મહેસાણા થઈને ટ્રકને અમદાવાદ લઈ જવાયેલી. ત્યાંથી હળવદ, માળિયા, સામખિયાળી, અંજાર, ભુજના રૂટ પર ટ્રક નખત્રાણા આવેલી. LCB પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને તેમની ટીમે ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
मनीष अंकल ने मेरे साथ गलत किया ૬ વર્ષની દીકરીના દુષ્કર્મીને જીવે ત્યાં સુધી જેલ
 
સરહદી કચ્છમાં વગર યુધ્ધે અચાનક તમામ ગામોમાં અડધો કલાક અંધારપટ કરી દેવાયો
 
નકલી પાસપોર્ટ વિઝા પર ભારતમાં ગેરકાયદે રહેતી નાઈજીરિયન મહિલાને ૨ વર્ષની સખ્ત કેદ