|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ શ્રમિક યુગલની ૬ વર્ષની દીકરીને ઘરેથી ઉપાડીને ઝાડીમાં લઈ જઈ નિર્દયતાપૂર્વક પીંખી નાખનારાં ૨૬ વર્ષના બળાત્કારીને ભુજની પોક્સો કૉર્ટે તેના પર લાગેલી તમામ ૧૦ કલમો હેઠળ દોષી ઠેરવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. કૉર્ટે મનીષ મંડલ નામના મૂળ ગયા, બિહારના નરાધમને જીવનના છેલ્લાં શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા સાથે દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બાબતોને કૉર્ટે ગંભીર ગણી
મનીષ પોતે પરિણીત છે અને બે દીકરીઓનો બાપ છે, ગુનાનો ભોગ બનનાર બાળકી અને મનીષ વચ્ચેની ઊંમરના ૨૦ વર્ષનો તફાવત છે. આ બાબતોને કૉર્ટે ગંભીરતાથી લઈ આરોપીને નશ્યતરૂપ સજા ફટકારી છે.
જાણો એ દિવસે શું બનેલું
૧૨-૦૧-૨૦૨૬ના રોજ મુંદરાના ભદ્રેશ્વર નજીક લેબર કોલોનીમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. મૂળ ઝારખંડનું શ્રમિક યુગલ ઘરમાં બે માસૂમ બાળકીઓને રાખીને મજૂરીએ ગયું હતું ત્યારે પડોશમાં રહેતા મનીષ મંડલે ઘરે આવીને ૬ વર્ષની મોટી દીકરીને ઊંચકીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. બાળકી સાથે પાપ આચરતાં તે લોહીલુહાણ થઈ ગયેલી. પીડાથી કણસતી બાળકીએ બૂમાબૂમ કરી ત્યારે તેને ઝાપટ મારી ચૂપ કરાવી દીધેલી. બાળકીને પીંખ્યા બાદ તેને ઘરે પરત મૂકી ગયેલો. સાંજે માતા ઘરે આવી ત્યારે બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી વહેતું જોઈ ભડકી ગયેલી. બાળકીએ મનીષ અંકલે પાપ આચર્યું હોવાનું કહેલું.
સમયસર સારવાર ના મળતાં કૉર્ટે નોટિસ ફટકારેલી
સ્વજનો બાળકીને સૌપ્રથમ ભદ્રેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયેલાં. ત્યાં તબીબ હાજર ના હોઈ મુંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયેલાં. અહીં પૂરતી સુવિધાઓ ના હોઈ બાળકીને ૧૦૮ મારફતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બાળકીને લઈ પરિવારજનો મધરાતે ૩ વાગ્યે જી.કે. જનરલ હોસ્પિટલ આવેલા પરંતુ બીજા દિવસની સાંજ સુધી બાળકીની કોઈ સારવાર કે મેડિકલ ચેકઅપ થયું નહોતું. આ બાબત ધ્યાને આવતા ૧૮ જાન્યુઆરીના રોજ પોક્સો કૉર્ટના તત્કાલિન વિશેષ જજ જે.એ. ઠક્કરે ભદ્રેશ્વર PHC, મુંદરા CHC, જી.કે. જનરલ હોસ્પિટલ અને જિલ્લાના સિવિલ સર્જનને કારણદર્શક નોટિસ ફટકારી હતી.
મુંદરા મરિન પોલીસે દોઢ માસમાં ચાર્જશીટ કરેલી
બનાવ અંગે મુંદરા મરિન પોલીસે ૧૩ જાન્યુઆરીના રોજ બાળકીના પિતાએ આપેલી વિગતના આધારે ફરિયાદ નોંધી આરોપી મનીષની અટક કરેલી. તત્કાલિન પીઆઈ હાર્દિક ત્રિવેદીએ ગુનાની તપાસ કરીને ૨૮ ફેબ્રુઆરીના રોજ આરોપી સામે કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
ઉલટ તપાસમાં બાળકી બયાન પર અફર રહી
ચાર્જશીટ દાખલ થયાના ૬ માસ ૨૪ દિવસમાં ટ્રાયલ ચલાવીને આજે પોક્સો કૉર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ ગુનામાં ભોગ બનનાર માસૂમ દીકરીની ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષના વકીલ દ્વારા સરતપાસ અને ઉલટ તપાસ કરવામાં આવી હતી. નાણાંની લેતી-દેતીના મામલે બાળકીને ખોટી વિગતો જણાવવાનું શીખવાડીને માતા પિતાએ મનીષને બળાત્કારના ખોટાં કેસમાં ફીટ કરી દીધો હોવાનું જણાવી બચાવ પક્ષના વકીલે માસૂમ બાળકીની ઉલટ તપાસ લીધી હતી. પરંતુ બાળકી मनीष अंकल ने मेरे साथ गलत किया તે બયાન પર અફર રહેલી. આરોપીના આંતરવસ્ત્ર પરથી મળેલો લોહીનો નમુનો બાળકીના બ્લડ સેમ્પલ સાથે મેચ થયો હતો.
૨૬ વર્ષનો મનીષ પરણેલો છે, પત્ની તથા બે બાળકીઓ સાથે રહે છે છતાં તેણે માસૂમ દીકરી સાથે આચરેલા પાપને ગંભીર ગણી પોક્સો કૉર્ટના વિશેષ જજ એમ.એફ. ખત્રીએ તેને રાક્ષસી વૃત્તિનો ગણાવ્યો છે.
પોલીસે લગાડેલી BNS કલમ ૬૪ (૨) (I), ૬૪ (૨) (L), ૬૫ (૨), ૭૫ (૨), ૧૩૭ (૨) તથા પોક્સો એક્ટની કલમ ૩, ૪ (૨), ૫ (M), ૬, ૮, ૧૦ અને ૧૨ હેઠળ દોષી ઠેરવી મહત્તમ છેલ્લાં શ્વાસ સુધી આજીવન કેદથી લઈ કલમો મુજબ મહત્તમ સજા અને દંડ કર્યાં છે. સમગ્ર કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો છે.
કૉર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભોગ બનનાર બાળકીને ૩ લાખનું વળતર ચૂકવવા અને નેશનલાઈઝ્ડ બેન્કમાં તેની એફડી કરાવવા ભલામણ કરી છે.
કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.
Share it on
|