click here to go to advertiser's link
Visitors :  
18-Dec-2025, Thursday
Home -> Anjar -> Four robbers convicted after 18.8 years Anjar Sessions Court orders 5 years Jail
Wednesday, 17-Dec-2025 - Anjar 1159 views
અંજારઃ પોલીસ પર પથ્થરમારો કરી લૂંટ કરનાર MPના ૪ જણને ૧૮.૮ વર્ષે ૫ વર્ષનો કારાવાસ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં ત્રણ દુકાનોના તાળાં તોડીને તે પૈકી બે દુકાનોમાંથી મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી ૩૭૦૦ રૂપિયાની લૂંટ કરી પોલીસ પર પથ્થરમારો કરી નાસી જવાના ગુનામાં ૧૮ વર્ષ ૮ મહિને ચાર જણને કૉર્ટે પાંચ વર્ષની કેદ ફટકારી છે. દુકાનોમાં ચોરી અને લૂંટનો બનાવ ૨૮-૦૪-૨૦૦૭ની રાત્રે બન્યો હતો.

મધ્યપ્રદેશના રતલામના નંદુ રામલાલ ખરાડી (આદિવાસી), જીવણ બાબુલાલ ભીલ (આદિવાસી), ગોરધન અંબાલાલ મુનિયા અને ધનાલાલ શંભુ મુનિયાએ મધરાત્રે અંજારની વૃંદાવન સોસાયટી સામે આવેલા તળાવ પાસેના કળશ કોમ્પ્લેક્સની ત્રણ દુકાનો તાળાં તોડી, શટર ઊંચા કરી ચોરીનો પ્રયાસ કરેલો. જે પૈકી બે દુકાનમાંથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી ૩૭૦૦ રૂપિયાની ચોરી કરેલી.

પોલીસ પકડવા જતાં પથ્થરમારો કરી નાસી ગયેલાં

ચાર ચોર ચોરી કરી રહ્યાં હોવાની નાઈટ ડ્યુટીમાં રહેલા એએસઆઈ સરદારસિંહ વાલાભાઈ નાઈ (પારાધી) અને મહેશ ખીમજીભાઈ ચૌહાણને વીએચએફ પર મેસેજ મળતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયેલાં. ચારે ચોર દુકાનો પાસે હાજર હતા. પોલીસે તેમને પડકારી પકડવા પ્રયાસ કરતા ચારે જણ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરીને સોરઠિયા સ્મશાન પાસે આવેલી ઝાડીમાં નાસી છૂટ્યાં હતા. પથ્થરમારામાં બેઉ પોલીસ કર્મીને હળવી મધ્યમ ઈજાઓ થયેલી.

૨૦૧૨માં ટ્રાયલ કૉર્ટે ચારેયને નિર્દોષ ઠેરવેલાં

અંજાર પોલીસે આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૯૪, ૩૩૨ અને ૧૧૪ તળે ગુનો દાખલ કરીને તે દિવસની સાંજે જ તેમને સ્મશાનની ઝાડીમાંથી દબોચી લીધા હતા. ચારે આરોપીઓ અંજારમાં એક શાળાના ચાલતાં કન્સ્ટ્રક્શન કામમાં મજૂરી કરતાં હોવાનું બહાર આવેલું. આ ગુનામાં ૨૯-૧૧-૨૦૧૨ના રોજ અંજારના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટે ચારેય આરોપીને નિર્દોષ ઠેરવેલાં. ટ્રાયલ કૉર્ટનો ચુકાદો ખામીભર્યો હોવાનું આધાર પર સરકાર પક્ષે ૨૦૧૯માં હુકમ સામે અંજાર સેશન્સ કૉર્ટમાં અપીલ દાખલ કરેલી.

ચારેય જણને પાંચ વર્ષની કેદની સજા

બીજા અધિક સેશન્સ જજે ટ્રાયલ કૉર્ટના હુકમને રદ્દબાતલ ઠેરવીને ચારે આરોપીને સજા ફટકારી છે. કૉર્ટે ઈપીકો કલમ ૩૯૪ હેઠળ ચારેયને પાંચ વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ તથા ઈપીકો કલમ ૩૩૨ હેઠળ ૧ વર્ષની કેદ અને પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ દલીલો કરી હતી.

ટ્રાયલ કૉર્ટે પુરાવાનું યોગ્ય અર્થઘટન કર્યું નથીઃ સેશન્સ

સેશન્સ કૉર્ટે ટ્રાયલ કૉર્ટના હુકમને રદ્દ ઠેરવતાં જણાવ્યું કે પથ્થરમારામાં ઘાયલ પોલીસ કર્મચારીઓ જ્યારે સારવાર લેવા ગયા ત્યારે ડૉક્ટર સમક્ષ જાહેર કરેલી હિસ્ટ્રીમાં કોઈનું નામ જણાવ્યું નહોતું. જેથી આરોપીઓની ઓળખ થતી નથી તેવું ટ્રાયલ કૉર્ટનું તારણ છે.

જો કે, પોલીસ કર્મચારીઓને પથ્થરમારામાં ઈજા થઈ છે તે મહત્વનું છે.

આરોપીઓ પકડાયાં બાદ પોલીસ સ્ટેશનમાં તેમને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સમક્ષ ઓળખ પરેડ કરાવાઈ હતી અને કોન્ટ્રાક્ટરે તેમને ઓળખી બતાડેલાં. એ જ રીતે, બનાવ સમયે પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા કે કેમ અને બનાવને નજરે જોનાર કોઈ સાક્ષી હોવાનું ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો ના હોવાના ટ્રાયલ કૉર્ટના તારણને સેશન્સે ફગાવી દઈ જણાવ્યું કે દુકાનોમાં ચોરીઓ થઈ છે, તાળાં તૂટેલાં છે, પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને નાણાં રીકવર કરેલાં છે તે રેકર્ડ પર પુરવાર થાય છે.

રાત્રિનો સમય હોઈ સ્વાભાવિક છે કે બનાવને નજરે જોનાર કોઈ સાક્ષી ના પણ મળી આવે.

બનાવની તારીખ અને સમયનો કોઈ પુરાવો નથી, પંચો હોસ્ટાઈલ થયેલાં છે તેવા ટ્રાયલ કૉર્ટના તારણને ફગાવી દેતાં સેશન્સ જજે જણાવ્યું કે મોટાભાગના કેસોમાં પંચો હોસ્ટાઈલ થતાં હોય છે, આ કેસમાં પણ તેમ થયું છે પરંતુ હોસ્ટાઈલ પંચોએ પંચનામાંમાં પોલીસ કર્મચારી રૂબરૂ પોતે કરેલી સહીઓને સમર્થન આપેલું છે. આમ, ટ્રાયલ કૉર્ટે હકીકતો અંગે રહેલા પુરાવાનું અનુવાદન અર્થઘટન કરવામાં ભૂલ કરેલી હોવાનું જણાઈ આવે છે, પુરાવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યું નથી.

સજા પામનારાં લૂંટારા ૨૦૧૩થી ફરાર છે

જેમને સજા થઈ છે તે લૂંટારા ૨૦૧૩થી ગાયબ થઈ ગયાં છે. ૨૦૧૩, ૨૦૨૩ અને ૨૦૨૪માં તેમની સામે વારંવાર સમન્સ, જાહેર નોટિસો, બિન જામીનપાત્ર પકડ વૉરન્ટ જારી કરેલાં છે પરંતુ આરોપીઓ મળી આવતાં નથી તેવા શેરા સાથે તે પરત આવ્યાં છે. કૉર્ટે હવે એમપીના એસપીને સજા વૉરન્ટ મોકલી આપવા હુકમ કર્યો છે.

Share it on
   

Recent News  
ભુજમાં ભંગારની ફેરીના બહાને ચોરી કરતો રીઢો ચોર પકડાયોઃ ૫.૧૬ લાખના ઘરેણાં રીકવર
 
ગાંધીધામઃ શહેરની ૪ દુકાનેથી ડ્રગ્ઝના સેવનમાં વપરાતા ગોગો પેપરનો મોટો જથ્થો જપ્ત
 
વિકાસ એટલે પોર્ટ ફેક્ટરી નહીં પણ માનવીઃ શિરાચાની ભાગવતમાં ડૉ. પ્રીતિબેન અદાણી